Columns

મફતનું ન લેવું

એક નાનકડી છોકરી, નામ તો નીતા. બધાં નીતુડી જ કહે.તેનાં માતા પિતા ન હતાં. દાદી સાથે રહે.નીતા ખૂબ જ હોંશિયાર અને ડાહી. દાદી જે કહે તે બધાં કામ કરે.દાદીએ એક દિવસ કહ્યું, ‘નીતુડી, દહીં જમાવવાનું મેળવણ નથી. જા, કંદોઈને ત્યાંથી રૂપિયાનું દહીં લઇ આવ.’ નીતાએ કહ્યું, ‘દાદી મેળવણ માટે એક ચમચી દહીં જોઈએ. બાજુવાળાં કાકીને ત્યાંથી માંગીને લઇ આવું?’ દાદીએ કહ્યું, ‘ના બેટા, હંમેશા યાદ રાખજે, જીવનમાં કોઈ દિવસ કોઈ પાસે કંઈ માંગવું નહિ અને કોઈ દિવસ કંઈ જ મફતનું લેવું નહિ.’ નીતાના મનમાં દાદીની આ વાત બરાબર બેસી ગઈ.

એક દિવસ રસ્તામાં શાળાએ જતાં તેને એક સરસ પેન મળી અને પેન નીતાને બહુ ગમી. એક વાર લઇ લેવાનું મન થયું, પણ દાદીની વાત યાદ આવી ગઈ એટલે તેણે તે પેન લીધી નહિ.નીતા તેની બહેનપણીઓને પણ શીખવાડતી કે કયારેય કોઈ દિવસ કોઈ પાસે કઈ માંગવું નહિ અને મફતનું લેવું નહિ. આગળ જતાં નીતાનાં લગ્ન થયાં. દાદીએ બધું જ તેને કરિયાવરમાં આપી દીધું. સાસરામાં સાકરની જેમ ભળી ગઈ.એક દીકરો થયો.સુખી સંસાર હતો. વર્ષો વીત્યાં.હોંશિયાર દીકરો કલેકટર બની ગયો.એક કલેકટરની મા તરીકે નીતાનાં માન-પાન વધી ગયાં.દીકરા માટે અનેક માંગાં આવવા લાગ્યાં.બધાં કહેવા લાગ્યાં કે ‘નીતાબહેન, તમારો દીકરો તો કલેકટર છે.

માંગશો એટલો કરિયાવર આપવાવાળા મળશે.બરાબર કરિયાવર આપે તેની જ દીકરી વહુ તરીકે પસંદ કરજો.’ નીતાબહેન હસીને કહેતાં, ‘ના, દાદીએ શીખવ્યું છે ન કોઈ પાસે કંઈ મંગાય ન મફતનું લેવાય.’ કલેકટર દીકરાની પસંદ પૂછી નીતાબહેને તેના લગ્ન નક્કી કર્યા.છોકરીવાળા સુખી સંપન્ન હતાં. તેમણે ધીમેથી પૂછ્યું, ‘અમે તમે કહેશો તે બધું જ કરિયાવરમાં આપવા તૈયાર છીએ. તમને શું જોઇશે અને શું ગમશે તે જણાવો.’ નીતાબહેને કહ્યું, ‘ભગવાને, આપેલું બધું જ છે અને કંઈ ન લેવું અને કંઈ ન માંગવું તે નાનપણથી જ દાદીએ શીખવાડ્યું છે.માટે શું કામ લાલચ કરવી.

અહીં જે મેળવીએ છીએ તે મહેનતનું હોય તો જ ટકે છે અને જે પણ કંઈ ભેગું કરીએ તે એક દિવસ અહીં જ મૂકીને જવાનું છે; સાથે તો ખાલી સારાં કર્મો જ આવવાનાં છે.તમે તમારી સંસ્કારી દીકરી અમને આપો છો તે જ બહુ છે અને આશિષ આપો કે દીકરા અને દીકરીનું જીવન પ્રેમભર્યું રહે. આપણે બીજું શું જોઈએ.’ દીકરીવાળાં નીતાબહેનની વાત સાંભળી રાજી થયાં કે તેમની દીકરીને કેટલાં સારાં સાસુ અને સારું ઘર મળ્યું છે. નાનપણમાં શીખવાડેલી નાની , સાચી સારી વાતો જીવનભર માટે સાચો રસ્તો દેખાડી છાપ છોડે છે.આપણાં બાળકોને નાનપણથી સારી વાતો શીખવાડતાં રહો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top