દેશના જમ્મુ-કાશ્મીરમાં 19મી સદીની 149 વર્ષ જૂની ‘દરબાર મૂવ’ની પરંપરા સરકારે તાજેતરમાં રદ કરેલ છે જે અભિનંદનને પાત્ર છે. વર્ષમાં બે વખત યોજાનાર રાજ્યના આ ‘દરબાર મૂવ’થી દસ હજાર કર્મચારીઓને આવાસ બદલવાની જરૂર પડતી હતી જેના માટે તેમને 25 હજાર રૂપિયાનું ભથ્થુ અપાતુ હતુ. ‘દરબાર મૂવ’ થતા સચિવાલય, રાજભવન, પોલીસ હેડક્વાર્ટર, સરકારી વિભાગો, નિગમો અને બોર્ડો અને હાઈકોર્ટની મુખ્ય વિંગને ગરમીમાં શ્રીનગર અને ઠંડીમાં જમ્મુ સ્થળાંતરીત કરવામાં આવતા હતા જેનાથી જમ્મુના બજારમાં છ મહિના ચહલ અને ધંધાકીય વાતાવરણ જોવા મળતુ હતુ.
‘દરબાર મૂવ’બંધ થવાથી સરકારી તિજોરીમાં 150 થી 200 કરોડ રૂપિયાની બચત કરી શકાશે. રાજ્યના પાટનગર બાબતેની આવી જ ઘટના આંધ્રપ્રદેશમાં બનેલ છે. જ્યાં દેશમાં કોઈપણ ઠેકાણે ન હોય તેવો આંધ્રપ્રદેશમાં ત્રણ ત્રણ રાજધાનીઓ બનાવવાનો કાયદો બનાવેલ હતો તેનો રાજ્ય સરકારે લાંબા વિવાદ બાદ તાજેતરમાં પાછે ખેંચવો પડેલ છે. રાજ્ય સરકારે આંધ્રના વિશાખાપટ્ટનમમાં કાર્યકારી રાજધાની, અમરાવતીમાં કાનૂની રાજધાની અને કુરનુલમાં ન્યાયપાલિકાની રાજધાની એમ કુલ ત્રણ રાજધાનીઓ બનાવવાના રાજ્ય સરકારે સંકેત આપેલ હતા જેનો આંધ્રપ્રદેશમાં 700 દિવસથી સતત વિરોધ થઈ રહ્યા હતા.
આમ દેશના કોઈ રાજ્યમાં આવા ત્રણ ત્રણ પાટનગરની કલ્પના પણ થતી નથી ત્યારે આંધ્રપ્રદેશ સરકાર આવુ વિચારીને કાયદો બનાવી શકે છે અને વિરોધોના વચ્ચે પરત પણ ખેંચે છે તે આવકાર્ય જ ગણી શકાય. રાજ્યમાં ત્રણ ત્રણ પાટનગરની કલ્પના ભલે પ્રજાને ઉપકારક બનવાના વિચારવાળી હોય પરંતુ તેની પાછળ મતબેંકોનું સ્વાર્થ રાજકારણ પણ છૂપાયેલ રહેલ છે જેનો ઈન્કાર કરી શકાય એમ નથી. આંધ્રપ્રદેશ જેમ દેશના અન્ય રાજ્યો ભવિષ્યમાં આવા એક કરતા વધારે પાટનગર બનાવવાનું વિચારે કે નિર્ણય કરે તે અયોગ્ય જ ગણવો રહ્યો. રાજ્ય સરકારના આ અવિચારી નિર્ણયને સ્વયં કેન્દ્ર સરકારે તુરત જ રોકવો જોઈએ.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.