Business

મેગા ટેક્સટાઈલ પાર્ક માટે જમીન નહીં મળતા હવે આ ચાર વિસ્તારમાં શોધખોળ શરૂ

સુરત: ભારત સરકાર (Indian Governmet) દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગને (Textile Industry) પ્રોત્સાહન આપવા માટે દેશમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક (Mega Textile park) નિર્માણ કરવા માટેની ગાઇડલાઇન જાહેર થયા પછી સુરતમાં મેગા પાર્કની કમિટીના આગેવાનો દ્વારા જમીનની (Land) શોધ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની મુખ્ય શરતમાં 1000 એકર જમીનની જોગવાઇ હોવાથી આગેવાનો દ્વારા ઓલપાડના મૂળદ, નવસારીના વાસી-બોરસી, સચીન જીઆઇડીસી નજીક ઉંબેર-તલંગપોર અને હાંસોટ તાલુકામાં વમલેશ્વર-કન્ટીયાજાળમાં જમીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તથા આ મામલે સુરત, નવસારી અને ભરૂચ કલેકટરનો સહયોગ પણ મેળવવામાં આવ્યો છે. ચાર વિસ્તારની જમીનોમાં સીઆરઝેડ લાગુ પડે છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.

મેગા ટેક્સટાઇલ પાર્કની એસપીવી કમિટીના અગ્રણી બી.એસ. અગ્રાવલે જણાવ્યું હતું કે, ત્રણ જિલ્લાઓમાં ચારેક જગ્યાએ એક હજાર એકર જમીન મળી રહે તેમ છે. જો સચીન જીઆઇડીસી નજીક ઉંબેર-તલંગપોરમાં અથવા ઓલપાડના મૂળદમાં જમીન મળી રહેતી હોય અને સીઆરઝેડનો પ્રશ્ન ઉભો ન થતો હોય તો ટેક્સટાઇલ સિટીમાં નજીકના આ બે વિસ્તારોમાં મેગા ટેક્સટાઇલ પાર્ક લાવી શકાય તેમ છે. તેનાથી સ્થાનિક લોકોને પણ રોજગારી મળી શકે છે. તે ઉપરાંત સરકારે શહેરના આભવાથી ઉભરાટને જોડતા બ્રિજની જાહેરાત કરી છે તે પ્રમાણે નવસારીના જલાલપોર તાલુકાના વાસી-બોરસી વિસ્તારમાં પણ એક હજાર એકર જમીન ઉપલબ્ધ થઇ શકે છે.

હાઈવે, પોર્ટ અને દરિયા નજીક જમીનની શોધખોળ

મેગા ટેક્સટાઇલ પાર્કના નિર્માણ માટે 40 લાખ ચોરસ મીટર જમીનની જરૂરિયાત છે. કમિટીએ સરકારને પીપીપી મોડ પર આ પાર્ક નિર્માણ કરવા દેવા અપીલ કરી છે. જે લોકેશન શોધવામાં આવ્યા છે તે તમામ દરિયાઇ વિસ્તારની નજીકના છે. હાઇ-વે પણ તેની નજીક છે અને પોર્ટ સુવિધા પણ નજીકમાં મળી શકે તેમ છે. કેન્દ્ર સરકારની મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ્સ રિજીયન એન્ડ એપેરલ પાર્ક (પીએમ મિત્રા) યોજના ગુજરાતમાં સુરતના ઉદ્યોગકારો સાકાર કરી શકે તેમ છે. કારણ કે અહીં ઇકો સિસ્ટમ પણ શરત પ્રમાણે સ્થાપિત થયેલી છે.
જો જમીનની ફાળવણી થશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિદેશી મૂડી રોકાણ પણ વધી શકે છે.

એક પાર્કના નિર્માણ પાછળ 1700 કરોડનો ખર્ચ કરાશે

ટેક્સટાઇલના ઇતિહાસમાં છેલ્લા 60 વર્ષથી ભારતની એમએમએફ (MMF) ટેક્સટાઇલ ચેઇન સુરતમાં જ સ્થાપિત થયેલી છે તેને વધુ વેગ મળશે. કેન્દ્ર સરકાર ગ્રીનફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ માટે અનુક્રમે આ પાર્ક માટે 500 અને 200 કરોડ ફાળવશે. ઉદ્યોગકારોની એસપીવી કંપની પણ મૂડી રોકાણ ઉભુ કરી રાજ્ય સરકારના હિસ્સા સાથે 1700 કરોડના ખર્ચે એક પાર્કનું નિર્માણ કરી શકશે. બી.એસ. અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે મેગા ટેક્સટાઇલ પાર્ક માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રેઝન્ટેશન રજૂ કરાશે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે મેગા ટેક્સટાઇલ પાર્કથી સુરતના એમએમએફ ઉદ્યોગનો જોરદાર વિકાસ થશે. ખાસ કરીને હવે જયારે ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ અને પ્રોસેસીંગ એકમો માટે મોટી જમીનો મળી રહી નથી ત્યારે આ પાર્કમાં આ પ્રકારના મેન્યુફેકચરીંગ એકમો સ્થાપિત થઇ શકશે. તે ઉપરાંત ગારમેન્ટીંગ ક્ષેત્રને પણ તેનો લાભ મળશે.

Most Popular

To Top