World

ચીનનો વળતો પ્રહાર, અમેરિકા પર 84 ટકા ટેરિફ લાદયો

અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગઈકાલે મંગળવારે ટ્રમ્પે ચીન પર 104% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જવાબમાં ચીને આજે બુધવારે તા. 9 એપ્રિલે જાહેરાત કરી છે કે તે ગુરુવારથી યુએસ માલ પર 84 ટકા સુધીનો ટેરિફ લાદશે, જે અગાઉ જાહેર કરાયેલા 34 ટકા કરતા ઘણો વધારે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ચીની માલ પર 104ટકાનો આશ્ચર્યજનક ટેરિફ લાદ્યા બાદ ચીનનું આ પગલું આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક દેશો પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફ બુધવારથી અમલમાં આવ્યા છે. આમાં ચીની માલ પર લાદવામાં આવેલી ભારે જકાતનો પણ સમાવેશ થાય છે, જેના કારણે વૈશ્વિક વેપાર યુદ્ધમાં વધારો થયો છે.

બુધવારે ચીને વિશ્વ વેપાર સંગઠનને જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખતરનાક રીતે વણસી ગઈ છે અને ચેતવણી આપી હતી કે ચીન પર યુએસ ટેરિફ વૈશ્વિક વેપાર સ્થિરતા માટે ગંભીર ખતરો છે. ચીને વિશ્વ વેપાર સંગઠનને આપેલા નિવેદનમાં કહ્યું, અસરગ્રસ્ત સભ્યોમાંના એક તરીકે, ચીન આ અવિચારી પગલા સામે ગંભીર ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે. પારસ્પરિક ટેરિફ વેપાર અસંતુલનનો ઉકેલ નથી અને ક્યારેય નહીં હોય. તેના બદલે, તેઓ વિપરીત અસર કરશે, અમેરિકાને જ નુકસાન પહોંચાડશે.

ગઈકાલે અમેરિકાએ 104% પ્રતિશોધાત્મક ટેરિફ લાદ્યો તમને જણાવી દઈએ કે ગઈકાલે અમેરિકાએ ચીન સામે કાર્યવાહી કરતી વખતે ત્રીજો ટેરિફ બોમ્બ ફેંક્યો હતો. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે અમેરિકા ચીન પર 104 ટકા ટેરિફ લાદી રહ્યું છે, જે બુધવાર 9 એપ્રિલથી અમલમાં આવશે. ચીને તાજેતરમાં અમેરિકન આયાત પર 34 ટકા ટેરિફ લાદ્યા બાદ અમેરિકાએ આ પગલું ભર્યું છે.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિના લેવિટે અમેરિકા સામે ચીનના બદલાને ભૂલ ગણાવી. તેમણે કહ્યું કે જ્યારે અમેરિકાને પડકારવામાં આવે છે, ત્યારે પ્રતિભાવ મજબૂત અને મક્કમ હોય છે. લેવિટે કહ્યું, ‘ચીન દ્વારા બદલો લેવો એ એક ભૂલ હતી.’ જ્યારે અમેરિકા પર હુમલો થાય છે, ત્યારે તે વધુ જોરદાર રીતે વળતો પ્રહાર કરે છે.

હવે ચીનની વળતી જાહેરાત
ટ્રમ્પે 2 એપ્રિલે ચીન પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો ત્યાર બાદ અમેરિકામાં થતી તમામ ચીની આયાત પર ટેરિફ દર વધીને 54 ટકા થઈ ગયો હતો. પછી વધારાના 50 ટકા ટેરિફ પછી, અમેરિકા દ્વારા ચીન પર લાદવામાં આવેલ કુલ ટેરિફ 104 ટકા થઈ ગયો. તેના જવાબમાં આજે ચીને 84% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ગયા શુક્રવારે ચીને પણ તમામ અમેરિકન આયાત પર 34 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, ચીને દુર્લભ ખનિજોની નિકાસ પર નિયંત્રણ અને કેટલીક અમેરિકન કંપનીઓના વેપાર પર પ્રતિબંધ મૂકવાની પણ જાહેરાત કરી હતી.

Most Popular

To Top