દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારને અપીલ કરી છે. તેમણે કહ્યું કે ભારતીય રૂપિયા પર ગાંધીજી સાથે લક્ષ્મી-ગણેશનો ફોટો હોવો જોઈએ. તેનાથી સુખ અને સમૃદ્ધિ આવશે અને સમગ્ર દેશને તેમના આશીર્વાદ મળશે. તેમણે કહ્યું કે તેની શરૂઆત નવી નોટોથી કરી શકાય છે. આ માટે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખશે. ગુજરાત ચૂંટણી પહેલા જ અરવિંદ કેજરીવાલે એક નવા વિવાદને જન્મ આપ્યો છે. નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો લગાવવાની માંગણી પર ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ તેમની પર કટાક્ષ કર્યો છે.
જ્યાં ભાજપે કેજરીવાલના નિવેદનને યુ-ટર્નની પરાકાષ્ઠા ગણાવી છે ત્યારે હવે કોંગ્રેસના નેતા સલમાન સોઝે કહ્યું છે કે જો નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો સમાવેશ કરવાથી સમૃદ્ધિ આવી શકે છે તો તેમાં અલ્લાહ, ઈસુ, ગુરુ નાનક વગેરેનો સમાવેશ પણ કરવો જોઈએ. આ સિવાય કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે પણ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે અને તેમને ભાજપ અને આરએસએસની ‘બી ટીમ’ કહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલને કોઈ પ્રકારની સમજ નથી. આ તેમની મતની રાજનીતિ છે. જો તે પાકિસ્તાનમાં વોટ લેવા જાય તો તે પણ કહી શકે કે હું પાકિસ્તાની છું, તો મને વોટ આપો.
ભાજપે પણ પ્રહારો કર્યા હતા
આ પહેલા ભાજપે પણ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે આ એ જ વ્યક્તિ છે જે હિંદુ ધર્મનું અપમાન કરે છે. અયોધ્યા જવાનો ઇનકાર કરતાં તેઓ કહે છે કે ભગવાન તેમની પ્રાર્થના સ્વીકારશે નહીં. સ્વસ્તિકનું અપમાન કરે છે અને હવે હિંદુ ધર્મ પર યુ-ટર્ન લે છે. વાસ્તવમાં કેજરીવાલે કહ્યું હતું કે જો આપણી ચલણી નોટોમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો હશે તો આપણો દેશ પ્રગતિ કરશે. હું એક-બે દિવસમાં આ મુદ્દે વડાપ્રધાનને પત્ર લખીશ.