Dakshin Gujarat

હવે માહિતી લીધા વગર ભરૂચથી કોરોના દર્દીને વડોદરા શિફ્ટ નહીં કરી શકાય

ભરૂચ જિલ્લામાં સરકારી તેમજ મોટાભાગની ખાનગી હોસ્પિટલો ( private hospital) માં હાલ કોરોના ( corona) ના દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાના ક્રિટીકલ દર્દીઓના કિસ્સામાં ઘણીવાર વધુ સારી સારવાર મળી રહે તે હેતુથી વડોદરા ખાતેની હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.ભરૂચ જિલ્લા કલેકટર એમ.ડી. મોડિયાએ જિલ્લાની તમામ હોસ્પિટલો, આઈ.એમ.એ. ભરૂચ-અંકલેશ્વરને પરિપત્ર જારી કરી, હાલની સ્થિતિએ ઓક્સિજન બેડ અને હાઈ ડિપેડન્સી બેડની વિગતો ધ્યાને લેતાં દર્દીને હેરાન ન થવું પડે અને બેડ ખાલી હોય તેવા કિસ્સામાં રેફરલ થાય તે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું છે.સોમવારે સચિવ, શિક્ષણ અને કોવિડ –19 માટે વડોદરા ખાતે નિયુકત ખાસ ફરજ પરના અધિકારી દ્વારા યોજાયેલી વીડીયો કોન્ફરન્સ ( video conference) માં આપેલ સૂચના મુજબ વડોદરા ખાતે પેશન્ટ રેફરલ માટે રાઉન્ડ ધી કલોક કોવિડ –19 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે સંપર્ક માટેનો ટોલ ફ્રી નંબર 14420 છે.


હવેથી ભરૂચ જિલ્લાના કોઈપણ દર્દીને વડોદરા ખાતે રીફર કરવા માટે આપેલ નંબર પર સંપર્ક કરી જરૂરી વિગતો આપી કંટ્રોલ રૂમ મારફતે માહીતી મેળવી ત્યાંથી કન્ફર્મેશન મળ્યા બાદ જ દદીને રિફર કરવાના રહેશે. વડોદરા ખાતેના પેશન્ટ રેફરલ કંટ્રોલરૂમના કન્ફર્મેશન વગર જો કોઈ દર્દીને રીફર કરવામાં આવે અને દર્દીને હાલાકી ભોગવવાની થાય તેવા કિસ્સામાં સંપૂર્ણપણે જવાબદારી હોસ્પિટલ મેનેજમેન્ટની રહેશે તેમ કલેકટરે વધુમાં હોસ્પિટલોને સૂચના આપી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક સમાન બની છે. જિલ્લામાં રોજના ૧૦૦થી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે. જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ હાઉસફુલની સ્થિતિ તરફ જતા જોવા મળ્યા છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનનો સહારો લેવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સંક્રમણના વધતા જતા કેસોએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

ભરૂચ જિલ્લામાં શહેરી વિસ્તારો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણ વધવા લાગતાં વિવિધ સ્થાને હવે નવા કોવિડ કેર સેન્ટર ખોલવાની ફરજ પડી છે. વધતા સંક્રમણ વચ્ચે ખાનગી લેબો અને સિવિલ હોસ્પિટલ ખાતે સંક્રમણનાં લક્ષણો ધરાવતા લોકોની લાંબી લાંબી લાઈનો સોમવારે સવારથી જ જોવા મળી હતી, ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં પણ સતત વધારો દર્દીઓના પરિવારજનો વચ્ચેથી સામે આવી રહ્યો છે.કોરોનાના કાળા કહેર વચ્ચે કોવિડ સ્મશાનમાં મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે. ગત રાત્રિ સુધી કોવિડ સ્મશાનમાં ૨૭ જેટલા મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા, જેમાં બે દીકરીએ ભીંની આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપ્યા હતા અને તેઓના પ્રત્યેના પિતાનાં અધૂરાં કામો પૂર્ણ કરવાની ઈચ્છા દર્શાવતા ઉપસ્થિત લોકોમાં વાતાવરણ ગમગીન બન્યું હતું,


કોવિડ સ્મશાનની સાથે સાથે જિલ્લાના વિવિધ સ્થળે કબ્રસ્તાનોમાં પણ કોવિડ પ્રોટોકોલ આધીન અનેક લોકોની દફનવિધિ કરવામાં આવી રહી છે. આમ જિલ્લામાં કોરોના કાળમાં મૃત્યુઆંક એક અનુમાન મુજબ ૧૫૦૦ને પાર પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વધતા સંક્રમણને લઇ તંત્ર સતત પોતાની કામગીરી કરી રહ્યું છે, કોવિડ સેન્ટરથી લઇ બેડ વધારવા જેવી બાબતો પર કલેક્ટર એમ.ડી. મોડિયાની સતત કામગીરી જોવા મળી રહી છે, લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટેના તમામ આયોજનોમાં તંત્ર લાગી ગયું છે. ત્યારે આ સંક્રમણને અટકાવવા માટે લોકોએ પણ પોતાની નૈતિક ફરજ સમજી કોરોનાની તમામ ગાઇડલાઈનનું પાલન કરવું વર્તમાન સમયની માંગ છે, અને બિનજરૂરી ઘરની બહાર અથવા ભીડભાડવાળા વિસ્તારોમાં જતા અટકવું જોઈએ તે તમામ બાબતોનું પાલન જ ભરૂચને આ મહામારીમાંથી બહાર લાવી શકે તેમ છે.

Most Popular

To Top