નવી દિલ્હી: દેશ(Nation)માં કોરોના(Corona)નાં કેસો(Cases)માં ફરી વધારો નોંધાયો છે. કોરોનાના નવા વેરિયન્ટને લઈ ચીનમાં સ્થિતિ ગંભીર બની છે. જેના પગલે કેન્દ્ર સરકાર પણ સાવધાન થઇ ગઈ છે. ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટનો ફેલાવો અટકાવવા માટે મહત્વનો આદેશ અપાયો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને ગટરના પાણીના સેમ્પલો મોકલવાનો આદેશ આપ્યો છે. વાયરસની તપાસ માટે સેન્ટીનલ સાઈટો પર ગટરના સેમ્પલો મોકલી આપવાનો રાજ્યોને આદેશ અપાયો છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું કે, કોરોના વાયરસનાં નવા વેરિયન્ટની ઓળખ કરવા માટે બે પ્રકારની વ્યૂહરચના અમલમાં મુકવામાં આવી છે. જેમાં પ્રથમ વ્યૂહરચનામાં સેકન્ડરી હોસ્પિટલો શરુ કરવી જોઈએ. આ હોસ્પિટલ ઓપીડી પ્રકારની હોવી જોઈએ જ્યાં ઈન્ફ્લુએન્ઝાના લક્ષણો ધરાવતા દર્દીઓ જઈ શકે અને બીમારીઓની સારવાર થતી હોય. રાજ્યોએ 100 ટકા આરટી – પીસીઆર ટેસ્ટીંગ કરવું જોઈએ. આ ઉપરાંત એક્યુટ રેસ્પીરેટરી ઈન્ફેક્શન ક્લિનિક પણ શરુ કરવી જોઈએ. આ ઉપરાંત કેન્દ્રએ જણાવ્યું કે, ગટરના પાણીના સેમ્પલોમાંથી ઓળખ થયેલા વેરિયન્ટ પર દેખરેખ માટે નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ કોર્ડિનેટિંગ એજન્સી કાર્યરત રહેશે.
કોરોનાના નવા વેરિયન્ટની ઓળખ માટે ગટરના પાણીની તપાસ થશે
કોરોનાના નવા વેરીયન્ટને અટકાવવા માટે કેન્દ્ર સરકાર હવે ગટરના પાણીમાંથી કોરોનાની તપાસ કરશે. ગટરનાં ગંદા પાણીમાં વાયરસનું કેટલું સ્તર છે તેનું માપ કાઢવામાં આવશે. જેથી સ્થાનિક હેલ્થ ઓથોરિટી નવા વેરિયન્ટનાં ફેલાવા પહેલા જ તેનાથી સચેત થઇ શકે. હાલમાં દેશના માત્ર એક જ રાજ્ય કર્ણાટકમાં આ પ્રકારે કોરોનાની તપાસ થઇ રહી છે. હવે કેન્દ્ર સરકાર તેને આખા દેશમાં લાગુ પાડવા માગે છે અને તેથી તમામ રાજ્યોને હવે ગટરના પાણીના સેમ્પલો સેન્ટિનલ સાઈટ પર મોકલવાનું જણાવ્યું છે.
ફ્લુનાં લક્ષણ ધરાવતાં બાળકોને ઘરે મોકલવા આદેશ
કેન્દ્ર સરકારે રાજ્યોને એવું પણ જણાવ્યું કે રાજ્યોએ વાલીઓને જાણ કરવી જોઈએ કે જો તેમનું બાળક ફ્લુ પ્રકારના લક્ષણોથી પીડિત જણાય તો આવા બાળકોને ઘેર રાખવા જોઈએ તથા તેમના આરટી-પીસીઆર કરવા જોઈએ. જો સ્કૂલની અંદર પણ ફ્લુના લક્ષણો વાળો કોઈ વિદ્યાર્થી જણાય તો તેને તાત્કાલિક ઘેર મોકલી દેવો જોઈએ.