પારડી : પારડી (Pardi) નગરમાં એક પછી એક ઉપરાછાપરી ચોરીના (Theft) બનાવો બની રહ્યા છે. ત્યારે તસ્કરોએ હવે ભગવાનના મંદિરને (temple) પણ છોડ્યા નથી. પારડી પારસીવાડ ખાતે ભીલાડવાલા બેંકની સામે આવેલા જળદેવી માતાના મંદિરમાં ફરીવાર આજરોજ રાત્રીના તસ્કરો દાન પેટી (Donation Box) તોડી રોકડ રકમ લઈને ફરાર થઇ ગયા હતા. સ્થાનિક એડવોકેટ દિનેશ શાહના જણાવ્યા મુજબ ભીલાડવાળા બેંકની સામે આવેલા જળદેવી માતાના મંદિરમાં રાત્રી દરમિયાન તસ્કરોએ મંદિરના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશી મંદિરમાં મુકેલી દાનપેટી કોઈ સાધન વડે તોડી રોકડ રકમ ચોરી ગયા હતા.
વારંવાર એક પછી એક બનતી ચોરીની ઘટનાને લઇ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાત્રી દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ લોકોમાં માંગ ઉઠી રહી છે. જો કે ગતરાત્રીના લાડ સ્ટ્રીટમાં રહેતા કૃણાલ ચાંપાનેરીના મકાનમાં ચોરીનો પ્રયાસ કરતો એક યુવાન તસ્કર સીસી કેમેરામાં કેદ થયો હતો. તે અગાઉ ભીલાડવાળા બેંકના મેનેજર પરિમલ પંડ્યાના મકાનમાં ચોરીની ઘટના બની હતી. જે તસ્કરો પણ સીસી કેમેરામાં કેદ થયા હતા. ત્યારે પારડીના લોકોમાં ચોરીના બનાવો રોકવા પોલીસ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કરે એવી બૂમ ઉઠી રહી છે.
પારડી રેલવે ફાટક પર લોખંડના પાઇપની ચોરી કરતા બે ઝડપાયા
પારડી : પારડી રેલવે સ્ટેશન (Railway station) પર હાલ નવા રેલવે ટ્રક (railway truck) અને ફ્લાય ઓવરબ્રિજની (over bridge) કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે બે શંકાસ્પદ ઈસમ કટિંગ કરેલા લોખંડના પાઇપ થેલામાં ભરતા સુપરવાઈઝરે ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી. પારડી રેલવે ફાટક નજીક મુકેશ જગદીશ હળપતિ અને જયેશ લેવા પટેલ (બંને રહે કોટલાવ તા. પારડી)ના બાઈક લઈને આવ્યા હતા. બ્રિજના કામ માટે કટિંગ કરેલા લોખંડના પાઇપ તેઓએ થેલામાં ભર્યા હતા.
બંને ઈસમો શંકાસ્પદ જણાતા કન્ટ્રક્શન સાઈડના સુપરવાઈઝર અશ્વિન પટેલે બંનેને રોકી પૂછપરછ કરી હતી. બાદમાં બંનેને પોલીસને સોંપ્યા હતા. પોલીસે 41 ડી મુજબ ગુનો નોંધી 40 કિલો લોખંડ સાથે બાઈક મળી કુલ 51 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.