Comments

ઇઝરાયલ યુદ્ધના નિયમો નેવે મૂકી રહ્યું છે

હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઇઝરાયલ ઉપર અણધાર્યો હુમલો કર્યો અને ઇઝરાયલની સિક્યોરિટી વ્યવસ્થા અભેદ્ય છે તે બાબતે ઇઝરાયલને લપડાક મારી. એમાં ખુવારી કરતાં આ દુઃખ ઇઝરાયલને મોટું હતું. ઇઝરાયલને અમેરિકા અને બ્રિટન જેવા કેટલાક દેશોએ ટેકો આપ્યો હતો. હમાસના હુમલાને કારણે મુસ્લિમ દેશો એક થઈ ગયા. બૉમ્બમારાથી વેસ્ટર્ન બૅન્કમાં હજારો લોકોનાં મૃત્યુ થયાના સમાચાર છે. ઇઝરાયલે સ્કૂલો, રહેઠાણ અને હૉસ્પિટલ પર હુમલા કરી મોટી ખુવારી કરી છે. નફરત અને દ્વેષની ભાવના વિશ્વભરમાં પ્રવર્તતી રહી છે. ઇઝરાયલના હુમલામાં ગાઝાપટ્ટીમાં જે મરાયાં તેમાંથી ૭૦ ટકા બાળકો અને મહિલાઓ છે. ભારતે ઇઝરાયલના આ કૃત્યની પણ નિંદા કરી છે. ઇઝરાયલે બૉમ્બિંગ કરી ગાઝાપટ્ટીમાં આતંક મચાવી દીધો. ઇઝરાયલના હુમલામાં ૪૦૦૦થી વધારે બૉમ્બ ફેંકાયા છે એ જોતાં ગાઝાપટ્ટીમાં મોતના સત્તાવાર આંકડા બાબત સાચી હોય તેવું જણાતું નથી.

ઇઝરાયલને કોઈ પણ કારણ વગર માણસો મારી નાખવાનો અધિકાર ના આપવો જોઈએ. આ સામે ઇઝરાયલે ગાઝા ખાલી કરવા માટે નવી નોટિસ આપી છે. ગાઝામાં ફસાયાં છે તેમને ખોરાક-પાણી, વીજળી, બળતણ, સા૨વા૨ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ નથી. આ સંપૂર્ણપણે અમાનવીય પરિસ્થિતિ છે. યુદ્ધના બધા જ નિયમોને બાજુ પર મૂકીને નિર્દોષ નાગરિકોને, સ્ત્રીઓને અને ફૂલ જેવાં બાળકોને જર્મનીના હિટલરે ગૅસ ચેમ્બરમાં ગૂંગળાવીને માર્યાં હતાં. ઇઝરાયલના નેત્યનાહુ એમને પાણી, વીજળી, ગૅસ બધું બંધ કરીને મારી રહ્યાં છે. દુનિયાની નપુંસક સત્તાઓ આ માનવસંહાર જોઈ રહી છે. કદાચ હિટલરનો માનવસંહાર પણ જે તે સમયે નપુંસક સત્તાઓ, જેમની પાસે એટમબૉમ્બથી માંડીને અનેક હથિયારો હતાં તે જોઈ રહી હતી અને આ પરિણામ તરફ આપણે આગળ વધી રહ્યાં છીએ.

હમાસે હુમલો કર્યો એ સંપૂર્ણપણે વખોડી નાખવા લાયક છે. ઇઝરાયલ હમાસને ગમે તે સજા આપે એની સામે આપણો સંપૂર્ણ ટેકો છે. હમાસના હુમલાને ખાળવામાં નિષ્ફળ નીવડેલી મોસાદે હમાસનાં ઠેકાણાં શોધી કાઢી અને એને નેસ્તનાબૂદ કરી દેવું જોઈએ. પરંતુ ‘નબળો મરદ બૈરી પર શૂરો’એમ પોતાની બધી જ તાકાત પેલા નિર્દોષો ઉપર હોમીને હૉસ્પિટલ તોડી પાડીને પાણી, ગૅસ, વીજળી, આરોગ્ય સેવાઓ ખોરવી નાખીને યુદ્ધના નિયમોનું ઇઝરાયલ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે. માનવઅધિકારોનો જગત જમાદાર અમેરિકા માનવ અધિકારોને નામે ભારતમાં પૂંછડી પછાડે છે ત્યારે ઇઝરાયલ હજ્જારોની સંખ્યામાં કત્લેઆમ કરી રહ્યું છે ત્યારે અમેરિકા ચૂપચાપ જોયા કરે છે.

ભારતના પ્રધાનમંત્રીએ આ માનવસંહાર સામે ખોંખારીને કહ્યું છે, એને બિરદાવીએ પણ વાત આટલેથી પૂરી નથી થતી. આખી દુનિયાએ આ સત્તાભૂખ્યા અમેરિકા અને વિકૃત માનસિકતા ધરાવતા ઇઝરાયલને સમજાવવાનો સમય આવી ગયો છે. જગત જમાદાર અમેરિકાની વાત કરીએ તો વિયેતનામ હોય, ઇરાક હોય, અફઘાનિસ્તાન હોય – એકે યુદ્ધ તેઓ નિર્ણાયક રીતે જીત્યા નથી અને છતાં દુનિયામાં ક્યાંક ને ક્યાંક યુદ્ધ ચાલુ રાખીને પોતાની શસ્ત્રોની ફેક્ટરીઓ ધમધમતી રાખે છે. અમેરિકામાં શસ્ત્રોની ફેક્ટરીઓવાળાની એક બહુ મોટી લૉબી છે. દુનિયામાં એમને શાંતિ ખપતી નથી. નિર્દોષ પ્રજાના લોહીથી આ શસ્ત્રોના ઉત્પાદકો પોતાનો ધંધો ચલાવે છે.

હમાસને કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં, એમને સજા કરવી જ જોઈએ, પણ ખાટલે મોટી ખોડ એ છે કે કૉલર ઊંચા કરીને ફરતી મોસાદ આપણી ગુપ્તચર એજન્સીઓ કરતાં પણ ખરાબ રીતે કામ કરી રહી છે એ પુરવાર થયું છે. માનવજાત ઇતિહાસમાં વધુ એક પાશવી પ્રકરણ લખાઈ રહ્યું છે. યહૂદીઓએ જર્મનીમાં આવા અત્યાચાર સહન કર્યા હતા. હવે અંતિમ નિવેડો શું આવશે તેની શક્યતાઓમાંથી પરિસ્થિતિ વધુ વણસશે તો ત્રીજા વિશ્વયુદ્ધના નગારા વાગવા માંડશે. આ વખતે વિશ્વયુદ્ધ થશે તો થનાર ખુવારીની કલ્પના ધ્રુજાવી દે તેવી છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top