National

નાઈટી અને લુંગી પહેરવી નહીં, નોઈડાની સોસાયટીના પ્રમુખે નોટીસ ફટકારતા વિવાદ

નવી દિલ્હી : રહેણાંક સોસાયટીની કમિટીઓ દ્વારા અલગ અલગ નિયમો બનાવવામાં આવતા હોય છે, પરંતુ ક્યારેક આ નિયમો વિવાદનું કારણ બને છે. નોઈડાની એક સોસાયટીનો આવું જ એક ફરમાન હાલ ચર્ચામાં છે. ખરેખર નોઈડાની સોસાયટીના પ્રમુખે સોસાયટીમાં રહેતા લોકોને લુંગી અને નાઈટી નહીં પહેરવા નોટીસ પાઠવી હતી. આ નોટીસ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ થયો છે.

ગ્રેટર નોઈડામાં હિમસાગર હાઉસિંગ સોસાયટીએ ડ્રેસ કોડ લાગુ કર્યો છે. અહીં સોસાયટી પરિસરમાં નાઈટી અને લુંગી પહેરીને ફરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોસાયટીના રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનના સેક્રેટરી દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ ડ્રેસ કોડ ગ્રેટર નોઈડાના સેક્ટર પી-4ની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. તેને હિમસાગર એપાર્ટમેન્ટ પણ કહેવામાં આવે છે.  

આરડબ્લ્યુના પ્રમુખ સીકે કાલરાએ આ મામલે કહ્યું કે સોસાયટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે, તેનું સન્માન કરવું જોઈએ. વિરોધની કોઈવાત જ નથી. જો મહિલા નાઈટી પહેરી ફરે છે તો તે પુરુષો માટે ઓકવર્ડ સ્થિતિ ઉભી કરશે બીજી તરફ લુંગી પહેરીને ફરતા પુરુષોને જોઈ મહિલા અનકમર્ફેટેબલ અનુભવી રહી છે. યોગા દરમિયાન આવા વસ્ત્રો પહેરીને કેટલાંક સભ્યો આવતા હોય તેની ફરિયાદ પણ મળી છે, તેથી લુંગી અને નાઈટી પર પ્રતિબંધ મુકવા અનુરોધ કરાયો છે.

આ નોટીસ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સોસાયટીના પ્રમુખે કહ્યું કે, આ ફરમાન નહીં પરંતુ અનુરોધ હતો. પત્રમાં વિનંતી કરાઈ છે કો પોતાના વ્યવહારથી અન્યોને તકલીફન થાય તેનું ધ્યાન રાખો. સોસાયટીમાં બાળકો પણ રહે છે. સોસાયટીમાં ભેગા મળીને યોગ કરવામાં આવે છે. અહીં કેટલાંક પુરુષ સભ્યો લુંગી પહેરીને આવતા હોઈ મહિલાઓને તકલીફ થતી હતી. તે અંગે ફરિયાદો મળી હતી. તેથી લુંગી, નાઈટી જેવા વસ્ત્રો નહીં પહેરવા વિનંતી કરાઈ હતી. કોઈ ફરમાન જારી કરાયું નથી.

Most Popular

To Top