Editorial

માત્ર લોકસેવા માટે રાજકારણમાં આવતા લોકોની વાત હવે ભૂલી જાવ

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ત્રીજી વખત સરકાર રચાઇ છે. મોદીએ હાલમાં પોતાના મંત્રીમંડળમાં ૭૧ મંત્રીઓને શામેલ કર્યા છે. આ મંત્રીઓ અંગે એક જાણવા જેવી બાબત એ બહાર આવી છે કે નવી સરકારના ૯૯ ટકા મંત્રીઓ કરોડપતિ છે!  મંત્રીમંડળના ૭૧ મંત્રીઓમાંથી ૭૦ મંત્રીઓ કરોડપતિ છે અને તેમની સરેરાશ મિલકત રૂ. ૧૦૭.૯૪ કરોડ થાય છે એમ ચૂંટણી અધિકાર સંસ્થા એડીઆરનો અહેવાલ જણાવે છે.

આ મંત્રીઓમાંથી પણ છ મંત્રીઓએ તો ખૂબ મોટા પ્રમાણમાં મિલકતો જાહેર કરી છે જે દરેકની મિલકત રૂ. ૧૦૦ કરોડ કરતા વધી જાય છે એમ એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ જણાવે છે. આ એડીઆર સંસ્થા દેશમાં ચૂંટણી સુધારાઓ અને લોકશાહી મૂલ્યો માટે કામ કરતી એક બિનસરકારી સંસ્થા છે અને તે દરેક ચૂંટણી વખતે અને સરકાર રચના વખતે ઉમેદવારી પત્રકો વગેરેના આધાર આવા આંકડા ભેગા કરીને આપણી સમક્ષ મૂકીને એક ઉમદા કાર્ય કરે છે કારણ કે તેના આ કાર્યને કારણે આપણને આપણા લોક પ્રતિનિધિઓની સારી નરસી બાબતો જાણવા મળે છે.

આ તમામ કરોડપતિ મંત્રીઓની યાદીમાં ડો. ચંદ્રશેખર પેમ્માસાની ટોચ પર આવે છે. આ મંત્રીમંડળમાં તેમને ગ્રામ્ય વિકાસ ખાતાના અને સંદેશ વ્યવહાર ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે. તેમણે રૂ. પ૭૦પ.૪૭ કરોડની મિલમતો જાહેર કરી છે. તેમની મિલકતોમાં રૂ. પપ૯૮. ૬પ કરોડની જંગમ અને રૂ. ૧૦૮.૮૨ કરોડની જંગમ મિલકતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજા પાંચ મંત્રીઓ એવા છે કે જેમની મિલકતો રૂ. ૧૦૦ કરોડ કરતા એટલે કે રૂ. એક અબજ કરતા વધી જાય છે.

અન્ય ટોચના ધનવાન મંત્રીઓમાં સંદેશ વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કુલ રૂ. ૪૨૪.૭પ કરોડની મિલકતો જાહેર કરી છે જેમાં રૂ. ૬૨.પ૭ કરોડની જંગમ અને રૂ. ૩૬૨.૧૭ કરોડની સ્થાવર મિલકતો છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જેડી(એસ)ના નેતા એચ.ડી. કુમારસ્વામીને હાલમાં ભારે ઉદ્યોગ અને પોલાદ ખાતાના મંત્રી બનાવાયા છે જેમની પાસે કુલ રૂ. ૨૧૭.૨૩ કરોડની મિલકતો છે જેમાં રૂ. ૧૦૨.૨૪ કરોડની જંગમ અને રૂ. ૧૧૫. કરોડની સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે.

રેલવે અને માહિતી પ્રસારણ ખાતાના મંત્રી અશ્વિની વૈષ્ણવે કુલ રૂ. ૧૪૪.૧૨ કરોડની મિલકતો જાહેર કરી છે જેમાં ૧૪૨.૪૦ કરોડની જંગમ અને રૂ. ૧.૭૨ કરોડની સ્થાવર મિલકતો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ ખાતાના રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહે રૂ. ૧૨૧.પ૪ કરોડની મિલકતો જાહેર કરી છે. મુંબઇ ભાજપથી આવતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે રૂ. ૧૧૦. ૯પ કરોડની મિલકતો જાહેર કરી છે. અને આ ઉપરાંત બાકીના ૬૪ મંત્રીઓની મિલકતો પણ એક કરોડ કરતા વધી જાય છે. વડાપ્રધાન મોદીને આ યાદીમાં ગણ્યા નથી.

તેમની સાથે ૭૨ મંત્રીઓ થાય અને વડાપ્રધાન પણ એક કરોડ કરતા થોડી વધુ મિલકતો તો ધરાવે જ છે  તેથી તેઓ પણ કરોડપતિ તો કહેવાય જ. ૭૧ મંત્રીઓના કરવામાં આવેલા વિશ્લેષણમાં જણાયું છે કે તેમાંથી જંગી ૭૦ મંત્રીઓએ તેઓ કરોડપતિની કક્ષામાં મૂકી શકાય તેટલી મિલકતો જાહેર કરી છે આ બાબત સૂચવે છે કે દેશની રાજકીય નેતાગીરી પાસે કેટલા નોંધપાત્ર પ્રમાણમાં સંપત્તિ ભેગી થઇ છે. આ અહેવાલ સૂચવે છે કે નવી કેન્દ્ર સરકારના આ કરોડપતિ મંત્રીઓની સરેરાશ મિલકતો રૂ. ૧૦૭.૯૪ કરોડ થાય છે.

નવી સરકારના મંત્રીઓની શૈક્ષણિક લાયકાતની બાબતના આંકડા પણ એડીઆર દ્વારા જાહેર કરાયા છે અને તે થોડો આનંદ આપનારા છે ખરા કારણ કે મોટા પ્રમાણમાં મંત્રીઓ સારી શૈક્ષણિક લાયકાત ધરાવે છે. મુજબ મોદીના નવા મંત્રીમંડળના ૭૧ મંત્રીઓમાંથી ૧૧ જ મંત્રીઓએ તેમની શૈક્ષણિક લાયકાત ૧૨મુ ધોરણ પાસ હોવાની જાહેર કરી છે જ્યારે ૫૭ મંત્રીઓએ જાહેર કર્યું છે કે તેઓ ગ્રેજ્યુએટ કે તેથી વધુ  ભણેલા છે એ મુજબ ચૂંટણી અધિકાર સંસ્થા એડીઆરનો એક નવો અહેવાલ જણાવે છે.

નોંધપાત્ર બહુમતિ સંખ્યાના મંત્રીઓએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. અહેવાલ જણાવે છે કે ૮૦ ટકા મંત્રીઓ, જે સંખ્યા પ૭ જેટલી થાય છે તેઓ સ્નાતક સ્તર કે તેથી વધુની શૈક્ષણિક લાયકાત જણાવે છે. વધુમાં સાત મંત્રીઓએ ઉચ્ચતર સ્તરની શૈક્ષણિક લાયકાત હાંસલ કરી છે જેઓ ડોકટરેટની પદવીઓ ધરાવે છે. પરંતુ આ મોટા ભાગના શિક્ષીત  મંત્રીઓએ પણ નાણા બનાવવામાં  તો બરાબર ધ્યાન આપ્યું જ છે તે જણાઇ આવે છે.

ગાંધીવાદ અને સમાજવાદની અસર હેઠળ પોતાનું હોય તે પણ ત્યાગીને માત્ર લોકસેવાના હેતુ સાથે ઘણા લોકો અગાઉ રાજકારણમાં આવતા હતા. આ રીતે જનસેવા ખાતર રાજકારણમાં આવતા, ધારાસભાઓ અને સંસદમાં ચૂંટાતા નેતાઓના જમાના હવે ગયા. હવે રાજકારણમાં આવવા માટેનો મોટા ભાગના લોકોનો હેતુ નાણા બનાવવાનો અને વગદાર બનવાનો હોય છે. દેશનો ઘણો મોટો વર્ગ જ્યારે હજી પણ સારી રીતે ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરે છે ત્યારે ૯૯ ટકા કેન્દ્રીય મંત્રીઓ કરોડપતિ હોય એ બાબત જો ગંભીરતાપૂર્વક વિચારીએ તો કઠે તેવી લાગે છે પણ હવે  તો લોકો પણ આ બાબતે ઝાઝી ચર્ચા કરતા નથી. અને રાજકારણમાં પડ્યા બાદ એવું તો શું થાય છે કે સામાન્ય સ્થિતિનો નેતા પણ થોડા જ વર્ષમાં કરોડપતિ બની જાય છે તે તો વળી જુદી જ ચર્ચાનો વિષય છે.

Most Popular

To Top