સુરત : ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં (Import Export) બદનામ યુનુસ ચક્કીવાળાનું (Yunus Chakkiwala) વધુ એક ભોપાળું બહાર આવ્યું છે. આ વખતે તેણે સામાન્ય અત્તરનો ધંધો કરતા વેપારીના નામે 28 કરોડનું એકસપોર્ટ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં બતાવ્યું હતું. આઇટી (Income Tax) દ્વારા નોટીસ (Notice) ઇશ્યુ કરવામાં આવતા વેપારી દ્વારા ઇકોનોમી સેલને (Economy Cell) ફરિયાદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત જીએસટી (GST) વિભાગમાં પણ આ વેપારીના નામે કરોડોની ટેકસ ક્રેડિટ (Tex Credit) લઇ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. 28 કરોડનું એકસપોર્ટ સામાન્ય વેપારીઓના નામે બતાવાતા આઇટીની નોટીસ આવતા આખું ભોપાળું બહાર આવ્યું હતું.
યુનુસ ચક્કીવાળાએ અત્તરની ભાડે દુકાન આપીને દુકાનદારના નામે કરોડોનો ખેલ કર્યો
કૌભાંડી યુનુસ ચક્કી સામે તેમની દુકાનમાં ભાડુઆત તરીકે રહેતા ઉવેશે અબ્દુલ ગની સોપારીવાલા (રહે. ચોકબજાર, જુમ્મા મસ્જિદ) દ્વારા ઇકોનોમી સેલમાં ફરિયાદ આપવામાં આવી હતી. ઉવેશે જણાવ્યું હતું કે પોતે અત્તરનો ધંધો કરે છે. તે માટે તેઓએ યુનુસ ચક્કીની દુકાન ભાડે રાખી છે.
વર્ષ 2017માં યુનુસ ચક્કી તેઓ પાસે આવીને કહ્યું કે તમે નાના વેપારી છો તેમને હું એકાદ લાખની લોન કરાવી આપું છું. તેમ જણાવીને અમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ માંગ્યા હતા. ત્યારબાદ વર્ષ 2019માં તેઓ પાસે મેસર્સ રેડફોર્ડ ઇમ્પેક્સ નામની પેઢીના નામથી એક્સપોર્ટનો તમારો ધંધો છે તેના ક્રોસ વેરિફિકેશન માટે જીએસટી આવ્યું હતું. ત્યારે પોતે આ મામલે કાઇ જાણતા ન હોવાની વાત કરી હતી. દરમિયાન યુનુસ ચક્કીને તેઓએ આ મામલે જણાવતા તેણે પોતે સંભાળી લેશે તેમ જણાવ્યું હતું.
આઇટી દ્વારા 28 કરોડના એકસપોર્ટની નોટીસ ફટકારતા મામલો બહાર આવ્યો
ઇન્કમટેકસ દ્વારા ઉવેશને 28 કરોડનું એકસપોર્ટ કરવામાં આવ્યું હોવાના કારણે નોટીસ ફટકારાઈ હતી. દરમિયાન આ મામલે પોતે અજાણ હતા. રેડફોર્ડ ઇમ્પેકસના ઉવેશના આધાર કાર્ડ અને પાન કાર્ડ પર યુનુસ ચક્કી દ્વારા એકસ્પોર્ટ કરવામાં આવ્યું હતુ.
તેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં આ એકસ્પોર્ટ બતાવવામાં આવ્યું હોવાની વિગત જાણવા મળી છે. આ મામલે યુનુસ ચક્કીવાલાને પૂછતા તેણે યોગ્ય પ્રત્યુતર આપ્યા ન હતા. તેથી તેઓ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વાત ઉવેશ દ્વારા કરવામાં આવી છે.
કરોડોની ટેકસ ક્રેડિટ યુનુસ ચક્કીએ જીએસટીમાં ઉસેટી લીધી
ઇકોનોમી સેલ દ્વારા આ ઉપરાંત કરવામાં આવેલી ચકાસણીમા કરોડોની ટેકસ ક્રેડિટ જીએસટીમાં ઉસેટી લેવામાં આવી હોવાનુ જણાવ્યુ છે. તેમાં બોગસ લે વેચના કરોડોના બિલ મૂકવામાં આવ્યા છે. આ બિલો તે (1) જશવેર ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ (2) સુમો ટેક્સટાઇલ (3) એટીએચ કોર્પોરેશન (4) એચએમ પટેલ ટેક્સટાઇલ (5) એનપી ટેક્સટાઇલ જેવી પેઢીઓના ધંધાના સરનામા પણ બોગસ બતાવ્યા હતા. દરમિયાન રેડફોર્ડ ઇમ્પેકસના નામે 1.89 કરોડની ટેકસ ક્રેડિટ મેળવી લેવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.