ટ્રેનમાં હવે આરામદાયક ખુરશીઓથી લઈને મોબાઈલ ફોન ચાર્જિંગ અને લેમ્પ સુધીની ઘણી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, રેલવેના વિકાસની આ પ્રક્રિયા હજુ અટકી નથી. એવા સમાચાર છે કે રેલવેએ ટ્રેનોમાં ATM એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. જોકે, તે ક્યારે વ્યાપક સ્તરે લાગુ કરવામાં આવશે તે સ્પષ્ટ નથી.
સેન્ટ્રલ રેલ્વે (CR) એ મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે ATM સ્થાપિત કર્યું છે. મંગળવારે આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એટીએમ એક ખાનગી બેંક દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે અને તે આ દૈનિક એક્સપ્રેસ સેવાના એર-કન્ડિશન્ડ ચેર કાર કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમના મતે તે ટૂંક સમયમાં મુસાફરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્રિલ નીલાએ જણાવ્યું હતું કે, ‘પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે.’ રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એટીએમ કોચના પાછળના ભાગમાં એક ક્યુબિકલમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં પહેલા એક કામચલાઉ પેન્ટ્રી હતી. ટ્રેન ચાલુ હોય ત્યારે સુરક્ષા અને પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે એક શટર ડોર પણ લગાવવામાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે મનમાડ રેલ્વે વર્કશોપમાં આ કોચમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા. પંચવટી એકસપ્રેસ દરરોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને નાસિક જિલ્લામાં મનમાડ જંકશન વચ્ચે દોડે છે. આ ટ્રેન તેની એકતરફી મુસાફરી લગભગ 4 કલાક 35 મિનિટમાં પૂર્ણ કરે છે.
