ગુરુજી પાસે બધા શિષ્યો આવ્યા અને કહેવા લાગ્યા ગુરુજી, ‘અમારો અભ્યાસકાળ પૂરો થશે હવે અમે આ આશ્રમ છોડીને જશું તો અમે તમને ખાસ વિનંતી કરવા આવ્યા છીએ કે આમરે જીવનમાં જે મેળવવું છે તે મેળવવા શું કરવું જોઈએ, ક્યાં રસ્તે ચાલવું જોઈએ તે આપ અમને બધાને સમજાવો.’ ગુરુજી બોલ્યા, ‘આમ તો મેં તમને જીવનમાં કામ લાગે તેવું જ્ઞાન આપ્યું જ છે અને તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તે હાલ કરવો અને તમને માર્ગ દેખાડવો મારી ફરજ છે પણ બધાનું જીવનધ્યેય અને જીવનની જરૂરિયાતો અને ચાહતો જુદી જુદી હોય તો શું તમારા બધાની ચાહત અને જરૂરિયાત એક જ છે કે જુદી જુદી?’બધા શિષ્યો બોલ્યા, ‘ગુરુજી, જરૂરિયાત કહો કે ઈચ્છા કહો કે ધ્યેય કહો બધું જુદું છે પણ તમે અમને બધાને માર્ગ દેખાડો.’ગુરુજી બોલ્યા ઠીક છે તમે એક પછી એક મને તમારા જીવનનો સૌથી મોટો ધ્યેય કહો એટલે હું તે ધ્યેય મેળવવાનો રસ્તો સમજાવીશ.’
પહેલો શિષ્ય આવ્યો અને બોલ્યો, ‘ગુરુજી, અમે ખુબ બધા પૈસા કમાવા છે.’ગુરુજીએ કહ્યું, ‘જે કામ કરે તેમાં દિન રાત ખુબ મહેનત કરજે અને બધા સાથે વિનય જાળવજે.’બીજા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી, મને જીવનમાં સાચો પ્રેમ મેળવવો છે.’ગુરુજીએ કહ્યું, ‘પ્રિયજન પ્રત્યે આદર અને વિશ્વાસ રાખજે અને પ્રિયજન સાથે વિનય રાખજે .’ત્રીજા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી મને જીવનમાં સાચી પ્રસન્નતા મેળવવી છે. ગુરુજીએ કહ્યું, ‘સદા આજમાં જીવજે અને બધા સાથે વિનયથી વર્તજે.’
ચોથા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી મને સમાજ માં ઈજ્જત મેળવવી છે.’ ગુરુજીએ કહ્યું, ‘બધાને મદદ કરજે અને બધા સાથે વિનય જાળવજે.’ પાંચમાં શિષ્યએ કહ્યું, ‘ગુરુજી મને મોટું પદ મેળવવું છે.’ ગુરુજીએ કહ્યું, ‘સતત તારી ફરજ નિભાવજે, પક્ષપાત નહી કરતો અને હંમેશા બધા સાથે વિનયથી વર્તન કરજે.’ છઠ્ઠા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી મને ભગવાન મેળવવા છે.’ ગુરુજીએ કહ્યું, ‘સદા શ્રદ્ધાથી ભક્તિ કરજે અને વિનય જાળવજે.’
બધા શિષ્યોને ગુરુજીએ ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ દેખાડ્યો એક શિષ્યએ પૂછ્યું, ‘ગુરુજી તમે દરેકને માર્ગે દેખાડો છો તેમાં વિનય રાખજે અને વિનય જાળવજે કે વિનયપૂર્વક વર્તન કરજે તેવું દરેકને કહ્યું એમ કેમ ?’ ગુરુજી બોલ્યા, ‘વિનય વિના કઈ નહિ મળે તે યાદ રાખજો.જીવનમાં જે કઈ પણ મેળવવું હશે વિચાર ,વાણી અને વર્તનમાં જો વિનય નહિ હોય તો કઈ મેળવી નહિ શકો.જો મેળવી લેશો અને વિનય નહિ રાખો તો અભિમાન આવશે અને અભિમાનમાં બધું કયારે ગુમાવી બેસશો તેની ખબર જ નહિ પડે.વિનય સૌથી બધારે મહત્વનો છે અને બધા જ રાખવો જરૂરી છે કારણ કે વિનય વિના કઈ નહિ મળે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
