Entertainment

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને મળી નવી સોનુ, હવે આ અભિનેત્રી ટપુ સેના સાથે ગોકૂલધામ ગજવશે

મુંબઈઃ સોનુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પલક સિંધવાનીએ થોડા દિવસો પહેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો. હવે પલકનું સ્થાન અભિનેત્રી ખુશી માલીએ લીધું છે. પલક છેલ્લા 5 વર્ષથી સોનુ ભીડેની ભૂમિકા ભજવી રહી છે અને હવે તેની જગ્યાએ ખુશી માલી જોવા મળશે, જે છેલ્લે ‘સેહજ સિંદૂર’માં જોવા મળી હતી.

ખુશી શોમાં સોનુનું પાત્ર ભજવવા માટે તૈયાર છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, સોનુ ટપ્પુ સેનાનો એક આવશ્યક ભાગ છે અને તેની હાજરી હંમેશા શો માટે સારી રહી છે. આસિત મોદીએ ખુશી માલી વિશે કહ્યું, ખુશીને કાસ્ટ કરવી એ યોગ્ય નિર્ણય હતો અને અમે માનીએ છીએ કે તે સોનુની ભૂમિકા સારી રીતે ભજવશે. અમે ખુશીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ. કારણ કે તેણી આ ભૂમિકા ભજવવામાં ખૂબ જ રસ ધરાવે છે. અમે આશા રાખીએ છીએ કે અમારા દર્શકો તેમને એટલો જ પ્રેમ આપશે જે તેમણે છેલ્લા 16 વર્ષથી શો અને તેના પાત્રોને આપ્યો છે.

કોણ છે ખુશી માલી?
ખુશી પહેલાં મોડલ હતી, પરંતુ બાદમાં તે અભિનેત્રી બની હતી. ખુશીએ કહ્યું, સોનુની ભૂમિકા ભજવવી રસપ્રદ રહેશે કારણ કે તેનામાં ઘણા ગુણો છે. ઉપરાંત, તારક મહેતાનો ભાગ બનવું એ મારા માટે આશીર્વાદ અને ખાસ તક છે. હું મારી ભૂમિકા દ્વારા જનતા સાથે જોડાવા આતુર છું.

પલક સિધવાનીએ મેકર્સ પર મુક્યા હતા ગંભીર આરોપ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવનાર પલક સિધવાનીએ નિર્માતાઓ પર માનસિક ઉત્પીડન અને ટોર્ચરનો આરોપ લગાવીને હેડલાઇન્સ બનાવી હતી. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તે ઘણીવાર તેના મેક-અપ રૂમમાં રડતી હતી અને પ્રોડક્શન ટીમ તેને 30 મિનિટના શોટ માટે 12 કલાક સેટ પર બેસાડી રાખતી હતી.

આ દરમિયાન પલક મેકર્સ સાથે કાયદાકીય લડાઈમાં ફસાઈ ગઈ હતી. તેણીને કરારના ભંગ બદલ નોટિસ જારી કરવામાં આવી હતી, જ્યારે અભિનેત્રીએ નિર્માતાઓ પર આરોપ મૂક્યો હતો કે તેણીએ શોમાંથી બહાર નીકળ્યા પછી પણ તેના માર્ગમાં ઘણા અવરોધો ઉભા કર્યા હતા.

Most Popular

To Top