ગયા વર્ષના ફેબ્રુઆરી-માર્ચ મહિનાના દિવસો યાદ કરો. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ત્યાં ફસાયેલા હજારો ભારતીયોને બહાર કાઢવાની જંગી અને મુશ્કેલ કામગીરી સરકારને માથે આવી પડી હતી. યુક્રેનમાં ભારતથી અભ્યાસ કરવા, ખાસ કરીને મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી હતી અને યુદ્ધના શરૂઆતના દિવસો ઘણા ભયંકર હતા, આ તમામ વિદ્યાર્થીઓ તથા અન્ય નાગરિકોને સલામત બહાર કાઢવાની કામગીરી ઘણી કપરી હતી અને મહામુશ્કેલીએ આ કામગીરી પાર પાડવામાં આવી.
આ કામગીરીને લગતા વિવાદો પણ સર્જાયા, પરંત ુ છેવટે સફળતાપૂર્વક કામ પાર પડ્યું અને લગભગ તમામ ભારતીયોને સ્વદેશ પરત લાવી શકાયા. એકાદ વિદ્યાર્થીનું બોમ્બ હુમલામાં ઘાયલ થવાથી અવસાન થયું તે સિવાય બીજી કોઇ જાણીતી જાનહાની ભારતીયોની ત્યાં થઇ નહીં. યુક્રેનમાંથી ભારતીયોને સલામત બહાર કાઢવાની કામગીરીને હજી તો માંડ એક વર્ષ જેટલો સમય થયો છે ત્યાં સરકાર સમક્ષ ભીષણ હિંસાથી ગ્રસ્ત આફ્રિકન દેશ સુદાનમાં ફસાયેલા ભારતીયોને સલામત બહાર કાઢીને સ્વદેશ લાવવાની કામગીરી આવી પડી છે. સુદાનમાં ત્યાંના મુખ્ય લશ્કર અને એક અર્ધ લશ્કરી દળ વચ્ચે દેશ પર વર્ચસ્વ જમાવવા લડાઇ ફાટી નિકળી છે અને ભારતીયો સહિત અનેક વિદેશીઓ ત્યાં સલવાઇ પડ્યા છે. જો કે યુક્રેનની સરખામણીમાં સુદાનમાં ઘણા ઓછા ભારતીયો છે પરંતુ ત્યાં ચાલતી લડાઇ જોતા તેમને કાઢવાની કામગીરી પણ મુશ્કેલ તો છે જ.
સુદાનમાં લશ્કર અને અર્ધ લશ્કરી દળ વચ્ચે ચાલી રહેલી ભયંકર લડાઇ વચ્ચે ફસાઇ ગયેલા ભારતીયોને સલામત બહાર કાઢવા માટેની કામગીરી મંગળવારે શરૂ થઇ ગઇ છે. ઓપરેશન કાવેરીના નામે શરૂ કરવામાં આવેલી આ કામગીરીમાં મંગળવારે ૨૭૮ ભારતીયોના પ્રથમ બેચને બહાર કાઢવામાં આવ્યો હતો. ભારતીય નૌકાદળના જહાજ આઇએનએસ સુમેધામાં બેસાડીને આ ૨૭૮ ભારતીયોને સુદાનના પોર્ટ સુદાન બંદરેથી સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરના બંદરે રવાના કરવામાં આવ્યા હતા, જ્યાંથી આ ભારતીયોને ભારત લાવવામાં આવનાર હતા.
મિત્ર દેશ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ભારત સરકારે એક કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે જે સુદાનમાંથી ભારતીયોને સલામત બહાર કાઢવાની કામગીરી પર દેખરેખ રાખશે. ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી ૩૦૦૦ જેટલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મંગળવારે ભારતીય નૌકાદળનું બીજું એક જહાજ આઇએનએસ તેગ પણ પોર્ટ સુદાન બંદરે પહોંચી ગયું હતું. સુદાનમાં હવાઇ યુદ્ધ પણ ચાલી રહ્યું છે અને આવા સંજોગોમાં ત્યાં વિમાન મોકલીને લોકોને બહાર કાઢવાની કામગીરી જોખમી બની શકે છે. પોર્ટ સુદાન બંદરેથી ભારતીયોને સાઉદી અરેબિયાના જેદ્દાહ લાવવાની અને ત્યાંથી ભારતીય હવાઇ દળના વિમાનો મારફતે તેમને ભારત લાવવાની યોજના છે.
સુદાનમાંથી ભારતીયોને સલામત બહાર કાઢવાની કામગીરી પર દેખરેખ રાખવા માટે રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી વી. મુરલીધરન જેદ્દાહ પહોંચી ગયા છે. આ કામગીરી હજી ઓછામાં ઓછા થોડા સપ્તાહ સુધી તો ચાલશે જ. આશા રાખીએ કે બધુ સહીસલામત પાર પડે. આ લખાય છે ત્યાં સુધીમાં સુદાનમાં એક ભારતીય નાગરિકના મોતનાં અહેવાલ છે,આશા રાખીએ કે હવે વધુ જાનહાનિ નહીં થાય અને ભારતીયોને સુદાનમાંથી સલામત સ્વદેશ લાવવાની કામગીરી સલામત રીતે પાર પડે. સુદાનમાં ૪૦૦૦ જેટલા ભારતીયો વસતા હોવાની માહિતી છે, જેમાંથી કેટલાક તો ત્યાં પેઢીઓથી વસે છે અને ત્યાંના જ વતની જેવા થઇ ગયા છે. જે ભારતીયો સ્વદેશ પરત આવવા માગે છે તેમને સલામત લઇ આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
નોકરી માટે, કામધંધા માટે, ભણવા માટે અનેક લોકો, વિદ્યાર્થીઓ વિદેશ જાય છે, વિદેશોમાં વસે છે અને ત્યાં જો આવા કંઇક સંઘર્ષના સંજોગો સર્જાય તો તેમને સલામત રીતે સ્વદેશ પરત લાવવાની મોટી કામગીરી સરકારે હાથ ધરવી પડતી હોય છે. અત્યાર સુધીની સંભવત: આવી સૌથી મોટી કામગીરી ૧૯૯૦ના અખાતી યુદ્ધ વખતે તે સમયની વી.પી. સિંહની સરકારે હાથ ધરી હતી. ઇરાકે ત્યારે કુવૈત પર હુમલો કર્યો હતો, કુવૈતમાં મોટા પ્રમાણમાં ભારતીયો વસતા હતા અને વસે છે. તે સમયે ત્યાંથી એર-ઇન્ડિયા અને ભારતીય હવાઇ દળના વિમાનો વડે ૧ લાખ ૭૦ હજાર જેટલા ભારતીયોને સલામત સ્વદેશ લાવવાની જંગી કામગીરી પાર પાડવામાં આવી હતી.
તે પહેલા પણ આવા ઓપરેશનો હાથ ધરવા પડ્યા હતા, પરંતુ તે નાના પાયા પરના હતા. વર્ષ ૨૦૧૧માં લિબિયામાં કર્નલ ગદ્દાફી સામે ફાટી નિકળેલા નાગરિક બળવા વખતે ઓપેશન સેફ હોમકમિંગ હેઠળ ૧૫૪૦૦ જેટલા ભારતીયોને લિબિયાના અને ઇજિપ્તના એરપોર્ટો પર ખાસ ફ્લાઇટો મોકલીને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. દરિયાઇ માર્ગનો ઉપયોગ પણ આ ઓપરેશનમાં કરવામાં આવ્યો હતો. તેના પછી યમનમાંથી ૨૦૧૫માં ઓપરેશન રાહત હેઠળ ૪૦૦૦ ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા હતા. ગયા વર્ષે યુક્રેનમાંથી ઓપરેશન ગંગા હેઠળ ૨૫૦૦૦ જેટલા ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા હતા. અન્ય ૧૮ જેટલા દેશોના ૧૪૭ જેટલા નાગરિકોને પણ સલામત બહાર કાઢવામાં ભારત દ્વારા મદદ કરવામાં આવી હતી. વિદેશોમાં વસતા પોતાના નાગરિકો આવા કંઇક કપરા સંજોગોમાં ફસાઇ જાય તો ભારતે જ નહીં, અન્ય દેશોએ પણ આવા ઓપરેશનો હાથ ધરવા પડતા હોય છે.