લેબનોનમાં ફરી એકવાર વિસ્ફોટ થયા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે બેરૂતમાં હિઝબુલ્લાહના સભ્ય અને પેજર બ્લાસ્ટથી માર્યા ગયેલા બાળકના અંતિમ સંસ્કાર દરમિયાન અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા છે. બેકા ખીણના સોહમોર શહેરમાં વાયરલેસ ઉપકરણોના વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા લેબનોન પેજરમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયા હતા. આ વિસ્ફોટોમાં 3000 થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા.
લેબનોનમાં મંગળવારે પેજરમાં થયેલા વિસ્ફોટો બાદ હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ થયા છે. અલ જઝીરા અનુસાર આ હુમલામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. રાજધાની બેરૂતના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટની માહિતી સામે આવી છે. આમાંથી એક વિસ્ફોટ હિઝબુલ્લાહ સાંસદ અલી અમ્મરના પુત્રના અંતિમ સંસ્કાર દરમિયાન થયો હતો. 17 સપ્ટેમ્બરે પેજરમાં થયેલા બ્લાસ્ટમાં તેનું મોત થયું હતું. લેબનોનના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટ થયા છે, ડઝનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા સંદેશાવ્યવહારના સાધનોમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
લેબનોનમાં હિઝબોલ્લાહ લડવૈયાઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે આ વોકી-ટોકીનો ઉપયોગ કરે છે. મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે લેબનોનમાં આ બીજો મોટો ટેકનોલોજીકલ હુમલો છે. આ પહેલા બ્રિટિશ ન્યૂઝ એજન્સી રોઈટર્સે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે હિઝબુલ્લાહના 5000 પેજરમાં વિસ્ફોટકો લગાવ્યા હતા.
આ પેજર્સ કોડની મદદથી કામ કરે છે. તેઓને આ વર્ષની શરૂઆતમાં લેબનોન મોકલવામાં આવ્યા હતા. મંગળવારે આ પેજર્સ પર એક સંદેશ આવ્યો જેણે વિસ્ફોટક સક્રિય કર્યું. આ હુમલામાં 12 લોકોના મોત થયા હતા. મૃતકોમાં હિઝબુલ્લાહના 8 સભ્યો અને 2 બાળકોનો સમાવેશ થાય છે.
આ હુમલામાં 3000 થી વધુ ઘાયલ થયા છે. જેમાં લેબનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ સીરિયામાં પણ કેટલાક પેજર્સમાં વિસ્ફોટ થયા હતા. જેમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 14 જેટલા ઘાયલ થયા હતા. હિઝબુલ્લાએ ઇઝરાયેલને હુમલા માટે જવાબદાર ગણાવ્યું. ઈઝરાયેલે હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.