આણંદ : આણંદ જિલ્લામાં સોમવારના રોજ યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આચાર સંહિતાની કડક અમલવારીના ભાગરૂપે કેટલાક નિયમો ફરજીયત અમલમાં મુકવામાં આવ્યાં છે. જેમાં મતદાન મથકમાં મોબાઇલ પર પ્રતિબંધ છે. આથી, કોઇ સેલ્ફી લેવા માટે તેનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ઓળખપત્રમાં ડિઝીટલ એક પણ પુરાવો નહીં ચાલે. તેના માટે ફરજીયાત હાર્ડ કોપી સાથે રાખવી પડશે.
આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી. એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ સાતેય બેઠકોના મતદારોને લોકશાહીના મહા પર્વ સમાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સો ટકા મતદાન કરી જિલ્લાને સમગ્ર રાજયમાં અવ્વલ નંબરે લાવવાની અપીલ કરવાની સાથે મતદારોને એ પણ અપીલ કરી છે કે, જ્યારે આપ મતદાન કરવા જાવ ત્યારે ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર કોઇપણ મતદાર મતદાન મથકમાં મોબાઇલ લઇને પ્રવેશી શકશે નહીં. જે બાબતને ધ્યાને લઇ મતદારોને પોતાનો મોબાઇલ લઇને મતદાન મથકમાં પ્રવેશ ન કરે.
કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, મતદારો જયારે મતદાન કરવા માટે જાય ત્યારે તેમની સાથે ચૂંટણી કાર્ડ સાથે રાખવું જરૂરી છે અને જો ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ તરફથી માન્ય કરેલા વધારાના પુરાવા પૈકી કોઇપણ એક પુરાવો સાથે રાખીને મતદાન કરી શકશે. મતદારોએ ભૌતિક સ્વરૂપે આ પુરાવાઓ તેમની પાસે રાખવાના રહેશે. જયારે ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર ડિજિટલ સ્વરૂપમાં રાખવામાં આવેલો પુરાવાઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલિતભાઇ પટેલ, મીડિયા સર્ટિફીકેશન મોનીટરીંટ કમિટિના સભ્ય સચિવ અને મીડિયા નોડલ અધિકારી એચ. બી. દવે વગેરે હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત સ્લીપ પણ ઓળખપત્ર તરીખે માન્ય નથી.
દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવશે
જિલ્લાના દિવ્યાંગ મતદારોને મતદાન મથક પર અગવડતા ન પડે તે માટે વ્હીલચેર, વાહન તથા સહાયકોની વ્યવસ્થા કરવામાં આવી છે, જિલ્લાના મતદારોને બી.એલ.ઓ. મારફતે મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં મતદારને પોતાનું નામ, કયા મતદાન મથક પર તેમજ કયા અનુક્રમ નંબર પર નોંધાયેલ છે તેની વિગતો દર્શાવવામાં આવી છે.
1074 બિલ્ડીંગમાં ખાસ 1810 બુથ ઉભા કરવામાં આવ્યાં
જિલ્લાની સાતેય બેઠકો માટે 1810 મતદાન મથકો 1074 સ્થળોએ ઉભા કરવામાં આવ્યા છે. જયાં 5મીના રોજ સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. આ માટે 2368 કંટ્રોલ યુનિટ- 2368 બેલેટ યુનિટ તથા 2631 વીવીપેટ મશીનો રીઝર્વ સહિત ફાળવવામાં આવ્યા છે.
વિધાનસભામાં કેટલા ઝોનલ રૂટ રવાના કરાયાં
ખંભાત વિધાનસભા મત વિસ્તારના 240 મતદાન મથકો ખાતે એસ.ઝેડ. વાઘેલા હાઈસ્કૂલ અને એસ.કે વાઘેલા હાઈસ્કૂલ ખાતેથી ઇવીએમ મશીન સહિતની ચૂંટણી સાહિત્ય સામગ્રી મતદાર વિભાગના બૂથ ઉપર મોકલવા માટે 27 ઝોનલ રૂટ દ્વારા રવાના કરવામાં આવી હતી.
બોરસદ વિધાનસભા મત વિસ્તાર માટે 254 મતદાન મથકો ખાતેની ઇવીએમ સહિતની સામગ્રી 25 ઝોનલ રૂટ મુજબ જે.ડી.પટેલ હાઇસ્કુલ, બોરસદ ખાતેથી રવાના કરવામાં આવી હતી.
આંકલાવ વિધાનસભા મતદાર વિભાગ માટેના ઈવીએમ સહિતની સામગ્રી 242 મતદાન મથકો ખાતે 25 ઝોનલ રૂટ મુજબ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં રવાના કરવામાં આવી હતી.
ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે ડી.એમ.પટેલ આર્ટસ કોલેજ, ઓડ ખાતેથી ઇવીએમ સહિતની સામગ્રી 289 મતદાન મથકો ખાતે 29 ઝોનલ રૂટ દ્વારા રવાના કરવામાં આવી હતી.
આણંદ વિધાનસભા મતદાર વિસ્તારના 301 મતદાન મથકો ખાતે ડી.એન. હાઇસ્કુલ, આણંદ ખાતેથી જનરલ ઓર્બ્ઝવર ગોપાલ મીના અને મતદાર વિભાગના ચૂંટણી અધિકારી વિમલ બારોટની ઉપસ્થિતિમાં 25 ઝોનલ રૂટ મુજબ ઇવીએમ મશીન સહિતની સામગ્રી રવાના કરવામાં આવી હતી.
પેટલાદ વિધાનસભા મત વિસ્તારના ઇવીએમ તેમજ સાહિત્યની સામગ્રી 239 મતદાન મથકો ખાતેથી 26 ઝોનલ રૂટ મુજબ ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ, પેટલાદ ખાતેથી રવાના કરવામાં આવી હતી.
સોજીત્રા વિધાનસભા મતદાર વિભાગના 235 મતદાન મથકો ખાતે 24 રૂટ ઝોનલ મુજબ ઇવીએમ સહિતની સામગ્રી એમ.એમ.હાઇસ્કુલ ખાતેથી રવાના કરવામાં આવી હતી.