રાજ્યભરમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પેના મામલે ચાલતાં આંદોલનનો અંત આવી ગયો છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં આંદોલનકારી પોલીસ પરિવારના સભ્યો સાથે આજે બેઠકોના દોર બાદ થયેલી સમજૂતિ મુજબ પોલીસ મહાનિર્દેશક (વહીવટ) બ્રીજેશકુમાર ઝાના અધ્યક્ષ સ્થાને એક પાંચ સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી પોતાનો રિપોર્ટ આગામી બેમાસની અંદર સરકારને સુપ્રત કરશે.
તે પછી સરકાર દ્વારા આ મુદ્દે કેબીનેટમાં ચર્ચા કરીને આખરી નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે લેશે. આ પાંચ સભ્યોની બનેલી કમિટીમાં ઝા ઉપરાંત નાણા વિભાગના સેક્રેટરી (ખર્ચ), સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ, ગૃહ વિભાગના નાયબ સચિવ જીગર પટેલ, પોલીસ ભવનના મુખ્ય હિસાબી અધિકારી શ્રુતિ પાઠકનો સમાવેશ કરાયો છે.
બ્રીજેશકુમાર ઝાના અધ્યક્ષ સ્થાને 5 સભ્યોની કમિટી બનાવાઈ, બે માસમાં સરકારને રિપોર્ટ કરશે
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ મોડી સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ પાંચ સભ્યોની કમિટી બે માસની અંદર પોતાનો રિપોર્ટ સરકારને સુપ્રત કરશે, જેના આધારે નિર્ણ લેવાશે.ભાટિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પોલીસ કર્મીઓ કે તેમના પરિવારના સભ્યોને ગ્રેડ પેના મામલે કોઈ રજૂઆત કરવી હોય તો તે આ નવી બનેલી કમિટીના સભ્યો સમક્ષ રજૂ કરી શકે છે.
અલબત્ત શિસ્ત વિરૂદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ ના કરે. હવે કોઈ તત્વો પોલીસ કર્મીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે તો તેઓની સામે ધી પોલીસ (ઈન્સાઈમેન્ટ ટુ ડીસઅફેકસન) એકટ- 1922 અન્વયે કડક હાથે પગલા લેવાશે. જો કોઈ પોલીસ કર્મી હવે આ આંદોલન કરશે તો તેમની સામે ખાતાકિય રાહે પગલા લેવાશે. રાજ્યમાં અમદાવાદ, બનાસકાંઠા તથા જામનગરમાં પોલીસ કર્મીઓને ઉશ્કેરવાની પ્રવૃત્તિ કરનારા સામે પગલા લેવાયા છે, જ્યારે કેટલાક પોલીસ કર્મીઓ સામે ખાતાકિયા તપાસ પણ શરૂ કરી દેવાઈ છે.