આણંદ : આણંદની અમુલ ડેરી અને કૃષિ યુનિવર્સીટી દ્વારા બાયો ફર્ટીલાઈઝરને પ્રોત્સાહન આપવા અને ખેડુતોએ કરેલા પાકમાં વધુ ઉત્પાદન મેળવવા એનપીકે બાયો ફર્ટીલાઈઝર ટેકનોલોજી ટ્રાન્સફર માટે કરાર કરવામાં આવ્યો હતો. આ કરારથી અમુલ પ્રવાહી એનપીકે બાયો ફર્ટીલાઇઝર બનાવશે. અમુલ દ્વારા 75માં વર્ષની ઉજવણીના પ્રસંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઓર્ગેનિક ફર્ટીલાઈઝરનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જેના છ મહિના બાદ અમુલ દ્વારા 600 મેટ્રીક ટન ઓર્ગેનિક ફર્ટીલાઈઝરનું વેચાણ કરવામાં આવ્યું છે.
સાથે સાથે કેમિકલ ફર્ટીલાઈઝરથી થતા નુકશાનને અટકાવા અને જમીન સુધારણા હેતુથી બાયો ફર્ટીલાઈઝરને પ્રોત્સાહન આપવા અને ખેડુતોએ કરેલ પાકનું ઉત્પાદન વધારવા માટે પ્રવાહી એનપીકે બાયો ફર્ટીલાઈઝર ટેકનોલોજી ટ્રાન્સફર માટે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારની આગેવાની હેઠળ અમુલના એમડી અમિત વ્યાસ અને કૃષિ યુનિવર્સીટીના વાઈસ ચાન્સલર ડો કે.બી.કથીરયા દ્વારા સમજુતિના કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંગે કૃષિ યુનિવર્સીટીએ યોજાયેલી આ મિટિંગમાં યુનિવર્સીટીના ડો. એમ કે ઝાલા, ડિરેક્ટર ઓફ રિસર્ચ એન્ડ ડીન પીજી સ્ટડીઝ ડો આર.વી વ્યાસ, રિસર્ચ સાઈન્ટિસ્ટ એન્ડ હેડ માઈક્રોબાયોલોજી અને અમુલ ડેરીના સેલ્સ એન્ડ માર્કેટિંગના સાગર પરમાર, નિલેશ પંજાબી, ચિંતન પંચાલ, વિક્રમ ચાવડા અને સેલ્સ એન્ડ માર્કેટીંગના અધિકારીઓ હાજર રહ્યા હતા.