વડોદરા: શહેરમાં રાજ્યનો સૌથી લાંબો ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે પરંતુ તેમાં સૌથી ઓછા સમયમાં તિરાડો પડી હોવાની ઘટના સામે આવી છે. શહેરના અટલ બ્રિજ ઉપરના સર્વિસ બ્રિજ ઉપરની સાઈડની દીવાલો ઉપર તિરાડો પડી હતી. અને આજે સવારથી આ તિરાડો પૂર્વની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. જો કે ઉહાપોહ બાદ તંત્ર દોડતું થઇ ગયું હતું અને મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓ તાબડતોબ સ્થળ ઉપર દોડી ગયા હતા. અને ત્યાં નિરીક્ષણ બાદ આ તિરાડ નહિ પરંતુ જોઈન્ટમાં પુરાણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ દેખાતી તિરાડો પુરી ભ્રષ્ટાચારને સંતાડવામાં આવી રહ્યો હોવાની લાગણી શહેરજનોંને થઇ હતી.
રાજ્યમાં વિકાસના નામે અનેક રોડ રસ્તાઓ અને અનેક ફ્લાય ઓવર બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ મોટા મોટા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર પણ એટલો જ મોટો થતો હોવાનું છતું થઇ રહ્યું છે. બ્રિજના નિર્માણ સમયે કોન્ટ્રાક્ટર દ્વારા તેની 10 વર્ષની વોરંટી આપવામાં આવે છે અને તે સમયગાળા દરમિયાન જો કઈ પણ થાય તો તેનું સમારકામ કરવાની જવાબદારી લેવામાં આવે છે પરંતુ કેટલાય એવા કિસ્સાઓ છે જેમાં બ્રિજના નિર્માણ બાદ તેના લોકાર્પણના થોડા જ સમયમાં તંત્રની પોલ ખુલ્લી પડી જાય છે. શહેરમાં રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ બનાવવામાં આવ્યો. અનેક અવરોધો વચ્ચે આ બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું.
25 ડિસેમ્બર 2022 ના રોજ રાજ્યના મુખ્ય પ્રધાનના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો. અને માત્ર પાંચ જ મહિનાના સમય ગાળામાં આ બ્રિજના સર્વિસ બ્રિજ ઉપર તિરાડો જોવા મળી હતી. આજે સવારથી આ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે શું આ બ્રિજની હાલત પણ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ જેવી થશે? સરકાર આટલા બધા નાણાં બ્રિજના નિર્માણ અને વિકાસ માટે ખર્ચે છે ત્યારે બ્રીજનું નિર્માણ કેવી રીતે થયું છે અને તેની ગુણવત્તા કેવી છે તે જોવાની જવાબદારી પણ સરકારની જ છે. પહેલાના સમયમાં બ્રિજ વર્ષો વર્ષ સુધી ચાલતા હતા અને હવે માત્ર ગણતરીના વર્ષોમાં ખખડધજ થઇ જાય છે ત્યારે ક્યાં કચાશ રહે છે તે સરકારે જોવું પડશે.
તિરાડ નથી બે સેક્શન વચ્ચેનો જોઈન્ટ છે
બ્રિજની નીચે આ બે સેક્શન વચ્ચેનો ગેપ છે આ તિરાડ નથી. બ્રિજની સ્ટ્રેન્થ સારી જ છે તેમાં કોઈ ચિંતાજનક બાબત નથી. આ તિરાડ નથી બે સેક્શન વચ્ચેના ગેપના કારણે તિરાડ જેવું લાગે છે . તે માત્ર બ્રિજને સપોર્ટ કરવા માટે હોય છે તેના ઉપર પુલ ટકેલો નથી હોતો. જેથી આ માત્ર બે સેક્શન વચ્ચેની ગેપ જ છે. – દિલીપ રાણા : મ્યુ. કમિશ્નર, મનપા
વિકાસમાં ક્વોલિટી હોય ક્વોન્ટિટી નહિ
શહેર એ સયાજીરાવ ગાયકવાડની નગરી છે અને આ શહેરમાં ક્વોલિટી હોવી જોઈએ ક્વોન્ટિટી નહિ. આ બ્રિજ બનાવવાની કોઈ જરૂર જ ન હતી છતાં ભ્રષ્ટાચાર ક્યાંથી કરવો તેવું વિચારવાવાળાઓએ આ બ્રિજ બનાવડાવ્યો છે. બ્રિજની ગુણવત્તાની તપાસ થવી જોઈએ અને કસુરવારો સામે પગલાં ભરવા જોઈએ
– ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ : નેતા વિરોધ પક્ષ, મનપા
બ્રિજના ફિટનેસ સર્ટિ. ઓનલાઇન મુકવા જોઈએ
શહેરમાં નવા નવા બ્રિજ તો બનાવવામાં આવે છે પરંતુ તેની ગુણવત્તા કેટલી છે તે અંગે તંત્ર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવા જોઈએ અને આ ફિટનેસ સર્ટિફિકેટ ઓનલાઇન પણ મુકવા જોઈએ જેથી પ્રજા પણ જાણી શકે કે આ બ્રિજની ગુણવત્તા કેટલી છે. ત્યારે એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે નવા બ્રિજના નિર્માણ બાદ તંત્ર દ્વારા સમયાંતરે તેની ચકાસણી કરવી જોઈએ.
પાલિકા જે કામ કરે છે તે પ્રજાલક્ષી હોય છે કે કોઈને ફાયદો કરાવવાના
શહેરના એક જાગૃત નાગરિક કલ્પેશ પટેલ દ્વારા આ બ્રિજની ગુણવત્તા અંગે 26.2.2023 ના રોજ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને લેખિતમાં પાત્ર લખીને રજુઆત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે અટલ બ્રિજ ઉપર પણ રોડ ઉપરથી કપચી ઉખાડવાના બનાવ બન્યા છે જનતાના વેરા અને સરકારની ગ્રાન્ટના 230 કરોડ ઉપરાંત ખર્ચ થયો છે તો તેની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉભા થયા છે. પાલિકા જે કામ કરે છે તે પ્રજાલક્ષી હોય છે કે કોઈને ફાયદો કરાવવાના તેવા આક્ષેપો પણ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યા હતા.
ડામર પીગળી જતા બ્રિજ બંધ કરાયા
કરોડો ના ખર્ચે બનાવેલા આ બ્રિજ પર પાણી ફરી વળ્યું છે.રસ્તા પરનો ડામર પણ પીગળી ગયો છે.આથી હાલમાં રસ્તા પર રેતી પાથરી એક તરફનો બ્રિજ પણ બંધ કરી દીધો છે. હાલ ચકલી સર્કલ પરથી બ્રિજ ઉપર ચડાવનો રસ્તો બંધ છે. તો બીજી તરફ રોકસ્ટાર સર્કલથી બ્રિજ ઉપર ચડવાનો રસ્તો બંધ છે. આ બંને રસ્તા પર ડામર ઓગળી જતા રેતી પાથરવામાં આવી છે અને હાલ રાહદારીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે.આ જોઇને વાહનચાલકોનું કહેવું છે કે બ્રિજના ભ્રષ્ટાચાર મામલે સરકારે દખલગીરી કરી નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.