ભાઈજાન સલમાનની છેલ્લી ફ્લોપ સિકંદરનું બોક્સઓફિસ પર જે બ્લન્ડર થયું તેની ચર્ચા હજી ચાલી રહી છે. કારણ કે ત્રણેય ખાનોમાંથી શાહરુખ અને આમિર એ પોતાની છબી ફરી બનાવી લીધી છે. ફ્લોપના ડાઘ દૂર કરી બંનેએ કમબેક કર્યું જ્યારે ભાઈજાન સલમાનને પણ એવી આશા હતી કે સિકંદર તેમને ફરી ‘ધ ગ્રેટ’ બનાવશે પણ તેવું થયું નહીં. લગભગ 200 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ‘સિકંદર’ એક મેગા પ્રોજેક્ટ તરીકે બનાવવામાં આવી હતી. એવી અપેક્ષા હતી કે આ ફિલ્મ સલમાનની બ્લોકબસ્ટર ફિલ્મોની યાદીમાં સામેલ થશે. પરંતુ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ટોટલ કલેક્શન માત્ર 185 કરોડ રૂપિયા કર્યું, જો કે રિલીઝ પહેલા સલમાન ભાઈ મુરુગાદોસની અને મુરુગાદોસ-સલમાનની ખૂબ તારીફ કરી રહ્યા હતા.
તમિલ, તેલુગુ અને હિન્દી ત્રણેય ભાષાઓમાં કામ કરનારા મુરુગાદોસ હવે ફિલ્મની નિષ્ફળતાનો દોષી ઠરાવવા મુર્ગાને શોધી રહ્યા છે. તેમાં એ.આર મુરુગાદોસે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે સલમાન સાથે શૂટિંગ કરવું સરળ નથી. તેમનું કહેવું છે કે સલમાન રાત્રે 8 વાગ્યા પછી સેટ પર આવતા હતા. આવી સ્થિતિમાં, સવારનો સીન હોય કે બપોરનો શૂટિંગ રાત્રે જ કરવું પડતું હતું. જે વહેલી સવાર સુધી ચાલતું અને સલમાન સેટ પર પહોંચે ત્યાં સુધીમાં અન્ય કલાકારોની ઊર્જા લગભગ ખતમ થઈ ગઈ હતી. જો આ વાત સાચી હોય તો ભાઈજાન સવારથી રાત શું કરે છે તે જાણવું વધારે મજેદાર હશે.

મુરુગાદોસે એનો કિસ્સો શેર કર્યો. સ્ક્રિપ્ટમાં બાળકો સાથે દિવસ દરમિયાનના દૃશ્યો હતા, પરંતુ સલમાનના સમયને કારણે, આ દૃશ્યો પણ રાત્રે 2 વાગ્યે શૂટ કરવા પડતા હતા. આ સમય બાળકો માટે ખૂબ જ કંટાળાજનક હતો.
જો કે સલમાનની સામે વેર ન રાખવું જોઈએ એ વાત સમજતા દિગ્દર્શકે સ્પષ્ટતા કરી કે સલમાન ખાન જેવા મોટા સ્ટાર સાથે કામ કરવું એ સન્માનની વાત છે, પરંતુ તે ઘણા પડકારો સાથે પણ આવે છે. દરેકને સલમાનના સમય સાથે એડજસ્ટ થવું પડે છે. મુરુગદાસે એ પણ સ્વીકાર્યું કે સલમાન તેના કામ પ્રત્યે ખૂબ જ પ્રોફેશનલ છે. આગળ તેમણે ભાષા પર ફ્લોપનો દોષ નાખતા કહેલું કે ‘એક વાર માટે, હું તેલુગુ ફિલ્મો લઈ શકું છું પણ હિન્દી માટે કામ નહીં કરાશે કારણ કે હું સ્ક્રિપ્ટ લખું, પછી તેનો અંગ્રેજીમાં અનુવાદ કરે છે. પછી તેનો હિન્દીમાં અનુવાદ થાય છે. હું ફક્ત અનુમાન કરી શકું છું કે દૃશ્યમાં શું થઈ રહ્યું છે, પરંતુ હું તેને વિગતવાર સમજી શકતો નથી. એટલે કોઈ અજાણી ભાષા અને જગ્યાએ ફિલ્મ બનાવો છો, ત્યારે એવું લાગે છે કે તમે અપંગ હોવ. એવું લાગેે કે તમારા હાથમાં કંઈ નથી! (જો કે ‘સિકંદર’ પહેલી હિન્દી ફિલ્મ નહોતી. તેણે ‘હોલિડે અને 2008માં, ‘ગજની’ ફિલ્મ હિન્દીમાં બનવી હતી. જે બંને હિટ હતી અને રિમેક પણ) આ આરોપો પર સલમાન ખાને હજી કંઈ પ્રતિક્રિયા આપી નથી તે આવનારી ફિલ્મ બેટલ ઓફ ગલવાનનાં શૂટિંગમાં બીઝી છે (જે કદાચ રાતે 8થી સવાર સુધી થતું હશે?) •