SURAT

રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પોલીસ કમિશનરનું ફરમાન, આ કામ કરજો નહીં તો દંડ થશે

  • સુરત શહેરમાં અકસ્માતની ગંભીર ઘટનાઓ ટાળવા અર્થે મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય તેવી જાહેર કે ખાનગી જગ્યાઓએ ફાયર, બી.યુ.પરમિશન, લિફ્ટ લાયસન્સ જેવા જરૂરી તમામ પ્રમાણપત્રોના સાઈન બોર્ડ લગાવવા પોલીસ કમિશનરનું જાહેરનામું

સુરત : રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો ભડથું થયા બાદ સુરતનું તંત્ર જાગ્યું છે. છેલ્લાં એક અઠવાડિયાથી સુરતનું તંત્ર જાહેર સ્થળ પર ફાયર સેફ્ટી, બીયુ પરમીશન સહિતની તપાસ કરી મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરી રહી છે. મનપાના તંત્રએ અત્યાર સુધીમાં હજારો મિલકતો સીલ કરી છે, બીજી તરફ સુરતનો પોલીસ વિભાગ પણ નિયમોનું કડકાઈથી પાલન થાય તે માટે કટીબદ્ધ છે. આજે સુરત શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડી જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળો પર ફાયર સેફ્ટી, બીયુ પરમિશન સહિતની વિગતોના બોર્ડ લગાવવા આદેશ કર્યો છે.

શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં હોય તેવી ખાનગી તેમજ જાહેર જગ્યાઓએ આગ, અકસ્માત જેવી કોઈ પણ પ્રકારની ગંભીર ઘટનાઓ ટાળવા નાગરિકોની સુરક્ષા અર્થે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે.

જે અનુસાર પોલીસ કમિશનરની હદમાં આવેલા ઓડીટોરીયમ, ટાઉનહોલ પાર્ટી પ્લોટ, સિનેમા ગૃહો, ગેમિંગ ઝોન, નાટ્ય ગૃહો, શોપીંગ મોલ, હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, કાફે, શાળા, કોલેજ, ટ્યુશન કલાસીસ, ડાન્સ કલાસીસ, જીમ સેન્ટર, બેન્ક, હોસ્પિટલ, લાયબ્રેરી, મ્યુઝીયમ, પેટ્રોલ પંપ, બસ-રેલ્વે સ્ટેશન, ઔદ્યોગિક એકમો સહિતના સ્થળોએ સક્ષમ સત્તાધિકારી પાસે આપવામાં આવેલા ફાયર સેફ્ટી NOC, ફાચર સેફટી લે આઉટ પ્લાન, ફાયર સેફટી અંગેના સાઈન બોર્ડ, બિલ્ડીંગ ડેવલપમેન્ટ પરમિશન, બિલ્ડીંગ યુટીલાઈઝેશન પરમિશન, હંગામી સ્ટ્રક્ચરના કેસમાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રિકલ ટેસ્ટ સર્ટિફિકેટ, લીફટના ઉપયોગ માટેનું લાયસન્સ, આરોગ્ય વિભાગનું NOC, રાઇડ હોય તઓ રાઇડ અંગેના ફીટનેસ પ્રમાણપત્ર લગાવવા પડશે.

આ ઉપરાંત ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર/વિગત, એન્ટ્રી/એકિઝેટ માર્કિંગ, સ્થળ પર હાજર વ્યક્તિઓની સંખ્યા, વ્યક્તિઓની મહત્તમ કેપેસીટી, સી.સી.ટી.વી ચાલુ અને રેકોર્ડીંગ અંગેની વિગત, પાર્કિંગની મહત્તમ ક્ષમતા(2 અને 4 વ્હીલ માટે), જનરેટર માટે રાખેલા પેટ્રોલ/ડીઝલનો કે કોઇ જવલનશીલ જથ્થો સહિતના પ્રમાણપત્રની વિગત, પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર ઓથોરીટી, ઇસ્યુ નંબર અને તારીખ, વેલીડિટી અને રીમાર્કસ સાથેનું સાઈન બોર્ડ પ્રીમાઇસસની બહાર લોકો સરળતાથી જોઈ શકે તેવી રીતે રાખવા હુકમ ફરમાવ્યો છે. આ હુકમ તા.20 જુલાઈ 2024 સુધી અમલી રહેશે. અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.

Most Popular

To Top