સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તમામ કોલેજોમાં તબીબી તપાસ (મેડીકલ એકઝામીનેશન) ફરજીયાત રૂપે કરાવવાની રહેશે. યુનિવર્સિટીના યુવક કલ્યાણ અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પ્રથમ વર્ષમાં દાખલ તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય યુનિવર્સિટીઓમાંથી ટ્રાન્સફર લઈને આવેલા વિદ્યાર્થીઓ માટે તબીબી તપાસ ફરજિયાત કરવામાં આવી છે.
- જો કોઈ વિદ્યાર્થી તબીબી તપાસ નહીં કરાવશે, તો તેને વાર્ષિક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે
- ધો. 12 બાદ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા, અન્ય યુનિ.માંથી ટ્રાન્સફર લઈને આવેલા સહિત તમામ વિદ્યાર્થીઓ માટે તપાસ ફરજિયાત
ધોરણ 12 પાસ કર્યા બાદ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધેલા તમામ વિદ્યાર્થીઓએ તબીબી તપાસ કરવી પડશે. અન્ય યુનિવર્સિટીઓમાંથી ટ્રાન્સફર લઈ, કોલેજમાં પ્રથમવાર પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ અને ઈજનેરી (B.E.) તેમજ તબીબી (M.B.B.S.) અભ્યાસક્રમના પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓએ તપાસ કરવી પડશે.
પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો કોઈ વિદ્યાર્થી તબીબી તપાસ કરાવતો નહીં હોય, તો તેને વાર્ષિક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. તેથી તમામ વિદ્યાર્થીઓએ સમયસર તબીબી તપાસ કરાવવી આવશ્યક રહેશે. વિદ્યાર્થીઓએ આરોગ્ય પત્રક વાલીઓને મોકલવાનું રહેશે, જેથી તેઓ પોતાના ફેમિલી ડૉક્ટર પાસે વધુ તબીબી સલાહ લઈ શકે.
M.B.B.S. કે પછી 20 વર્ષના અનુભવી L.C.P.S. તબીબ પાસે તપાસ કરાવવાની રહેશે
તબીબી તપાસ માટે ઓછામાં ઓછી M.B.B.S.ની લાયકાત ધરાવતા ડૉક્ટરોની નિમણૂંક કરવી પડશે. જ્યાં M.B.B.S. ડૉક્ટર ઉપલબ્ધ ન હોય, ત્યાં 20 વર્ષના અનુભવી L.C.P.S. ડૉક્ટર નિયુક્ત કરી શકાશે. D.A.L.F., B.A.M.S. ડૉક્ટરોને માન્યતા આપવામાં નહીં આવે. એક મહિલા ડૉક્ટરનો સમાવેશ કરવો આવકાર્ય રહેશે.
બોક્સ…
આરોગ્યપત્રક 10 એપ્રિલ સુધીમાં યુનિવર્સિટીને મોકલવા પડશે
તબીબી તપાસની પેનલની યાદી 5 એપ્રિલ 2025 સુધીમાં યુનિવર્સિટીને મોકલવી જરૂરી છે. વિદ્યાર્થી દીઠ યુનિવર્સિટી રૂ.15 ચૂકવશે અને ભરેલા આરોગ્યપત્રકો મોડામાં મોડા 10 એપ્રિલ 2025 સુધીમાં યુનિવર્સિટીને મોકલવાના રહેશે. વિદ્યાર્થીઓની તબીબી તપાસનું કાર્ય કોલેજના નિયમિત દિવસો દરમિયાન જ પૂર્ણ કરવાનું રહેશે. એક કલાકમાં મહત્તમ 10 વિદ્યાર્થીની તબીબી તપાસ કરવાનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે.
