એક દિવસ પ્રવચનમાં પ્રવચનકારે ઘણી ઘણી રીતે સમજાવ્યું કે જીવનમાં સદા સર્વદા સુખી રહેવું હોય તો આપણે સંતોષી બનવું જોઈએ. સદા સંતોષ રાખવો જોઈએ. પ્રવચન બાદ પ્રશ્નોતરીના સમયમાં એક યુવાને પ્રશ્ન કર્યો, ‘કે આજે ઘણી ઘણી સમજ આપી કે સંતોષી બનવું અને હંમેશા સંતોષ રાખવો તે તો સમજાયું પણ મને એ નથી સમજાતું કે આ સંતોષ રાખવો કઈ રીતે …તમે તો જાણો જ છો કે અમારા જેવા સામાન્યજનના મનમાં એક નહિ અનેક ઇચ્છાઓ હોય છે અને એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી ઈચ્છા મનમાં ઉગી જ નીકળે છે અને બીજી વાત કે ઘણું બહુ હોય છતાં એક વસ્તુ ન મળે તો મન જે મળ્યું છે તે બધો આનંદ ભૂલીને જે નથી મળ્યું તેના પર ધ્યાન આપી દુઃખી રહે છે એટલે કયારેય આંદિત રહી શકાતું નથી.તમે સમજાવો કે સંતોષી બનવા શું કરવું??’
પ્રવચનકાર બોલ્યા, ‘ભાઈ હું કહું કે સંતોષી બનો એજ રસ્તો સાચો છે…પણ તારો પ્રશ્ન પણ આંખ ઉઘાડનારો છે કે માત્ર સંતોષી બનો કહેવાથી વાત નહિ બને સંતોષી બનવા શું કરવું તે પણ જણાવવું જરૂરી છે.જો દોસ્ત, સંતોષી બનો કહેવું સહેલું છે પણ બનવું બહુ અઘરું છે.સંતોષી બનવા મન પર ધીમેધીમે અંકુશ રાખવો પડે,ધીમેધીમે ઇચ્છાઓને કાબુમાં કરતા શીખવું પડે,જે મળે અને જેટલું મળે તે સ્વીકારવું પડે.અને હું એએમ નથી કહેતો કે નવી નવી ઇચ્છાઓ ન કરો ,ઈચ્છા કરો પણ તે બધીજ ઇચ્છાઓ પૂરી થાય તેવી જીદ ન રાખો.’ યુવાન બોલ્યો, ‘પણ મનમાં તો એક નહિ અનેક ઈચ્છાઓ જગ્યા કરે તો મનને સમજાવવું કઈ રીતે ??’
પ્રવચનકારે કહ્યું, ‘મન ભલે ઈચ્છા કરે મર્સિડીસ કે રોલ્સરોયસ લેવી છે પણ તમારી શક્તિ વેગનાર ખરીદવાની હોય તો તે ખરીદો અને મનને સમજાવો કે ગાડી છે તેનો સાચો આનંદ માણવો જરૂરી છે…મર્સિડીસ ન ખરીદી શક્યાનું કાલ્પનિક દુઃખ અનુભવવાની જરૂર નથી. જો દોસ્ત, મનને કાબુમાં કરતા તો ધીમે ધીમે શીખાશે. સૌથી પહેલા મનને એક સત્ય કાયમ માટે ઠોકી વગાડીને શીખવાડી દેવું કે ‘બધું બધાને નથી મળતું એટલે જે મળ્યું છે તે સ્વીકારી લેવું અને તેમાં ખુશ રહેવું છે કે જે નથી મળ્યું તેમાં દુઃખી રહેવું છે તે નક્કી કરવું…જે દિવસે આ વાત સ્વીકારી લેશો તે દિવસથી જીવનમાં આનંદની વૃદ્ધિ થતી રહેશે.’- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે