Charchapatra

નોટા, મતદાતાઓને એક વિકલ્પ

તાજેતરમાં જ યોગેશભાઇ જોષીએ લખ્યુ કે લોકોએ સારા નેતાઓને ચૂંટવા જોઇએ. એમની વાત સાચી અને વિચારવા જેવી છે પરંતુ આજકાલના રાજકારણમાં લોકોએ જ ચૂંટીને મોકલેલ અમુક ધારાસભ્યો કે સંસદસભ્યોના વર્તન અને વ્યવહાર આપણે જોઇએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે વિચાર આવે કે દેશના લોકો આવા નેતાઓને કેમ ચૂંટતા હશે? આવો વિચાર ઘણાંને આવે એ સ્વાભાવિક છે પરંતુ સાચા, સારા અને અભ્યાસુ માણસો આજના રાજકારણમાં રહી ટકી શકે ખરા? બીજુ રાજકીય પક્ષોના ઉમેદવારોની પસંદગી મતદાતાઓના હાથમાં નથી. જે તે રાજકીય પક્ષ ઉમેદવારોની જીતવાની કે અન્ય પ્રકારની ક્ષમતાને આઘારે જ પસંદગી કરતા હોય છે.

અમદાવાદના અભ્યાસુ અને સ્વચ્છ છબી ઘરાવતા પુરુષોત્તમ માવળંકર જેવા ઉમેદવારને પણ ૧૯૮૦માં ગાંઘીનગરમાં લોકો હરાવતા હોય તો એમાં વાંક કોનો? ઉમેદવારનો કે મતદારોનો? લોકો જ્યાં સુઘી ઉમેદવારને નહીં પરંતુ પક્ષને જોઇને જ મત આપતા રહેશે ત્યાં સુઘી ઉમેદવારોની યોગ્યતા કે અયોગ્યતા અંગે વાત કરવાનો કોઇ અર્થ સરતો નથી. જે તે રાજકીય પક્ષનો ઉમેદવાર કે ઉમેદવારો મતદાતાને યોગ્ય ન લાગતા હોય તો હવે લોકોને એમની નાપસંદગી જાહેર કરવા માટે નોટા (none of the above) માં મત આપવાનો વિકલ્પ પણ આપ્યો છે. નોટામાં સમય જતા મતોની સંખ્યા વઘતી જશે તો દરેક રાજકીય પક્ષને પણ એ ખ્યાલ આવી જશે કે હવે લોકો જાગૃત થઇ રહ્યા છે. ઉપાય એક જ છે નોટામાં મતોની સંખ્યા વઘારવાની જે રાજકીય પક્ષ અને એના ઉમેદવારો માટે લાલ બત્તીનુ કામ આજે નહીં તો કાલે કરશે જ.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હરીશ રઘુવંશી: સુરતનું ગૌરવ
કોઇ વેપારીના ઘરમાં એક આખો ઓરડો ફિલ્મના સામયિકો, નાના મોટા ગ્રંથોથી ભરાયેલો કલ્પી શકો, જે વધતો બીજા ઓરડામાં ફેલાઇ છેવટે બેસવાના સોફાનો કબજો લે. આ આપણા શહેરમાં રહેતા હરીશ રઘુવંશીનું ઘર છે જયાં આ જરૂર શકય છે. કારણ તેઓ ભલે વેપારી હતા પણ નામના જ. પ્રકૃતિથી તેઓ સ્વપસંદગીના સંશોધક હતા. યુવાનીમાં હરીશભાઇને પોતાને ગમતા ગીતો નોટબુકમાં ઉતારવાનો રસ જાગ્યો. ગીતો ઉતારે તો સાથે તેના ગીતકાર, સંગીતકાર, ગાયક-ગાયિકા, ફિલ્મ તથા તેનું પ્રકાશન વર્ષ પણ લખતા. લાંબે ગાળે નોંધ પર નજર કરતા મુકેશજીએ ગાયેલા ગીતોની સંખ્યા સૌથી વધુ જણાઇ. તેમની સંશોધનવૃત્તિ ખીલી ઊઠી. 1985માં હરીશભાઇએ મુકેશ ગીતકોશ પ્રકાશિત કર્યો ત્યારે તેમાં 992 ગીતો હતા.

જે જાણી મુકેશજીનો પુત્ર નીતિન મુકેશ પણ હરીશભાઇ પર ગુસ્સે થયો હતો. પણ કોશમાં મુકેશજીએ ગાયેલા ગીતો તથા ઉપર જોઇ તે તમામ વિગતો સાથે તેની ગ્રામોફોન રેકોડ નંબર પણ હોવાથી તે દસ્તાવેજી વિગતો હોવાથી કોઇ કાંઇ બોલી ન શકયા. ઇ.સ. 2000માં તે કોશની બીજી આવૃત્તિ પ્રકાશિત થઇ તેમાં કુલ 1053 ગીતો હતા. બીજા 61 ગીતો આ આવૃત્તિમાં સમાવેશ પામ્યા હોવાથી આ આંકડો આવ્યો છે. કોશમાં સમાવેશ પામેલ તમામ ગીતોની એક પંકિત કે શબ્દ તેમાં ગેરહાજર નથી. જે માટે તેમણે શ્રીલંકાથી કલકત્તાનો પ્રવાસ કર્યો હતો. આજ સુધી તેમના દ્વારા નીચે જણાવેલ કોશ વત્તા પુસ્તકો પ્રકાશિત થયા છે. મુકેશ ગીત કોશ 1985-2000, સાયગલ ગીતકોશ-2004, ગુજરાતી ફિલ્મ ગીતકોશ-1995, ઇન્હે ના ભૂલના. 1913થી 2012 સુધીના સો વરસમાં મૂક અને બોલતી હિંદી ફિલ્મોની ખૂબ જ મહત્વની સૂચિ પણ બનાવી છે.
વ્યારા              – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top