સુરત: લેબગ્રોન ડાયમંડની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. સુરતનાં લેબગ્રોન ડાયમંડ મેન્યુફેકચર્સ દ્વારા હીરા ઉદ્યોગની મંદીમાં તૈયાર CVD ડાયમંડનાં સ્ટોકમાં કરોડોની ફસાયેલી મૂડી છૂટી કરવા રક્ષાબંધનનાં પર્વ પૂર્વે સુરતના જવેલર્સ સાથે ડિસ્કાઉન્ટમાં મોટા સોદા પાર પાડવા પડ્યા છે.
સુરતનાં જવેલર્સ દ્વારા રેગ્યુલર ગ્રાહકોને સોના-ચાંદી અને ડાયમંડની રાખડીની સ્કીમ મોકલી મોટા પાયે ઓર્ડર લેવામાં આવ્યા છે. સર્ટિફાઇડ લેબગ્રોન સાથે સોના-ચાંદીના ભાવ ઘટ્યા છેત્યારે ઇન્વેસ્ટમેન્ટનાં હેતુ માટે રાખડીઓ બજારમાં મૂકવામાં આવી છે. રૂપિયા 12,000 રૂપિયાથી 4 લાખ સુધીની CVD ડાયમંડની રાખડીઓનું જવેલર્સને સારું બુકિંગ મળ્યું છે.
અપર મિડલ ક્લાસ અને નીયોરિચ ક્લાસમાંથી રાખડી ખરીદવા આવતી બહેનોએ સોના, ચાંદી, પ્લેટિનમ, રિયલ ડાયમંડ અને CVD ડાયમંડ જડેલી ડિઝાઇનર રાખડીઓનાં ઓર્ડર આપ્યા છે. CVD ડાયમંડની રાખડીની કિંમત રૂ.12,000 થી શરુથાય છે. જે સામાન્ય વ્યક્તિની ખરીદી ક્ષમતાની બહાર છે.
આ વર્ષે રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે 4 શુભ યોગ, જવેલર્સ પણ શો રૂમ ચાલુ રાખશે
આ વર્ષે રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે 1-2 નહીં પણ 4 શુભ યોગ, શુભ મુહૂર્ત હોવાથી જવેલર્સ એ મુજબ રક્ષાબંધનનાં દિવસે પણ રાખડીની ડિલિવરી આપવા શોરૂમ ચાલુ રાખશે. કેન્દ્રીય બજેટમાં સોના ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટાડી 6 % કરી દેવામાં આવતા સોનાં ચાંદીની કિંમત ઘટી છે, એનો લાભ જવેલર્સની સાથે ગ્રાહકોને પણ થઈ રહ્યો છે.ઘણા જવેલર્સ સોના, ચાંદી, પ્લેટિનમ, રિયલ ડાયમંડ અને CVD ડાયમંડ જડેલી ડિઝાઇનર રાખડીઓ ગ્રાહકને નાણાંની જરૂર પડે ત્યારે મેકીંગ ચાર્જ કાપી બજાર ભાવની સિસ્ટમ મુજબ પરત લેવાની પણ ખાતરી આપી રહ્યાં છે.
ચાલુ વર્ષે થીમ બેઝ રાખડીઓનો ક્રેઝ
જ્વેલર્સ દ્વારા આ વર્ષે સ્ટેડી રાખડીની સાથે ખાસ ટુ ઇન વન રાખડીઓઓ તૈયાર કરવામાં આવી છે. જેથી તેનો ઉપયોગ રાખડીની રાખડી તરીકે અને એ પછી પેન્ડન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય સિલ્વરથી લઈ ગોલ્ડ અને પ્લેટિનમ સુધીની રાખડીઓમાં ભગવાનની ઓળખના ચિન્હો, ધાર્મિક ચિન્હો, ફૂલ પત્તી, હાર્ટ એન્ડ હેપ્પીનેશ દીક્ષાઇન્માં શેઈપમાં આ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. બજારમાં 500 રૂપિયાથી લઈને 4 લાખ રૂપિયાની રાખડી ઉપલબ્ધ છે.
રક્ષાબંધન પછી પેન્ડન્ટ અથવા બ્રેસલેટ તરીકે પણ પહેરી શકાય એવી રાખડીની ડિમાન્ડ : દીપક ચોકસી
જ્વેલર્સ દીપક ચોકસી કહે છે કે, ‘રક્ષાબંધનના પર્વ નિમિતે દર વર્ષે કઈક નવું ગ્રાહકો માંગે છે. આ વર્ષે સોના, ચાંદી, પ્લેટિનમ, રિયલ ડાયમંડ, CVD ડાયમંડ અને પ્લેટિનમ એમ દરેક કેટેગરીમાં રાખડીઓની ડિમાન્ડ છે. CVD ડાયમંડની સાથે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે, એને લીધે ગ્રાહકને એમના બજેટમાં રાખડી મળી રહી છે. રાખડી એ રીતે તૈયાર કરવામાં આવી છે કે, રક્ષાબંધન પછી એને પેન્ડન્ટ અથવા બ્રેસલેટ તરીકે પણ પહેરી શકાય. ડિઝાઇનર રાખડી માટે ગ્રાહકો પાસે એડવાન્સ ઓર્ડર લેવામાં આવે છે. બાળકોને માટે પણ ચાંદીની રાખડીઓ તૈયાર કરાઈ છે.
આ વર્ષે આકર્ષક ડિઝાઇનર રાખડીઓની કિંમત કેટલી છે?
- ચાંદીની રાખડી – 500 થી 10,000 રૂપિયા
- સોનાની રાખડી – 5000 થી 4,00,000 રૂપિયા
- રીયલ ડાયમંડની રાખડી – 30,000 થી 4,00,000 રૂપિયા
- પ્લેટિનમની રાખડી 20,000 થી 1,80,000 રૂપિયા
- લેબગ્રોન ડાયમંડની રાખડી- 12000 થી 4,00,000 રૂપિયા
પૂજાની પવિત્ર વસ્તુઓ સાથે 24 કેરેટ ગોલ્ડની પરત ડિઝાઇનની રાખડી આકર્ષણનું કેન્દ્ર
રક્ષાબંધનના પર્વ પર સુરતમાં ખાસ રાખડી તૈયાર કરવામાં આવી રહી છે.એક સદીથી વધુ વર્ષ ચાલે એવી 24 કેરેટ ગોલ્ડ પરતની ડિઝાઇન સહિત પૂજાની સામગ્રીઓ એમાં છે. પૂજાની પવિત્ર વસ્તુઓ સાથે 24 કેરેટ ગોલ્ડની પરત ડિઝાઇન સાથે આ રાખડી તૈયાર કરવામાં આવી છે.
24 કેરેટ ગોલ્ડની પરત ડિઝાઇન સાથે આ રાખડીમાં પૂજાની પવિત્ર વસ્તુઓ જેમ કે રુદ્રાક્ષ, ભસ્મ, કુમકુમ, ચંદન, ધાન્ય, મોરપંખ, તુલસી, પુષ્પ, ચોખા, નારીયલની છાલ, સહિત અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. રક્ષાબંધન પછી આ વિશેષ રાખડીને પેન્ડલ, બ્રેસલેટ અથવતો કિચન તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે.
એ ઉપરાંતભાઈના લકી નંબર આધારે રાખડીમાં રુદ્રાક્ષ લગાડવામાં આવેલી રાખડીની પણ સારી માંગ છે. રાખડી આર્ટિસ્ટ આયુષી દેસાઈ એ ગયા વર્ષે પણ આવી કસ્ટમાઈઝ વેરાયટી બનાવી હતી. ઓસ્ટ્રેલિયા, અમેરિકા,કેનેડાથી રાખડીના ઓર્ડર મળે છે.વિદેશમાં આવેલા જનરલ સ્ટોરના સંચાલકો મને ઓર્ડર આપતા હોય છે.
સોનાં અને ચાંદીની રાખડી પર મોદી-યોગી,રામ મંદિરનું આકર્ષણ યથાવત
ભાઈ-બહેનના પાવન પર્વ રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે સિલ્વર અને ગોલ્ડની ખાસ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે. આ વર્ષે પણ રાખડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રામ મંદિરની છબી વાળી રાખડીઓની આકર્ષણ યથાવત રહ્યું છે. આ વર્ષે ગોલ્ડ અને સિલ્વર કોઈન પર રામ મંદિર અને ચંદ્રયાન 3ની ડિઝાઈન સાથે રાખડી જોવા મળે છે.
સોના-ચાંદીની રાખડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની લોકપ્રિયતા સાતે રામ મંદિરની ખાસ રાખડી ડિઝાઇન કરવામાં આવી છે. બાળકો માટે સુપરમેન, બેટમેન અને સ્પાઇડરમેન જેવી રાખડીઓ છે. આ રાખડીને સોના અને ચાંદીના સિક્કા ઉપર તૈયાર કરવામાં આવી છે. સોનાની રાખડી 1 ગ્રામથી લઈને 20 ગ્રામ સુધીની છે. જેની કિંમત 7000 થી લઈને 1.20 લાખ રૂપિયા સુધીની છે. સાથે ચાંદીની રાખડીનું વજન 25 ગ્રામથી શરુ થાય છે. જેની કિંમત 1,000 રૂપિયાથી શરૂ થાય છે.