Charchapatra

માત્ર હેલ્મેટ જ નહીં, રોંગ સાઈડ આવતા વાહનોથી માંડીને અન્ય સુધારા પણ અકસ્માત રોકવા માટે જરૂરી

દેશમાં જેટલા લોકો બીમારીથી નથી મરતા તેનાથી અનેકગણા વધારે તેઓ અકસ્માતથી મોતને ભેટે છે. હાઈવે પર વાહનો વધુ સ્પીડમાં હોય અને અકસ્માત થાય તો મોત થાય તેવી સંભાવના વધારે છે પરંતુ એવા વિસ્તારો કે જ્યાં વાહનોની સ્પીડ પણ વધારે નહીં હોય, ત્યાં અકસ્માતમાં જો વાહનચાલક કે તેની પાછળ બેઠેલી વ્યક્તિનું મોત થાય તો તે ચિંતાજનક છે. જ્યાં ઓછી સ્પીડ હોય અને અકસ્માતમાં મોત થાય તો ત્યાં મોટાભાગે માથામાં થતી ઈજાઓ જવાબદાર હોય છે. આ કારણે જ દેશમાં મોટર વ્હીકલ એક્ટમાં ટુ-વ્હીલરના ચાલકો માટે હેલ્મેટ પહેરવી ફરજીયાત બનાવવામાં આવી છે. માત્ર ચાલક જ નહીં પરંતુ સાથે સાથે ચાલકની પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવી ફરજીયાત હોય છે. જોકે, સ્થિતિ એવી છે કે ભાગ્યે જ કોઈ હેલ્મેટ પહેરે છે અને તેને કારણે અકસ્માતમાં મોતના આંકડા વધી રહ્યા છે. અગાઉ પણ હાઈકોર્ટે ટુ-વ્હીલરના ચાલકો તેમજ તેની પાછળ બેસનારાઓ માટે હેલ્મેટ ફરજીયાત કરવાનો આદેશ કર્યો હતો અને હાલમાં પણ ગુજરાત હાઈકોર્ટે આ મામલે પોતાનો આદેશ જારી કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે, સરકાર લોકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે, ટુ-વ્હીલરની પાછળ બેસનારાઓ માટે પણ હેલ્મેટ ફરજીયાત કરે. આગામી 15 જ દિવસમાં આનું ફરજીયાત પાલન કરાવવામાં આવે. માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી થતી નથી. હાઈકોર્ટે ગુજરાત સરકારને આડે હાથે લેતાં કહ્યું હતું કે, ટુ-વ્હીલર પર લોકો ત્રણ સવારી બેસીને જાય છે અને ટ્રાફિક પોલીસ માત્ર મુકપ્રેક્ષક જ બની રહે છે. લોકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને કારણે લોકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવું જરૂરી છે. હાઈકોર્ટે ત્યાં સુધી કહી દીધું છે કે, રાજ્યમાં જાણે હેલ્મેટનો કાયદો જ અમલમાં નથી તેવી રીતે ટુ-વ્હીલર ચાલકો ફરી રહ્યા છે. માત્ર ચાલક જ નહીં, તેની પાછળ બેસનારાઓ એ પણ હેલ્મેટ ફરજીયાત રીતે પહેરવી જોઈએ. હાઈકોર્ટે કરેલી ટકોરને પગલે હવે આખા રાજ્યમાં હેલ્મેટ માટે સરકાર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવે તેવી સંભાવના છે.

હાઈકોર્ટે ટકોર તો કરી પરંતુ સરકાર એ જાણી લે કે માત્ર હેલ્મેટ પહેરવાનો જ અમલ કરાવવાથી ટ્રાફિકની સમસ્યાનો અંત આવી જવાનો નથી. ખરેખર પોલીસે રોંગ સાઈડ આવનારાઓને પકડવાની તાતી જરૂરીયાત છે. અનેક વખત રોંગસાઈડ વાહનો આવવાને કારણે અકસ્માતો થાય છે અને લોકો મોતને ભેટે છે. ટ્રાફિકના વ્યવસ્થિત નિયમન માટેની જવાબદારી ખરેખર પોલીસની છે પરંતુ ટ્રાફિક પોલીસના જવાનો એક તરફ ઊભા રહીને મોબાઈલ જોવામાં જ કાયમ વ્યસ્ત
હોય છે.

અનેક ટ્રાફિક સર્કલ તો એવા છે કે જ્યાં જે તે ટ્રાફિક પોલીસની ડ્યુટી હોવા છતાં પણ તેઓ હાજર જ હોતા નથી. પોલીસ ખાતામાં એવું કહેવામાં આવે છે કે જે જવાન ક્યાંય કામ નહીં લાગે તેને ટ્રાફિકમાં મુકી દેવો. એટલે કે સજારૂપે જ્યારે જે તે પોલીસ જવાનને ટ્રાફિકમાં મુકવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે જ આ પોલીસ પોતાની ફરજ બજાવતો નથી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેનો કોઈ જ ઉકેલ શોધી શક્યા નથી. ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે માટે ટ્રાફિક એન્જિનિયરિંગ પણ એટલું જ મહત્વનું છે. ડાબી તરફ જવા માંગતા વાહનો માટે અલગ લેનથી માંડીને રોંગ સાઈડ આવતા વાહનોને કેવી રીતે અટકાવી શકાય? થી માંડીને સિગ્નલિંગ સહિતની સુવિધા માટે જો યોગ્ય રીતે આયોજનો કરવામાં આવે તો અકસ્માતો અટકાવી શકાય. ખરેખર સરકારે ટ્રાફિકના પ્રશ્નને ગંભીરતાથી લેવો જોઈએ પરંતુ સરકાર દંડ વસૂલીને બેસી રહે છે અને તેનો ભોગ લોકો બની રહ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ પણ હવે જો સરકાર ટ્રાફિક મામલે નહીં જાગે તો વધુ લોકો અકસ્માતમાં મોતનો ભોગ બનતા રહેશે તે નક્કી છે

Most Popular

To Top