સુરત: રાજ્ય સરકારના એવરી વિલેજ ગ્રીન એન્ડ ક્લીન અભિયાન અંતર્ગત સુરત જિલ્લો ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા દૃઢપણે આગળ વધી રહ્યો છે. સુરત જિલ્લા પંચાયતે 182 નવી ગ્રામ પંચાયત કચેરીઓ પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. અગાઉ 140 કચેરીમાં સફળ સ્થાપન બાદ હવે કુલ 322 ગ્રામ પંચાયત કચેરી સૌર ઊર્જાથી વીજશક્તિ ઉત્પન્ન કરશે.
- 322 ગ્રામ પંચાયત કચેરીઓ ઊર્જા બચાવ અને પર્યાવરણ સંરક્ષણનું યશસ્વી મોડલ બની રહી છે
ગુજરાત રાજ્યમાં નવિનીકરણક્ષમ ઊર્જા દ્વારા ગ્રીન એનર્જી લક્ષ્યાંકો સિદ્ધ કરવાનો ધ્યેય સાકાર થતો જઈ રહ્યો છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે ઊર્જા સ્વાવલંબનની દિશામાં નોંધપાત્ર પગલાં લેવામાં આવી રહ્યાં છે. સુરત જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની વધુ 182 ગ્રામ પંચાયત કચેરીઓ પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનો નક્કી નિર્ણય લેવાયો છે, જે અગાઉ સ્થાપિત થયેલી 140 કચેરીની સોલાર પેનલ યોજનાઓની સફળતાને અનુસરે છે. દક્ષિણ ગુજરાતમાં સૌર ઊર્જાના વિસ્તૃત ઉપયોગ માટે સુરત જિલ્લામાં વેગથી કામગીરી ચાલી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ આ વર્ષે નવા 182 ગ્રામ પંચાયત પર 2થી 5 કિલોવોટ ક્ષમતાવાળી સોલાર પેનલ્સ લગાવવાની મંજૂરી અપાઈ છે.
ગ્રામ પંચાયતોના વીજ ખર્ચમાં નોંધપાત્ર બચત
આ પગલાંથી સુરત જિલ્લાના કુલ 322 ગ્રામ પંચાયત કચેરી હવે પોતાના વીજ ખર્ચમાં નોંધપાત્ર બચત કરશે. ઉપરાંત સરપ્લસ વીજળી માટે વીજ કંપનીઓ દ્વારા આપવામાં આવતું વળતર પંચાયતો માટે આવકનો સ્ત્રોત બનશે, જેને સ્થાનિક વિકાસ કાર્યોમાં વાપરી શકાય છે.
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રદૂષણમુક્ત ઊર્જા દ્વારા વિકાસની નવી દિશા
સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાથી ગ્રામ પંચાયતો પોતાની ઊર્જાની જરૂરિયાતો જાતે પૂરી પાડી રહી છે. પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટી રહી છે અને વીજબિલમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉપરાંત સૌર ઊર્જાનો ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો અને પર્યાવરણનું રક્ષણ થતું હોય, તે પણ એક મહત્ત્વપૂર્ણ લાભ છે.