જો કોઇની ઉંમર વધતી અટકાવી શકાતી હોત, જો કોઇનું સૌંદર્ય જે હોય તે જાળવી શકાતું હોત તો તમે કોની ઉંમર, કોનું સૌંદર્ય થંભાવી દો? આના ઉત્તર એક ન જ હોય શકે પણ ત્રીજી ફેબ્રુઆરીએ દિપ્તી નવલ 70મા વર્ષમાં પ્રવેશી રહી છે તે નથી ગમતું. પણ પ્રકૃતિ કાંઇ આપણું સાંભળે નહીં. દિપ્તી નવલ કોઇ ગ્રેટ એકટ્રેસ હતી એવું નહોતું પણ પરદા પર જોવી ગમે તેવી હતી અને સારા વિષય, સારા પાત્રોની આગ્રહી હતી. મનોરંજક સિનેમાથી તે બને એટલી દૂર રહી. શ્યામ બેનેગલ, સઇ પ્રાંજપેથી માંડી ઋષિકેશ મુખર્જી, અમોલ પાલેકર જેવાની ફિલ્મોની તે પસંદ રહી. તેણે દિગ્દર્શક તરીકે ‘દો પૈસેકી ધૂપ ચાર આને કી બારીશ’ જેવી ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું. ‘થોડા સા આસમાન’ નામે એક ટી.વી. સિરીયલ તેણે લખી અને દિગ્દર્શીત કરી અને ‘ધ પાથ લેસ ટ્રાવેલ્ડ’નાને ટ્રાવેલ શોનું નિર્માણ પણ કર્યું. દિપ્તી નવલ કવિયત્રી, ચિત્રકાર પણ છે. એક સમયે લોકો માનતા કે ગુલઝારજી સાથે તેમને પ્રેમ સંબંધ છે. લોકો છે અને વાત કરે. બાકી નાના પાટેકર સાથેનો સંબંધ પણ ચર્ચાયેલો. જો કે તે પ્રકાશ ઝા જેવા દિગ્દર્શકને પરણેલી પણ સત્તરેક વર્ષના લગ્ન સંબંધ પછી છૂટાછેડા થયા. બંનેએ જે દિકરી દત્તક લીધી તેનું નામ દિશા છે. દિપ્તી નવલને પંડિત જશરાજના ભત્રીજા વિનોદ પંડિત સાથે રિલેશન હતા પણ એકવાર પરણી છૂટાછેડા લીધા પછી બીજા લગ્નમાં તે નથી જ બંધાઇ.
1978ની ‘ઝનૂન’ ફિલ્મથી તેની ઓળખ શરૂ થઇઅને ‘એક બાર ફીર’ ફિલ્મથી તે મશહુર થઇ ગઇ. ફિલ્મના અભિનેતાને તે પરણી હોય છે પણ જુએ છે કે તેની સાથેનું જીવન કુંઠા આપી શકે અને તે એક સ્ટ્રગલીંગ સ્ટુડન્ટના પ્રેમમાં પડે છે અને તેના માટે સલામત કહેવાતા લગ્નજીવનને તે ત્યજી દે છે. એ ફિલ્મ પછી લોકોને તે ‘ચશ્મે બદદૂર’, ‘સાથ સાથ’, ‘અંગૂર’, ‘રંગબેરંગી’, ‘કથા’ વગેરે ફિલ્મોમાં ગમી. પરદા પર તે બહુ સિમ્પલ રહેતી અને સિમ્પલ લવસ્ટોરીમાં જ તે આવી. પછીના વર્ષોમાં ‘મોહન જોષી હાજિર હો’, ‘કમલા’, ‘દામુલ’, ‘અનકહી’ વગેરે ફિલ્મોમાં આવી અને તેમાં તેની ભૂમિકા ગંભીર હતી. તેની ઊભી થયેલી લોકપ્રિય ઇમેજથી આ ફિલ્મો જૂદી હતી પણ તે પોતાના કામને માત્ર ધંધાકીય રીતે વિચારતી નહોતી. તેને ફારુક શેખ સાથે જોવાનું લોકોને ગમતું અને એટલે ‘સાથ સાથ’, ‘ચશ્મે બદ્દૂર’, ‘કથા’, ‘રંગબેરંગી’, ‘લીશન અમાયા’, ‘એક બાર ચલે આઓ’, ‘કિસીસે ના કહેના’ ફિલ્મો આજે પણ જોવી ગમે એવી છે. તે ‘ફિલ્મી’ કહેવાય એવા હીરો સાથે જામે તેમ ન હતી. દિપ્તી નવલને તમે મિથુન ચક્રવર્તી કે જેકી શ્રોફ કે અમિતાભની હીરોઇન તરીકે કલ્પી ન શકો.
તેણે લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું ત્યારે સહઅભિનેત્રી હતી. તે આ સમજી ગઇ એટલે ‘અંધેરે’, ‘અમ્રીતા’, ‘આખરી દાવ’, ‘ઉમ્મીદ’, ‘મઝધાર’, ‘કહકશાં’ જેવી ટી.વી. સિરીયલોમાં આવી. ‘થોડા સા આસમાન’ નામે પોતે પણ સિરીયલ બનાવી. બાકી ‘સૌદાગર’, ‘યાલગાર’, ‘પોલીસવાલા ગુંડા’ જેવી ફિલ્મોમાંય તેણે કામ કર્યું છે ને ત્યારે તે ખોવાયેલી ખોવાયેલી જણાય છે. આ કારણે જ તે ટી.વી. સિરીયલોમાં કામ કરતી રહી. બાકી તે ‘ઝિંદગી ના મીલે દોબારા’માં પણ છે, ‘તેવર’માં પણ પિન્ટુની મમ્મી તરીકે અને ‘એનએચ-10’માં સરપંચની ભૂમિકામાં હતી. ટી.વી. સિરીયલ, વેબ સિરીઝ તો તે આજે પણ કરે છે એટલે જ ‘મેરી આવાઝ હી પહેચાન હૈ’, ‘મેઇડ ઇન હેવન’, ‘પવન એન્ડ પૂજા’, ‘ક્રિમીનલ જસ્ટિસ બિહાન્ડ કોલોઝ્સ ડોર્સ’માં હમણાં તે જોવા મળી હતી. તેણે ‘સ્લિપ’ નામે શોર્ટ ફિલ્મ પણ કરી છે અને ‘ગોલ્ડ ફીશ’ નામની ફિલ્મમાં તે કલ્કી કોચેલીન સાથે દેખાશે.