હમણાં હમણાંના ઘણાં લોકગાયકોના ડાયરાના કાર્યક્રમોના વિડીયો વાયરલ થતાં રહે છે.આ આનંદની વાત છે કે લોકો, ડાયરાના માધ્યમ થકી, આપણી પરંપરા અને લોક સંસ્કૃતિથી વાકેફ થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે ,લોકડાયરાના કલાકારોને બિરદાવવા માટે, આયોજકો અને એમના ટેકેદારો સ્ટેજ ઉપર ચઢીને રૂ.૧૦ ની કે રૂ.૨૦ ની કડકડતી નોટોના બંડલો હાથમાં લઈને હવામાં ઉછાળે છે. આપણે રૂપિયાને લક્ષ્મી તરીકે પૂજીયે છીએ અને વારતહેવારે કે ધનતેરસના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરીએ છીએ. એજ નોટોને આ રીતે કલાકારો ઉપર ઉડાડવી એ કેટલે અંશે વ્યાજબી છે?.
ક્યારેક ઊડાડેલી નોટો કોઈના પગતળે પણ આવે છે. આ લક્ષ્મીજીનું હડહડતું અપમાન નથી તો બીજુ શું છે?. તમને જો લોકડાયરાના કલાકારોના કૌશલ્ય અને કલાથી મોજ આવે તો એમને જોરદાર તાળીઓથી વધાવો, વન્સમોર કહીને એમનો ઉત્સાહ વધારો, એમનું પુષ્પગુચ્છ અને હારતોરાથી સ્વાગત અને બહુમાન કરો, એમની નક્કી કરેલી ફી ની સાથે કોઈ મેમેન્ટો કે ઊપહાર આપો, પરંતુ જાહેરમાં નાણાંના બંડલો હવામાં ઉડાડી નાણાંનો વ્યય થતો અટકાવો.નોટોને હવામાં ઉછાળવી એ કંઈ મોભાનું પ્રતીક નથી, પરંતુ અમુક આયોજકો જાહેર જનતામાં વટ પાડવાના હેતૂથી હવામાં નોટોના બંડલો ઉછાળે છે.
આ પ્રથાને અટકાવવા માટે, કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં જ, લોકડાયરાના કલાકારોએ આયોજકોને સ્પષ્ટ સૂચના આપવી જોઈએ કે કાર્યક્રમ દરમ્યાન કોઈપણ વ્યક્તિએ હવામાં નોટો ઉડાડી લક્ષ્મી માતાનું અપમાન કરવું નહીં.આવા કાર્યક્રમોની પરવાનગી આપતાં સરકારી અમલદારોએ પણ, પોતાની ફરજના ભાગરૂપે ,જે નાણાંનો વ્યય થાય છે તે અટકાવવામાં સહભાગી થવું જોઈએ.
હાલોલ – યોગેશ આર જોશી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.