સુરત: દક્ષિણ ગુજરાતમાં હવે શિયાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. સુરત સહિતનાં શહેરોમાં વહેલી સવારે તેમજ રાત્રિના સમયે લોકોને ઠંડકનો ખાસ્સો અનુભવ થઇ રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હવામાનમાં ઠંડક વધી રહી છે.
મંગળવારે શહેરના હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ મહત્તમ તાપમાન અડધા ડિગ્રી જેટલું વધીને 30.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાતા તે 1 ડિગ્રી ઘટીને 18.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાં 33 ટકા ભેજ નોંધાઈ હતી અને ઉત્તર-પૂર્વ દિશામાંથી 3 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે ઠંડીનો અહેસાસ વધુ થયો હતો.
લઘુત્તમ તાપમાનમાં નોંધાયેલા ઘટાડાને કારણે નાગરિકો વહેલી સવારમાં ગરમ કપડાં, સ્વેટર, જૈકેટ તથા માફલરનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં થતા આ પરિવર્તનથી હાલની પરિસ્થિતિ શિયાળાની ઋતુ સંપૂર્ણપણે પકડ લઈ રહી હોવાનું સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડી વધુ સઘન બનવાની શક્યતા રહે છે.