Charchapatra

કેવળ કાયદાથી બદલાવ નહીં વાલીઓએ પણ પોતાની માનસિકતા બદલવી પડશે

સમગ્ર દેશમાં કોચિંગ કલાસ માટેની નવી ગાઇડલાઇન બહાર પાડવાની તૈયારી કેન્દ્ર સરકારે કરી લીધી છે. કેન્દ્ર સરકારે શિક્ષણ વિભાગ દ્વારા સૂચવેલી ગાઈડ લાઇનમાં સૌથી મોટી અને મહત્ત્વની દરખાસ્ત એ છે કે કોઇ પણ કોચિંગ કલાસ 16 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા અથવા સેકન્ડરી એટલે કે દસમા ધોરણની પરીક્ષા આપવા માટે લાયક ના હોય એવા વિદ્યાર્થીઓ નહીં લઇ શકે. આ ઉપરાંત કોઇ પણ કોચિંગ કલાસ કે ઇન્સ્ટિટયુટ સારા ગુણ માર્કસ કે રેન્ક અંગે ગેરંટી કે ગેરમાર્ગે દોરનારું વચન (ખાતરી) નહીં આપી શકે.

એવા કોચિંગ કલાસની જ નોંધણી કરાશે કે જેમની પાસે વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવાની વ્યવસ્થા હશે. હકીકતમાં કોચિંગ કલાસના કારણે આપઘાતની વધતી ઘટનાઓ કે બાળકોમાં સર્જાતો તણાવ કે સ્ટ્રેસની સમસ્યાનો ઉકેલ સરકારી ગાઇડલાઇનમાં નથી પણ માતા પિતા કે વાલીઓ જોડે છે. વાલી કે માતા પિતા પોતાનાં બાળકોને નાની ઉંમરે કોચિંગ કલાસમાં મૂકી દે છે. તેઓને એવું જ લાગે છે કે પોતાનાં બાળકોને ટયુશન નહીં મળે તો તેઓ આગળ નહીં વધી શકે. આમ નાનાપણથી જ સારા માર્કસનું દબાણ આપવાનું શરૂ કરી દે છે. વાલીઓની આવી માનસિકતાનો પૂરેપૂરો લાભ કોચિંગ કલાસવાળાઓ ઉઠાવે છે.

વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ અભ્યાસ કરતા હોય છે અને ગુણ પ્રાપ્ત કરતા હોય છે પરંતુ કોચિંગ કલાસના લોભામણા દાવાઓ અને વાલીઓની મહત્ત્વાકાંક્ષા મુજબ માર્કસ નથી પ્રાપ્ત થતા તેથી વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર કરાય છે અને તેમાં જ વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ (તણાવ) વધે છે ને છેવટે તેનું પરિણામ આત્મહત્યા કે ડિપ્રેશનમાં આવે છે. એટલે કેવળ કાયદા નિયમથી આ સ્થિતિ નહીં બદલાય. કાયદા નિયમોની સાથે વાલીઓએ પોતાની માનસિકતામાં પણ બદલાવ લાવવો જ પડશે. ખરેખર તો બાળકોને જે વિષયમાં રસ રુચિ હોય તે જ ફેકલ્ટીમાં અભ્યાસ કરવાની છૂટ આપવામાં આવે તો તણાવ, ડિપ્રેશન અને આત્મહત્યાના બનાવો બનતાં અટકાવી શકાય તેમ છે.
પાલનપુર           – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top