ભારત દેશમાં જ ગુટકા તમાકુ, વગેરે ખવાય છે એવી મારી માન્યતા છે. દુનિયાના ઘણા દેશોમાં ફરી છું પણ જોવામાં આવ્યું નથી. થૂંક્વા પર પ્રતિબંધ છે. તો પણ લાલ લાલ ગળફાવાળું થૂંક રસ્તા પર દેખાય છે. પાન માવાનું આ પરિણામ છે. હવે તો આપણી સેલિબ્રિટી પણ જાહેરાતોમાં આ ખાતાં બતાવવામાં આપે છે. અમિતાભ-ગાવસ્કર, કપિલદેવ – અજય દેવગન – શાહરૂખ સેહવાગ વગેરે જાહેરાતોમાં આવે છે. ઘરમાં ખાયા કરો તેનો વાંધો નથી પણ દેશમાં જાહેરમાં શા માટે? તમને યુવાનો રોલ મોડલ માને છે, તેથી આ સારું ન કહેવાય.
પૈસાની કમી તમને નડતી નથી તો પછી આવી નુકસાનકારક જાહેરાત ન આપવી જોઈએ. દારૂ, સિગરેટ તમાકુ વગેરે શરીરને હાનિકારક છે તો પછી શા માટે યુવાનો સાથે ચેડાં કરો છો? શરમ આવવી જોઈએ. આ સેલિબ્રિટી સમજતા પણ હોય છે. પણ ધનની લોલુપતા આનું કારણ છે. સૈનિકો દેશ માટે સરહદ પર ખડા રહી દેશની સેવા કરે છે. તમે તો દેશની સરહદ પર નથી જવાના, પણ આડકતરી રીતે તો દેશની સેવા કરી કંઈક કરી શકો. તમે ક્રિકેટ કે ફિલ્મમાં આજની તારીખે ધૂમ રૂપિયા કમાવો છો. લોકો તમને હીરો ગણો છે.
તમને ફોલો પણ કરે છે. સાચી દિશા બતાવી સારી જાહેરાતોમાં આવો તો સારું લાગે. આ શું ? કમલા પસંદ ખાવા માટે દેશના લોકોને પ્રેરિત કરો તે ઘણાંને પસંદ નથી. આપણા ગુજરાતમાં દારૂબંધી છે. છતાં છાનો છપનો દારૂ પીવાય છે, વેચાય છે, ગુટકા પર પ્રતિબંધ વચ્ચે લગાવેલો પણ પાછો ચાલુ થઈ ગયો. પ્લાસ્ટિક (પાતળી થેલી) પર પ્રતિબંધ આવેલો પણ પાછા બધાં જ વાપરતાં થઈ ગયા. કાયદો ઘડાય પણ પાલન ન થાય તે પણ આપણા માટે સારી વાત નથી. સમજી વિચારી પોતાનું મન શું કહે છે તે વિચારવું જોઈએ. એક વાર આવી બધી ચીજની આદત પડી જાય પછી છોડવી મુશ્કેલ બની જાય છે. બરબાદી જાણી બુઝીને ન આવવા દો. સરકારે પણ આવી જાહેરાતો પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.
સુરત – જ્યા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બધાં ધર્મસ્થળોને પ્રવાસ સ્થળો ન બનાવો
હવે ઠેઠ અમરનાથ સુધી વાહનો લઇ જઇ શકાય છે. કૈલાસ માનસરોવર જવાના પણ નવા રસ્તા ખૂલ્યા છે અને એ રીતે દરેક મહત્ત્વનાં એ ધર્મસ્થાનો કે જ્યાં જવામાં તકલીફો પડતી તે તકલીફો ઓછી કરાઈ રહી છે. આમ કરવામાં પહાડો ખોદવામાં આવે છે અને ભવિષ્યમાં મોટી આફત આવે એવું બની રહ્યું છે. સરકારનો ઇરાદો ધર્મસ્થાનોને પ્રવાસ સ્થાનોમાં ફેરવવાનો છે, જેથી પ્રવાસનની આવક વધે. શું આ યોગ્ય છે? દરેક ધર્મસ્થાનો પ્રવાસ માટે નથી. અમુક જગ્યાએ જવામાં તકલીફો પડે તો તે પણ જરૂરી છે. બધું સરળ અને પૈસા ખર્ચવાથી સગવડ બની જાય એવું ન કરવું જોઇએ.
સુરત – નીલુ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.