Charchapatra

ઈચ્છો તો કંઈ પણ અશક્ય નથી

 ‘ મન હોય તો માળવે જવાય. ‘ કોઈ પણ કામ શરૂઆતમાં અઘરું લાગે છે. હૈયામાં હામ હોય અને મનમાં ધગધગતી ઈચ્છાશકિત હોય તો કંઈ પણ અશકય નથી. બસ આવો જ સંદેશો આપતી એક ગુજરાતી ફિલ્મ’મેડલ’ એક એવી ફિલ્મ છે કે જે શિક્ષકોને પ્રેરિત કરે છે. આ ફિલ્મ અંતરિયાળ ગામડાંઓમાં શાળાઓની કેવી ખરાબ દશા છે તેનો પડદો ખોલે છે.માત્ર વિષયોનું મતલબ પુસ્તકનાં બે પૂંઠા વચ્ચે જ શિક્ષણ છે એ વાતનો છેદ ઉડાવે છે.સેલ્ફ ફાઈનાન્સ શાળાઓની ઈજારાશાહી પર મોટો ઘા કરે છે આ ફિલ્મ! શિક્ષકની ખુમારી,સચ્ચાઈ, ઈરાદાની ગવાહીરૂપ ફિલ્મ છે. એક શિક્ષક કેવો હોવો જોઈએ? એક શિક્ષકનાં મનમાં શું ધ્યેય હોવા જોઈએ? ફિલ્મ જોતાં ખરેખર શિક્ષક પ્રત્યે માન સન્માન અને આદર આપોઆપ થયા વગર ન રહે! ( ભલે એ સ્મશાની વૈરાગ્ય જેવાં હોય!) માત્ર પોતાના વિષયની જ દરકાર કરતાં શિક્ષકો ઈચ્છે તો (!) વિદ્યાર્થીઓની ટેલેન્ટને ઓળખી કઈ રીતે પરિવર્તનની આંધી લાવી શકે એ આ ફિલ્મનો નાયક (શિક્ષક) શીખવી જાય છે.

જયારે જયારે પણ કોઈ નવો આવિષ્કાર, પરિવર્તન ,જરા હટકે કે અશક્ય કામો થયાં છે ત્યારે મોટો સમૂહ નહિ, પણ શરૂઆત એક વ્યકિતથી થઈ છે અને પછી સૌ કોઈ જોડાતાં ગયા હોય છે. ( અપવાદ હોઈ શકે!) પણ હિંમતપૂર્વક પહેલ તો એકે જ કરી છે. ગુજરાતી ફિલ્મો પણ અર્થપૂર્ણ અને સમય સાથે તાલ મિલાવે તેવી કથા અને ફોટોગ્રાફી સાથે બની રહી છે તે ગુજરાતીઓએ ગર્વ લેવા જેવું છે. ‘ સ્ટાર ઐસે નહીં બનતે , મહેનત કરની પડતી હૈ, am. સે pm.તક!
સુરત     – અરુણ પંડયા    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પરોપકારી ડો. કાઝી સાહેબની વસમી વિદાય
ડો. ગિરીશ કાઝીનું તાજેતરમાં ટૂંકી માંદગી બાદ 83 વર્ષની વયે અવસાન થયું. અસ્સલ સુરતી પ્રજા સાથે તેઓના સંબંધ મીઠા મધુર રહ્યા હતા. લગભગ સુરતના પ્રત્યેક પરિવારને એમની સેવાનો લાભ મળ્યો હતો. ભટ્ટ હોસ્પિટલની આસપાસ તેઓ અવારનવાર ગળા પર ટેથેસ્કોપ સાથે હસતા હસતા જતા આવતા જોવા મળતા. ગરીબ દર્દીઓના તેઓ સાચા અર્થમાં હમદર્દ હતા. સુરતની હોસ્પિટલો સાથે તેઓનો બહુ પુરાણો નાતો રહ્યો હતો. એમની નિ:સ્વાર્થ સેવા બેનમૂન રહી હતી. શહેરની કેટલીક જાણીતી સંસ્થાઓ સાથે તેઓ અંત સમય સુધી સક્રિય રહ્યા હતા. તબીબી જાહેર કાર્યક્રમમાં એમની હાજરીથી તબીબી આલમના પ્રત્યેક તબીબોનાં મન પ્રસન્ન થઇ જતાં. એક વાર સુરતના  સાહિત્ય સંગમના હોલમાં ભરચક હાજરીની વચમાં તેઓના આરોગ્યને લગતા પ્રવચનનો અમૂલ્ય લાભ શ્રોતાઓને મળ્યો હતો. પ્રત્યેક પ્રશ્નોના ઉત્તરથી શ્રોતાઓનાં દિલ જીતી લીધાં હતાં.

કીડનીના દર્દથી પીડાતા મારા યુવાન દીકરા માટે જરૂરી સૂચનો આપી વિશેષ કાળજી લેવાની મને સલાહ આપી હતી. એક વાર ભટ્ટ હોસ્પિટલમાં આપણા જાણીતા સાહિત્યકાર મુ.શ્રી ભગવતીકુમારની ખબરઅંતર પૂછવા આવ્યા હતા. તેઓ ભગવતીકુમાર શર્માની કલમના આશિક હતા. સાહિત્યપ્રેમી હોવાને કારણે કયારેક સાહિત્યના કાર્યક્રમમાં પણ હાજરી આપતા. ‘ગુજરાતમિત્ર’ અખબારના લોકપ્રિય ‘ચર્ચાપત્ર’ વિભાગમાં આરોગ્યને લગતા વિષય પર પોતાના સમય સમય પર અનુભવસિધ્ધ વિચારો વ્યકત કરતા. તેઓ એક અચ્છા અભ્યાસપૂર્ણ ચર્ચાપત્રી હતા. સાચા અર્થમાં પરોપકારી સેવાભાવી ડોકટરના જવાથી સુરત શહેર દુ:ખની લાગણી અનુભવે છે. ડો. કાઝી સાહેબને અંતરની લાગણીથી નમન.
સુરત     – જગદીશ પાનવાલા        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top