એક તરફ સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સિટીનું અભિયાન ચલાવે છે બીજી તરફ ઠેરઠેર ડ્રગ્સ મળતું થઈ ગયું છે. રાંદેરની તાડવાડી શાકમાર્કેટમાં એક શાકભાજીવાળો ડ્રગ્સ વેચતો પકડાયો છે. તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ પણ મળી આવ્યું છે.
બાતમીના આધારે રાંદેર પોલીસે તાડવાડી શાકભાજી માર્કેટ પાસે વોચ ગોઠવી એક શખ્સને પકડ્યો હતો. આ શખ્સ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ પોલીસને મળી આવ્યું છે. તપાસમાં તેનું નામ નઝીલ રસીદ સૈયદ (ઉં.વ.30) હોવાનું ખુલ્યું છે. પોતે શાકભાજીનો વેપાર કરતો હોવાની કબૂલાત કરી છે. જોકે તેની પાસેથી પોલીસને 17.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું છે, જેની બજાર કિંમત 53 હજારથી વધુ થાય છે. પોલીસે તેની પાસેથી રોકડા 3880 પણ જપ્ત કર્યા છે. શાકમાર્કેટમાં શાકભાજીની આડમાં તે ડ્રગ્સનું વેચાણ કરતો હતો. પોલીસની નજરથી બચવા તે આવું કરતો હતો.
પૂછપરછમાં જાણવા મળ્યું કે ઉઝેફ શેખ અને શોયેબ નામના ઈસમો પાસેથી તે ડ્રગ્સ લાવતો હતો. પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી નઝીલ સૈયદને અગાઉ પણ ડીસીબી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ પકડ્યો હતો.