એક સાધુ બાબા પોતાની મસ્તીમાં ભજન ગાતા, હરિનામ લેતા ચાલ્યા જતા હતા.તેઓ એક ઝાડ નીચે આરામ કરવા બેઠા અને સુકો રોટલો પ્રેમથી આરોગતા હતા. ત્યાં ઝાડ નીચે એક યુવાન બેઠો હતો અને મોઢા પરથી જ દુઃખી લાગતો હતો.સાધુએ તેની સામે જોયું અને યુવાને પણ સાધુ સામે જોયું.યુવાન દુઃખી હતો અને સાધુના મોડા પર સ્મિત અને આંખોમાં ખુશી હતી.સાધુએ યુવાનને સ્મિત આપ્યું. યુવાનને નવાઈ લાગી કે આ સાધુ માત્ર સુકો રોટલો ખાય છે પણ કેટલા ખુશ દેખાય છે શું તેમને દુઃખ નહિ હોય કે મારી પાસે માત્ર એક સુકો રોટલો જ છે. યુવાને ધીમેથી સાધુને પૂછ્યું, ‘સાધુ બાબા, તમે પ્રેમથી સુકો રોટલો ખાઈ રહ્યા છો અને તમારા મોઢા પર હાસ્ય અને આંખોમાં ખુશી છે શું તમને દુઃખ નથી થતું કે મને એક સુકો રોટલો જ ખાવા મળ્યો છે? તમને વિચાર નથી આવતો કે ભગવાન લોકોને તો બત્રીસ પકવાન આપે છે અને તમે તેનું નામ લો છો છતાં ખાલી સુકો રોટલો!!’
સાધુ બોલ્યા, ‘ભાઈ મને ખુશ રહેતા આવડે છે એટલે હું ખુશ છું તું કહે છે તેવા ખોટા વિચારો કરી હું દુઃખી થતો નથી.એકદમ ખુશ રહેવાનો અને હંમેશા ખુશ રહેવાનો નિયમ મને ખબર છે.’ યુવાન બોલ્યો, ‘એવો કયો નિયમ છે ??’ સાધુએ કહ્યું, ‘ભાઈ, જીવનમાં જેને પણ બહુ બધું….અને હજી વધુ …બીજા કરતા વધુ જોઈએ છે… તે બધા દુઃખી જ છે અને રહેવાના છે.તેમને ગમે તેટલું મળી જાય તેઓ ખુશ થી શકશે જ નહિ.અને જે જીવનમાં હવે બસ બહુ છે…મારા માટે પુરતું છે …હવે કઈ નહિ જોઈએ…
એમ વિચારે છે તે હંમેશા જે મળે ,જેટલું મળે તેમાં ખુશ જ રહેશે અને હસતો જ રહેશે.જો મને અત્યારે ભૂખ લાગી છે અને હમણાં પેટ ભરવા માટે આ એક સુકો રોટલો બસ છે અને પુરતો છે મને હજી વધારે કઈ નથી જોઈતું એટલે હું ખુશ જ છું.’ આટલું કહીને સાધુ તો મસ્તીથી રોટલો ખાવા લાગ્યા.પાણી પીને ઝાડ નીચે સુઈ ગયા. યુવાન વિચારવા લાગ્યો કે સાચી વાત છે ‘બસ આટલું જ પુરતું છે’અને ‘હજી વધારે જોઈએ છે’તેની વચ્ચેનો ફરક જેને સમજાય જાય તે દુનિયાનો સૌથી ખુશ માણસ બની શકે છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
