Charchapatra

હવે બુદ્ધ એ જ કલ્યાણ

ગત ૨૪ ફેબ્રુઆરીથી યુક્રેન-રશિયા વચ્ચે ફાટી નીકળેલો ભીષણ અને લોહિયાળ જંગ, કોઈ કાળે ય શમતો નથી. તેના જવાબદાર પક્ષોમાં રશિયા, યુક્રેન, અમેરિકા, નાટો (૩૦ દેશોનું સંધિ સંગઠનો અને યુરોપિયન યુનિયન (ર૭ દેશો) છે. પ્રસ્તુત યુદ્ધે કરેલી તબાહીને યુક્રેન ક્ષેત્રે તપાસીએ તો, યુનો હ્યુમન રાઇટ હાઈ કમિશનના અહેવાલ મુજબ, ૨.૯૦૦ નાગરિકો ઘાયલ થયા છે અને ૧૧૨ બાળકો સહિત ૧.૦૧૬ મૃત્યુ પામ્યાં છે. યુનો રેફ્યુજીના અહેવાલ મુજબ, ૩૩ લાખ લોકો શરણાર્થી તરીકે યુક્રેનથી હિજરત કરી ગયાં છે. ૯૦ લાખ લોકો પોતાના જ દેશમાં વિસ્થાપિત થઈ ગયાં છે અને ૦.૮૦ લાખ બંકરમાં જીવન ગુજારી રહ્યાં છે. તદુપરાંત ૨, ૩૬૯ બાળકોનાં અપહરણ થયાં છે. દર ૦૨ માંથી ૦૧ વેપાર-ધંધો-રોજગાર બંધ થઈ જવાથી, ર૦.૬૦ લોકો ગરીબીની ગર્તામાં ધકેલાઈ ગયાં છે. ૧૦ માંથી ૦૩ નાગરિકોને પોતાની જિંદગી બચાવવા માટે માનવીય રાહત-સહાયતાની જરૂર ઊભી થઈ છે.

રોકેટમિસાઇલ્સ-તોપના સતત મારા નીચે ૫,૦૬૮ ઇમારતો પડીને પાદર થઈ ગઈ છે અને મૂળભૂત સુવિધાઓ જેવી કે માર્ગ-વાહન-સંદેશા વ્યવહાર તેમ જ જળ-વીજ-ગેસ પુરવઠો વગેરે ઠપ્પ થઈ જતાં, ૧૦૦ અબજ ડોલરનું નુક્સાન પહોંચ્યું છે. વૈશ્વિક ક્ષેત્રે તપાસીએ તો અખાદ્ય ફુડ, ડીઝલ, પેટ્રોલ, ગેસ અને ખાદ્ય (ઘઉં)ની અછતના કારણે, આર્થિક ગતિવિધિઓમાં રૂ૧,૬૩૦ અબજની ઓટ આવી છે. પ્રસ્તુત યુદ્ધનો અંત લાવવા માટે યુક્રેન કે રશિયા પર લાદવામાં આવતા વિવિધ પ્રકારના પ્રતિબંધો, આદેશો, ધમકીઓ કે શસ્ત્રસહાય કામયાબ નહીં નીવડે. તે માટેનો રામબાણ ઉપાય ભગવાન બુદ્ધનો કલ્યાણકારી માધ્યમિક માર્ગ જ છે. એટલે કે શાંતિ, સૌહાર્દ અને સમાધાન અર્થે પારસ્પરિક ચર્ચા-વિચારણા નીચે ત્રિપક્ષે પોતાના અધિકાર, અહંકાર અને આધિપત્યને છોડી, બાંધછોડ કરવાની છે. આ માર્ગ નીચે એક પક્ષે રશિયા, યુક્રેનને યુરોપિયન યુનિયનના સભ્ય થવાની છૂટ અર્પે, બીજા પક્ષે યુક્રેન નાટોનું સભ્ય થવાની જીદ છે અને ત્રીજા પક્ષે યુનો, યુક્રેનથી અલગ થયેલાં પરંતુ રશિયન ઈજાગ્રસ્ત પ્રાંતો નામે ક્રિમિયા, દોનેત્સ અને લુહાનને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા બક્ષે. તો સંભવતઃ યુદ્ધનો અંત હાથવેંતમાં જ છે.
સુરત     – જે. આર. વઘાસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top