Business

ન ખાન, ન ચોપરા, ન કુમાર… બસ આલિયા… નામ હી કાફી હૈ

આલિયા ભટ્ટ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ની રજૂઆત સાથે જ બધાની ચર્ચાનું કેન્દ્ર બની જશે. વીત્યાં બે વર્ષથી તેની કોઇ ફિલ્મ રજૂ નથી થઇ પણ તેને એ ખાલી સમય વિશે કોઇ અફસોસ નથી કારણ કે તે અત્યંત મહત્ત્વની ફિલ્મોના શૂટિંગમાં આ દરમ્યાન વ્યસ્ત હતી. ફિલ્મજગતમાં કેટલાક જ એકટરો એવા છે જે એક ફિલ્મ અને બીજી ફિલ્મ વચ્ચે લાંબો ગાળો રહેતો પણ બેચેન નથી થતા. આમાં તેમનું કળાકાર તરીકેનું કોન્ફિડન્સ જવાબદાર છે. આમીરખાન, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા આવા બેફિકર પણ કમિટેડ આર્ટિસ્ટ છે.  આલિયાએ આ પહેલાં સંજય લીલા ભણસાલીની એક પણ ફિલ્મમાં કામ નથી કર્યું. ઐશ્વર્યા રાય પછી સંજય ભણશાલીની પસંદ દીપિકા પાદુકોણ બની હતી અને હવે આલિયા છે.

આલિયા અત્યંત સાહજિકતાથી પાત્રના ચરિત્રને, બોડી લેંગ્વેજને પકડે છે. મહેશ ભટ્ટની એ એવી દીકરી છે જે મહેશ ભટ્ટ સાથે કામ કર્યા વિના અભિનયની સૂક્ષ્મતા કેળવી શકી છે. ‘સડક-2’ ના અપવાદ સિવાય આલિયાએ પિતાની ફિલ્મમાં કામ નથી કર્યું અને તેને એવી જરૂર પણ નથી પડી. સંજય ભણસાલી એકદમ ખુશ છે કે અલિયાએ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ તરીકે અફલાતૂન કામ કર્યું છે. ભણશાલીની દરેક ફિલ્મોમાં સ્ત્રીપાત્ર અત્યંત પ્રભાવક રીતે નીખરી આવે છે – ઐશ્વર્યા, રાની મુખરજી, દીપિકા પાદુકોણે, પ્રિયંકા ચોપરાની ભણશાલી સાથેની ફિલ્મોનાં પાત્રો તેનાં ઉદાહરણ છે. ભણશાલી તેની દરેક ફિલ્મ માટે સમય લે છે કારણ કે ફિલ્મના દરેક પાસાને તે કળાકીય ઉચ્ચતા બક્ષે છે. આલિયાને આ કારણે આ ફિલ્મમાં ખૂબ મઝા આવી છે. હિન્દી ફિલ્મોનાં વેશ્યાનાં ચરિત્રોમાં આ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ ખાસ બની રહેશે. આલિયાની કમાલ એ છે કે તે એક તરફ સાવ નિર્દોષ ચહેરો ધરાવે છે અને અહીં તે જીવનના કઠોર અનુભવો વચ્ચે પણ નેતૃત્વ સિધ્ધ કરે છે.

આલિયાની ‘આરઆરઆર’ પણ ૨૫ મી માર્ચે જ રજૂ થઇ રહી છે. મતલબ એક જ મહિનાના સમયગાળામાં તેની બે મોટી ફિલ્મ પ્રેક્ષકો જોશે. કોરોનાની ત્રીજી લહેર પછી અને હકીકતે આ દિવાળી પછી રજૂ થયેલી કેટલીક ફિલ્મોમાં આલિયાની આ બન્ને ફિલ્મો વેરી વેરી સ્પેશ્યલ છે. પણ મઝાની વાત એ કે તે આવી વાતોનો બહુ પ્રચાર નથી કરતી. બાકી તેની ‘બ્રહ્માસ્ત્ર’, ‘એનટીઆર 30’, ‘ડાર્લિંગ્સ’, ‘રોકી ઓર રાનીકી પ્રેમ કહાની’, ‘જી લે જરા’ પણ આ વર્ષે જ રજૂ થવાની છે. આલિયા નવી પેઢીની એ એકટ્રેસ છે, જેને સલમાન, આમીર, શાહરૂખ, ઋતિક યા અક્ષયકુમાર જેવા સ્ટાર્સનો આધાર લેવો નથી પડયો. આલિયા સાથે કામ કરવું હોય તો આ સ્ટાર્સે પણ ખાસ બનવું પડે એવી સ્થિતિ છે. આલિયાને બે હીરો યા બે હીરોઇન ફિલ્મોની ય જરૂર નથી પડતી. તેણે એવી બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે જે મનોરંજકતાના પ્રચલિત માળખાને અનુસરતી હોય. રાજકુમાર હીરાની યા રોહિત શેટ્ટી યા આદિત્ય ચોપરા કે સુરજ બડજાત્યા વિના પણ તે ઇમ્પેકટ ઊભો કરી શકી છે. આ વર્ષ તેના માટે વધારે ખાસ બનવાનું છે. રણબીર કપૂર સાથેના સંભવિત લગ્ન તો આ ‘ખાસ’ના કારણમાં છે જ પણ આલિયા નિર્મિત ‘ડાર્લિંગ્સ’ પણ આ વર્ષે જ રજૂ થવાની છે. આલિયા તરત જણાય નહીં પણ આપણા ફિલ્મોદ્યોગની બહુ ખાસ અભિનેત્રી છે.

Most Popular

To Top