Business

શ્રવણ નથી, પણ તો ય દીકરો છું

કેટલાક સંબંધો એવા હોય છે જેમાંથી છૂટકારો મળતો નથી. જીવનભર નિભાવવા પડે.’ રાધાબેન મંદિર સામે બેઠાંને બોલ્યાં. લાલાને દૂધ–દહીંથી નવડાવીને વસ્ત્રો પહેરાવીને મંદિરમાં પધરાવ્યો. પછી માખણ- મીસરીનો ભોગ ધરાવીને પડદો પાડી દીધો. લાલો ભોગ આરોગે ત્યાં સુધીમાં એમણે નિત્ય પાઠ કરી લીધા. ભોગ–ખેલ આરતી પતાવીને એમણે લાલાને પલંગમાં પોઢાડી દીધો. ઝારી–બંટો ભરી દીધા કે સીધા જ થેલીમાં ચણ લઇને ચબૂતરે ઊપડ્યાં.

ચબૂતરે ચણ નાંખીને ગૌશાળા ગયાં. ત્યાં દસ રૂપિયાનું ઘાસ ખદીરીને ગાયને નાંખ્યું. ચોખ્ખું ગાયનું દૂધ લાલા માટે લીધું અને સીધા ઘરે આવ્યાં. ઘરના વરંડામાં ખાટલા પર શ્ચાસ ખાવા બેઠાં અને બૂમ પાડી, ‘વહુ દૂધ–પાણી લાવજો. શિરામણમાં ઠાકોરજીનો પ્રસાદ લેતાં આવજો.’વહુ શિરામણ(સવારનો નાસ્તો)માં ભગવાનને ભોગ ધરાવ્યો હતો તેમાંથી મોહનથાળનું બટકું, સફરજન–કેળાના કટકા અને કાજુબદામ ભરેલા વાટકા સાથે કેસરી દૂધ લઇને આવી. રાધાબેને એમાંથી અડધો પ્રસાદ વહુ સ્મિતાને ખાવા આપ્યો અને અડધો પોતે ખાધો. શુધ્ધ સામગ્રીથી ભોગ બનતો અને રાધાબા એ જ ખાતાં એટલે સિત્તેર વર્ષની ઉંમરે પણ કડેધડે હતાં. ચામડી અને વાળ પણ એકદમ ચમકદાર, ત્રીસ–પાંત્રીસની ઉંમરે હોય તેવા. સ્વભાવથી ફૂલ ગુલાબી. રસ્તે જતાંને પણ જયશ્રી કૃષ્ણ કહી બોલાવે.

પણ એમની વહુ સાવ મૂંગી. જરાય મોં હસતું જ ન હોય. હતી ચાલીસની પણ દેખાવથી પચાસની લાગતી. બસ કારણ કહો તો સ્વભાવ. રાધાબા આદર્શ સાસુ હતાં. વહુને દીકરી જેમ રાખતાં. પણ મૂળ સ્મિતાનો સ્વભાવ વાંધાબેન. જ્યાં ને ત્યાં વાંધા પડે. સૌથી મોટો વાંધો એ જ હતો કે રાધાબા આદર્શ સાસુ હતાં. ઘણી વાર સ્મિતાને થતું કે સાસુ વધુ પડતી સારી છે તેમાં જ એ જુદી થઇ નથી શકતી. સાસુ ખરાબ હોય તો ફટ દઇને જુદું થઇ જવાય એટલે એનું મોઢું કાયમ ચડેલું જ રહેતું.

રાધાબેને પ્રસાદ સાથે થાક પણ ખાઈ લીધો. સવારે સાડા પાંચ વાગે ઊઠી જતાં. ઘરમાં કચરો કાઢતાં અને પછી પોતાની ચા બનાવીને શાંતિથી બહાર વરંડામાં બેસીને પીતાં. પછી નાહી–ધોઇને સેવા કરવા બેસતાં કે સીધા વાગે દસ. ત્યાં સુધીમાં વહુ- દીકરો ઊઠતાં, દીકરો નાહીધોઈ પરવારીને દુકાને જતો અને વહુ પરવારીને મોબાઇલ લઇને સોફા પર ગોઠવાઇ જતી. ન પૂજાપાઠ, ન દેવદર્શન. એ ભલી ને એનો મોબાઇલ ભલો. રાધાબા સવારનો નાસ્તો અને બે ટાઈમ જમવા સિવાય દીકરા–વહુની લાઇફમાં કોઇ દખલગીરી કરતા નહિ.

બસ સ્મિતાને એ જ વાંધો હતો. એ ઝઘડો કરવાની રાહ જોતી પણ રાધાબા એને એક પણ તક આપતાં નહીં. ‘સ્મિતા, ગણેશચતુર્થી આવે છે આપણે પૂજા કરીશું ને!’ ‘મમ્મી તમે આ પૂજાપાઠ કર્યાં કરો છો તે મને નથી ગમતું. તમારી પાછળ મારે ય દોડવું પડે છે.’ હકીકત એ હતી કે દર વર્ષે ગણેશપૂજાની બધી તૈયારી રાધાબા જ કરતાં. સવારે વહેલા ઊઠીને લાડવા બનાવવાથી લઇને ફૂલ–તુલસી લાવવા સુધીનું બધું જ કામ રાધાબા કરે. વહુ દીકરાએ માત્ર આરતી સમયે હાજર રહેવાનું હોય.

સ્મિતાના જવાબથી રાધાબાને ધ્રાસકો પડયો. ‘આખા વર્ષમાં માત્ર એક વાર ગણેશપૂજા કરતાં આવ્યાં છીએ. તે પણ ન કરીએ તો ઘરમાં રિધ્ધિ સિધ્ધિ કેમ રહે?’ રાધાબાનો જવાબ સ્મિતાએ ફટ દઇને આપી દીધો, ‘એવું કાંઇ ન હોય. એ તો તમારી મહેનત અને લગનથી ઘરમાં પૈસા આવે એટલે આ વર્ષે મારે પૂજા નથી કરવી.’ સ્મિતાએ આપણેની જગ્યાએ મારે શબ્દ વાપર્યો એ રાધાબાને ખૂંચ્યું છતાં હસતું મોં રાખીને એણે કહી દીધું, ‘જેવી તારી ઇચ્છા!’ સ્મિતાને હતું કે રાધાબા સાથે ગણેશપૂજા કરવા માટે થઇને ચોક્કસ ઝઘડો થશે પણ થયો નહીં. પણ બે દિવસ પછી રાધાબાનો દીકરો જનક જમતી વખતે પૂછી બેઠો, ‘મમ્મી, કાલે લાડવા બનાવે તો એની સાથે ભજિયાં પણ કરજે.’ રાધાબાએ સ્મિતા સામે નજર કરી. સ્મિતાએ જવાબ આપી દીધો, ‘હવે એવી પૂજા નથી કરવાના એટલે લાડવા નહીં બને.’

જનક નવાઈથી બન્ને સામે તાકી રહ્યો. બે–ચાર દિવસમાં ગણેશચતુર્થી હતી. બજારમાં ભીડ હતી, લોકોને નવા બાજઠ, પૂજાસામગ્રી ખરીદી કરતાં રાધાબા જોઇ રહેતાં. એમનું મન ચચરતું હતું. આ ઘરમાં લગ્ન કરીને આવ્યાં ત્યારથી એમણે જોયું છે કે ઘરમાં દર વર્ષે ગણેશપૂજા થાય છે. સાસુ–સસરાના ગયા પછી એમણે આ પરંપરા જાળવી રાખી હતી પણ હવે સ્મિતાના કહેવાથી બંધ કરવી પડશે. ગણેશચતુર્થીના દિવસે હવેલીથી દર્શન કરીને આવ્યાં અને હજુ તો નાસ્તો કરીને પરવાર્યાં ત્યાં જનક ગાડી લઇને આવ્યો, ‘મમ્મી, ચાલને મારે જરાક તારું કામ છે.’

જનકને જોઇને સ્મિતાને પણ નવાઇ લાગી. હજુ તો આઠ વાગે દુકાને ગયો હતો અને તરત પાછો પણ આવ્યો. જનક સાથે રાધાબા દુકાને પહોંચ્યાં ત્યાં તો એણે જોયું દુકાને બારણામાં આસોપાલવનાં તોરણ બંધાયાં છે. એક બાજુ સફેદ ગાદી–તકિયાં અને એક બાજુ બાજઠ પર ગણપતિ બિરાજ્યા છે. સામે લાડવા અને પંચામૃત છે. આરતી માટેની થાળીમાં રૂની ઘી પૂરેલી વાટ પણ તૈયાર હતી.  ‘ચાલ મમ્મી આપણે ગણેશપૂજન કરીએ.’ જનકે માને પાટલા પર બેસાડી. રાધાબા ભાવવિભોર થઈને જોઇ રહ્યાં. જનકે એમની દોરવણી હેઠળ શ્લોક બોલી પૂજાપાઠ કર્યાં. છેલ્લે આરતી પછી થાળ ધરીને મા–દીકરો શાંતિથી બેઠાં એટલે તરત રાધાબાએ પૂછી લીધું, ‘બેટા, બીજું બધું તો ઠીક, તું લાડવા ક્યાંથી લાવ્યો? તને ખબર છે હું બજારની મિઠાઇ ઠાકોરજીને ધરતી નથી.’

જવાબમાં જનક હસી પડ્યો, ‘મમ્મી, બધું થઈ શકે જો કરવું હોય તો.’ સ્મિતાનો આડકતરો ઉલ્લેખ કર્યા વિના જનક બોલ્યો, ‘હું તારો દીકરો છું એટલે સ્મિતા કરતાં પહેલી મારી ફરજ છે કે હું તને ખુશ રાખું. મેં લાડવા દુકાનના માણસ પાસે એના ઘરે બનાવ્યા.પંચામૃત પણ ત્યાં જ બનાવ્યું. બસ એક જ કમી છે કે તારા ગણપતિ નથી. મારે બહારથી વેચાતા લાવવા પડ્યા.’ દીકરાએ આટલી મહેનત કરી તેથી રાધાબા ખુશ થઈ ગયાં. દીકરાને ઘરના ઠાકોરજીની પૂજા ન થઇ તેનો અફસોસ ન થાય એટલે, ભોગ ધરાઇ ગયો હતો તે લાડવાનો પ્રસાદ લઇને રાધાબાએ જનકને લાડવો ખવડાવતાં કહ્યું, ‘ભગવાનનું ભજન કરવું હોય ત્યારે ભેદ શું રાખવા? ઘરના કે બહારના ગણપતિ તો છે ને!’ રાધાબાએ પણ પ્રસાદ મોઢામાં મૂક્યો.

Most Popular

To Top