Columns

દુઃખી ન થવા માટે

મોટી વહુ સીમાએ બધા માટે સરસ રસોઈ બનાવી. નવી નવી લગ્ન કરીને આવેલી રીના માટે તેની ફેવરીટ દાબેલી પણ બનાવી હતી. બધાએ જમી લીધું.રીના જેઠાણીને કામમાં હેલ્પ કરવા લાગી અને કહેવા લાગી,‘ભાભી, તમે બહુ સરસ દાબેલી બનાવી હતી. મારી તો ફેવરીટ છે.’ સીમાએ કહ્યું, ‘હા, એટલે જ તો બનાવી હતી.’ રીના આનંદથી ઉછળી પડી ભાભી ખાસ મારા માટે? તમને કઈ રીતે ખબર પડી?’ સીમાએ કહ્યું, ‘તારાં મમ્મીને પૂછ્યું હતું.’ રીનાએ જોયું કે સીમા ભાભી ઘરમાં બધા માટે કેટલું વિચારે છે અને મારા માટે પણ વિચાર્યું અને મારી ફેવરીટ ડીશ બનાવી.

તેને સીમા ભાભીને ખૂબ ખૂબ થેન્કયુ કહ્યું પણ તેણે જોયું કે ઘરના બીજા કોઈએ બનાવેલી રસોઈ માટે કંઈ કહ્યું ન હતું. સીમા ભાભી સાથે રીનાની દોસ્તી થઈ ગઈ.તેમની પાસેથી તે ઘણું ઘણું શીખતી.સીમા ભાભીએ રીનાની મદદ લઈને સાસુનો ૭૦ મો જન્મદિવસ ઉજવવા સરપ્રાઈઝ પાર્ટી રાખી.ઘણી તૈયારી કરી, બધાં સ્વજનોને બોલાવી સુંદર ઉજવણી કરી.પણ પાર્ટી પૂરી થઇ. આવનારાં બધાંએ દેરાણી અને જેઠાણીની જોડીની પ્રશંસા કરી પણ ઘરના કોઈ કંઈ બોલ્યું નહિ.સાસુમાએ પણ ન થેન્કયુ કહ્યું કે ન વખાણ કર્યા. રીના દુઃખી થઈ ગઈ.સીમા ચુપચાપ શાંતિથી કિચનમાં કામ કરી રહી હતી.રીનાએ પોતાની મનની વાત જેઠાણીને કહેતાં કહ્યું, ‘ભાભી, આપણે આટલી મહેનત કરી અને ઘરમાં કોઈએ એક શબ્દ પણ વખાણ કર્યા નહિ.

આવું થોડું ચાલે, આપણે આપણાં પોતાનાં ગણી પ્રેમ દર્શાવવા આટલી સરસ પાર્ટી કરી અને વખાણનાં બે વાક્ય પણ નહિ.મહેનતની કોઈ કદર નહિ.મને તો બહુ દુઃખ થયું.’ સીમા બોલી, ‘અરે મારી લાડકી દેરાણી, આમ દુઃખી ન થા.મારી જ ભૂલ થઇ ગઈ કે હું તને પહેલેથી સમજાવતાં ભૂલી ગઈ કે આપને લાગણી અને પ્રેમમાં તણાઈને પ્રિયજનો માટે ઘણું ઘણું કરીશું અને આશા રાખીશું કે તેઓ આપણા ખૂબ ખૂબ વખાણ કરી ઊંધા વળી જાય, પણ તેમ થતું નથી. કોઈ એક વાક્ય પણ શાબાશીના બોલતું નથી ત્યારે મન દુઃખી દુઃખી થઈ જાય છે.આ દુઃખથી બચવા માટે ઘણા રસ્તા છે કે પહેલાં તો કોઈ માટે લાગણીમાં તણાઈને કંઈ વધારે કરો નહિ અને જો કરો તો કદર થશે,વખાણ થશે તેવી કોઈ અપેક્ષા રાખો નહિ.

પણ ભાવુક લાગણીશીલ લોકો પ્રિયજનો માટે કરવાનું પણ છોડતા નથી.વખાણની અપેક્ષા પણ રાખે છે અને તે ન થતાં દુઃખી પણ થાય છે.પણ હવે હું શીખી ગઈ છું. આમ તો કંઈ કરવું જ નહિ અને જો તમે પ્રેમથી ખેંચાઈને કરો તો કોઈ વખાણ કરશે તેવી આશા અપેક્ષા રાખવી નહિ.ચલ, આપણા પ્રેમને દર્શાવવા આપણે સરસ કર્યું એમ વિચારી ખુશ થઇ જા.કામ થઈ જાય એટલે સાથે આઈસ્ક્રીમ ખાઈશું.’ જેઠાણી સીમાએ દુઃખી ન થવા માટેની ચાવી દેરાણીને સમજાવી દીધી. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top