Columns

મજૂરોની સુરક્ષાનીજ નહીં, અસ્તિત્વની પણ અવગણના થતી આવી છે…

14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં નિર્માણાધીન એક ઇમારતના અકસ્માતમાં 7 મજૂરોના મૃત્યુ થયા અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. જે પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે 13મા માળે લિફ્ટ બ્લોકમાં મજૂરો પ્લાસ્ટર કરી રહ્યા હતા. પ્લાસ્ટર કરતી વેળાએ 6 મજૂરો લાકડાનો જે સપોર્ટ બનાવ્યો હતો તેના પર ઊભા હતા. આ દરમિયાન તે સપોર્ટ તૂટ્યો અને તેઓ નીચે પટકાયા. આ 6 મજૂરો લિફ્ટના બ્લોકમાંથી નીચે પટકાયા તે વેળાએ 2 અન્ય મજૂરો છઠ્ઠા માળે કામ કરી રહ્યા હતા અને તેઓ પણ તેમની સાથે નીચે પડ્યા. બીલ્ડિંગ નિર્માણાધીન હતી તેથી CCTV કેમેરા નથી અને ઘટના કેવી રીતે બની તે વિષયે તપાસ ચાલી રહી છે. હાલમાં બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને જે 1 મજૂર ઇજાગ્રસ્ત છે તે ભાનમાં આવે તેની રાહ જોવાઈ રહી છે, જેથી સ્થિતિ સ્પષ્ટ થાય.

આ પૂરી ઘટનામાં પહેલો મુદ્દો સુરક્ષાની કાળજીનો છે અને બીજો કામ કરતી વેળા થયેલી બેદરકારીનો. સુરક્ષાની કાળજીમાં પહેલી નજરે બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર મજૂરોના સુરક્ષાની પૂરતી કાળજી લીધી નહોતી તેવું દેખાય છે અને તેથી તેમના પર ગુનો નોંધાઈ ચૂક્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ, હાઇરાઇઝ બીલ્ડિંગ પર કામ કરતી વેળાએ સેફ્ટી બેલ્ટ પહેરવાનો નિયમ છે, ઉપરાંત હેલ્મેટ પણ આવશ્યક છે. તદ્ઉપરાંત નીચે પડી જવાની ભીતિ હોય ત્યાં સેફ્ટી નેટ પણ બાંધવામાં આવે છે પણ તેમાંથી અહીંયા કશુંય નહોતું. આ ઇમારત જ્યાં બની રહી હતી તે અમદાવાદનો પોશ વિસ્તાર છે અને શહેરની મધ્યમાં આવેલો છે. ઉપરાંત જે બિલ્ડર્સની આ સ્કીમ હતી તેય જાણીતું નામ છે. આ પૂરું ચિત્ર જોઈએ તો એમાં એ સ્પષ્ટ થાય છે કે અહીં મજૂરોની સુરક્ષાની અવગણના થઈ છે.

સુરક્ષા પછી બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર પર જે આરોપ મુકાયા છે તેમાંનો એક એ કે તેઓએ અકસ્માત થયા પછી ફાયર બ્રિગેડ અને પોલીસને તુરંત જાણ કરી નહોતી. સામાન્ય રીતે આવી ઘટના બને ત્યારે સૌ પ્રથમ ફાયરબ્રિગેડને અને પોલીસને જાણ કરવામાં આવે. પણ આ કિસ્સામાં ઇરાદાપૂર્વક એમ ન થયું. ફાયરબ્રિગેડના અધિકારીઓનું તો એમ કહેવું છે કે તેમને કેટલાંક મીડિયા પર્સને ફોન કરીને આ ઘટના વિશે જાણકારી આપી. પોલીસને પણ એ રીતે મોડી જાણ કરવામાં આવી. આ પૂરો મામલો રફેદફે કરવાનો ઇરાદો બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સનો હોઈ શકે.

હવે મજૂરોની બેદરકારીનો મુદ્દો. સ્પોટ પર જોતાં એવું પણ લાગે છે કે મજૂરો જે લાડકાના સપોર્ટ પર ઊભા હતા તે સપોર્ટને તેમણે વધુ મજબૂત માની લીધો અને આ ગફલતના કારણે તેમના જીવ ગયા. મજૂરોના પક્ષે બેજવાબદારીની મર્યાદા હોવા છતાં તેમના પર બધો દોષ ન દઈ શકાય કારણ કે તેમને સુરક્ષા પ્રત્યે જાગ્રત કરવાનું કામ આપણે ત્યાં થતું નથી. હવે કેટલાક ઉદ્યોગો તેમને ત્યાં કાર્ય કરતાં મજૂરોને સુરક્ષાની ટ્રેનિંગ આપે છે પણ હજુ સુધી બાંધકામ ક્ષેત્રે તે શક્ય બન્યું નથી અને એટલે ગુજરાતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર છેલ્લા દોઢ દાયકામાં મૃત્યુ પામનારા મજૂરોની સંખ્યા 1285 સુધી પહોંચી છે.

આવા કિસ્સામાં સજા થતી નથી તેથી પણ સમયાંતરે આવી ઘટના બનતી રહે છે. થોડા દિવસ તે પ્રત્યે જાગ્રતિ આવે, લાગતાંવળગતાં વિભાગ સક્રિય થાય, પણ તે પછી બધું રાબેતા મુજબ ચાલે છે. રાજ્યમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મૃત્યુ થયેલાં મજૂરોનો 1285નો આંકડો RTI એપ્લિકેશન દ્વારા બહાર આવ્યો છે. 2008થી 2021ના વર્ષની તેમાં વિગત છે, જેમાં 1730 કન્સ્ટ્રક્શન સાઇટના અકસ્માત નોંધાયા છે. મૃત્યુની સાથે ગંભીર ઇજાનો આંકડો 445નો છે. આશ્ચર્યની વાત તો એ છે કે 2020માં જ્યારે લોકડાઉન અને કરફ્યુનો દોર રહ્યો તેમ છતાં એ વર્ષ દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇટ પર મૃત્યુનો આંકડો 74 રહ્યો હતો અને ગંભીર ઇજાગ્રસ્ત 10 હતા.

મજૂરોના અકસ્માતના કિસ્સામાં પગલાં લેવાતાં નથી તેમાં હાલમાં અમદાવાદમાં થયેલી આ ઘટના જ ઉદાહરણરૂપ બહાર આવી છે. પ્રકાશિત થયેલી વિગત મુજબ અમદાવાદના જ સેટેલાઇટ વિસ્તારમાં ‘ક્લાઉડ-7’નામની ઇમારતના કન્સ્ટ્રક્શન સાઇટ પર 2018માં અકસ્માત થયો હતો અને 3 મજૂરોના મૃત્યુ થયા હતા. આ સ્કીમમાં જે બિલ્ડર પાર્ટનર હતા, તે હાલમાં જે બીલ્ડિંગમાં અકસ્માત થયો છે તેમાં પણ પાર્ટનર છે. આવું થાય છે તેનું મુખ્ય કારણ બિલ્ડર્સ લોબી પ્રત્યે પોલીસ અને સિવિક બોડીનું નરમ વલણ છે. ગુના એ રીતે નોંધાતા નથી અને તેનું તે પછી ફોલો-અપ પણ થતું નથી. જો કે હાલમાં થયેલા અકસ્માતમાં બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર પર IPC 304 અને 114નો ગુનો નોંધવામાં આવ્યો છે.

કન્સ્ટ્રક્શન સાઇટ સુરક્ષિત નથી તે વાત અનેક વર્ષોથી ચાલતી આવી છે અને અત્યારે જ્યારે રિઆલ્ટી ક્ષેત્રે ઉછાળો આવ્યો છે ત્યારે આ ક્ષેત્ર વધુ અસુરક્ષિત બન્યું છે. હવે તો હાઇરાઇઝ બીલ્ડિંગ સામાન્ય થઈ ગયા છે, બીલ્ડિંગ નિર્માણ માટે અત્યાધુનિક ટેક્નોલોજી સુદ્ધાં આવી છે, પરંતુ હજુ જૂજ અપવાદોને બાદ કરતાં મજૂરોના કામના કલાકો અને સ્થિતિમાં કશો સુધારો આવ્યો નથી. આ વિશે કાઉન્ટરવ્યૂ નામના ન્યૂઝ પોર્ટલ પરના રાજીવ શાહના રિપોર્ટ મુજબ કન્સ્ટ્રક્શન સાઇટ વધુ રોજગારી આપતું ક્ષેત્ર હોવા છતાં તેમાં સુરક્ષાને લઈને કોઈ કડક માપદંડ નથી. ઉપરાંત આ સાઇટો પર કામ કરવું તે ઉદ્યોગોમાં કામ કરવા કરતાં પણ વધુ જોખમી છે. આ અંગે જે અભ્યાસ થયો છે તેમાં જે અકસ્માતના મુખ્ય કારણોમાંનું એક છે તે મજૂરોની સુરક્ષા પ્રત્યે અજાગ્રતિ. ઉપરાંત કોન્ટ્રાક્ટરોની બેદરકારી પણ છે. આ સિવાય સરકારના પક્ષે જે મર્યાદા છે તે એ કે ભારતમાં નિર્માણ પામી રહેલાં 506 યુનિટના ઇન્સ્પેક્શન માટે માત્ર 1 ઇન્સ્પેક્ટર છે. અને કન્સ્ટ્રક્શન સાઇટ પરના જે મુખ્ય વ્યક્તિ ગણાય તે સિવિલ એન્જિનિયર પણ સુરક્ષા બાબતે સભાન નથી.

હવે જ્યાં કરોડો રૂપિયાની ઇમારત નિર્માણ પામે છે તે જગ્યાઓ પર ક્ષુલ્લક બાબતને લઈને દર વર્ષે હજારો મજૂરોના જીવ જાય છે. મુંબઈના સેટેલાઇટ વિસ્તારમાં 2017માં પણ આવી ઘટના બની હતી. અહીં એક સાઇ મન્નત નામની મોંઘી સ્કીમ નિર્માણ પામી રહી હતી ત્યારે ત્યાં બે મજૂરો ઊંચાઇથી નીચે પટકાયા હતા. આ ઘટનાને એક ન્યૂઝ ચેનલે રિપોર્ટ કરી હતી. આ બે મજૂરોના મૃત્યુના થોડા દિવસ પછી જ આ બીલ્ડિંગમાં કોઈ સેફ્ટી વિના ફરી મજૂરો કામે લાગી ગયા હતા. આ પૂરા કિસ્સામાં મજૂરોની મજબૂરી છે ને બિલ્ડર્સ-કોન્ટ્રાક્ટરોની લાલચ. બીજું કે જેઓ ઇજાગ્રસ્ત છે તેમની તો નોંધ સુદ્ધાં લેવાતી નથી અને તેમના અકસ્માત સંબંધે પોલીસ ગુના પણ નોંધતી નથી. કન્સ્ટ્રક્શન સાઇટ પર અકસ્માત થાય અને જો કોઈ મજૂરને ઇજા થાય તો તે ગંભીર હોવાની શક્યતા વધુ હોય છે. આ કિસ્સામાં તે કામ નથી કરી શકતો અને બાકીનું જીવન તેને અન્યના આધારે ગુજરાન કરવું પડે છે કારણ કે તેની સુરક્ષાને લઈને કોઈ ઇન્સ્યોરન્સ પણ નથી. આ રીતે અનેક જોખમોથી કન્સ્ટ્રક્શન સાઇટ પર કાર્ય કરનારાં મજૂરો ઘેરાયેલા છે. તેમ છતાં તેઓ લાખોની સંખ્યામાં શહેરોમાં નિર્માણ પામતી ઇમારતોમાં કામ કરે છે, ઓછા વળતરે કામ કરે છે, ન્યૂનતમ સુરક્ષાએ કામ કરે છે અને સાથે ખરાબ સ્થિતિમાં કામ કરે છે. અને જ્યારે આ સ્થિતિમાં તેમનાથી કોઈ નાની અમથી ભૂલ થાય તો તેમને સીધું મોત મળે છે.

Most Popular

To Top