Editorial

શિયાળો શરૂ થતાં જ ઉત્તર-પશ્ચિમ ગોળાર્ધના દેશોની કઠણાઇઓ શરૂ થઇ ગઇ

છેલ્લા કેટલાક દિવસથી બ્રિટનમાં ભારે બરફવર્ષાના સમાચારો કેટલાક દિવસથી આવી રહ્યા હતા ત્યાં હવે ફ્રાન્સ અને સ્પેનમાં ભારે વરસાદના સમાચાર આવ્યા છે. ફ્રાન્સ અને સ્પેનમાં ભારે વરસાદની ઘટનાઓ બની છે જેને કારણે આ બંને યુરોપિયન દેશોમાં સખત પૂરની સ્થિતિ સર્જાઇ છે. ફ્રાન્સમાં તો ત્રણ સપ્તાહમાં પડે તેટલો વરસાદ ૧૨ કલાકના સમયગાળામાં જ પડી ગયો હોવાનું જાણવા મળે છે. દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સ અને ઉત્તરીય સ્પેનના વિસ્તારોમાં સ્થાનિક સમય પ્રમાણે શુક્રવારે રાત્રે આ ભારે વરસાદની ઘટનાઓ બની હતી. સખત વરસાદને કારણે અહીં પૂરની સ્થિતિ પણ સર્જાઇ છે જે પૂરની સ્થિતિ પિરેનીસ પર્વતમાળામાં પીગળેલા બરફે વધુ વકરાવી હતી. ગરમ દક્ષિણી પવનો ફૂંકાવાને કારણે આ બરફ પીગળવાની ઘટનાઓ બની હતી. સ્પેનના સનબીલામાં એક છાપરું એક વાહન પર તૂટી પડતા એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે. ફ્રાન્સમાં તો ત્રણ અઠવાડીયામાં પડે તેટલો વરસાદ માત્ર ૧૨ કલાકમાં જ પડી જતા નદીઓ ઉભરાઇ ગઇ હતી અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ પણ બની છે.

અનેક ઘરો પૂરના પાણીમાં ઘેરાઇ ગયા હતા અને ફાયર ફાઇટરોએ બચાવ કાર્યો માટે ભારે દોડાદોડી કરવી પડી હતી. સ્પેનમાં પણ નદીઓ ઉભરાવાની અને પૂરની ઘટનાઓ બની છે અને ડઝનબંધ લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું છે. બ્રિટનમાં કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટની ચિંતાઓ વચ્ચે સખત બરફ વર્ષા શરૂ થઇ ગઇ છે અને આ વખતે પણ ત્યાં શિયાળો સખત રહેવાના એંધાણ છે. યુરોપના દેશોમાં શિયાળામાં બરફ વર્ષા અને વરસાદ એ સામાન્ય બાબતો છે પરંતુ તેનું પ્રમાણ ખૂબ વધી જાય તો તે ભારે મુશ્કેલી સર્જક બને છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં સખત શિયાળાની ઘટનાઓ વધી ગઇ છે.

યુરોપ ખંડમાં બરફ વર્ષા અને વરસાદના અહેવાલો હતા જ ત્યાં અમેરિકાના અનેક રાજ્યોમાં તોફાની વંટોળિયાઓ અને વાવાઝોડાઓના પણ અહેવાલ આવ્યા છે. અમેરિકાના અનેક રાજ્યોમાં વંટોળિયાઓ અને સખત હવામાનની ઘટનાઓએ વ્યાપક વિનાશ વેર્યો છે અને ડઝનબંધ લોકોનાં મોતનો ભય સેવાઇ રહ્યો છે. અમેરિકાના મિસુરી, આર્કાન્સાસ, ટેનેસી, કેન્ટુકી અને ઇલિનોઇસ રાજ્યોમાં આ તોફાની વંટોળિયાઓ અને વાવાઝોડાઓ સ્થાનિક સમય પ્રમાણે મુખ્યત્વે શુક્રવારે મોડી રાત્રે ફૂંકાયા હતા. અમેરિકાના આ પાંચ રાજ્યોમાં ફૂંકાયેલા આ વંટોળિયાઓ અને વાવાઝોડાઓને કારણે ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. કેન્ટુકીમાં મેફિલ્ડ નામના એક નગરમાં તો ભારે વિનાશ સર્જાયો છે જ્યાં છેક ૧૮૮૮ના વર્ષમાં બનેલ એક ઐતિહાસિક અદાલતની ઇમારતનું છાપરું ઉડી ગયું હતું અને તેનો ટાવર પણ તૂટી પડ્યો હતો. મેફિલ્ડમાં મીણબત્તીઓ બનાવતી એક ફેકટરી તૂટી પડતા તેમાં સંખ્યાબંધ લોકો દબાઇ ગયા હતા.

કેન્ટુકીના ગવર્નરે જણાવ્યું હતું કે ૨૨૭ માઇલ સુધી ટોર્નેડો ફેલાયા હતા. આ બાબત તોફાનની તીવ્રતા સૂચવે છે. એક અહેવાલ જણાવે છે કે અનેક નગરોમાં વ્યાપક વિનાશ વેરાયો છે અને છ રાજ્યોમાં મૃત્યુઆંક ૧૦૦ને પાર જઇ શકે છે. સ્થાનિક સમય પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે અમેરિકાના અનેક રાજ્યોમાં હવામાનનું તોફાન સર્જાયું હતું, જેમાં અનેક સ્થળે સીધી લીટીમાં ઝડપી પવન સાથે ફૂંકાતા વાવાઝોડાઓ અને ચકરીઓ લેતા તોફાની પવન સાથેના વંટોળિયાઓ – કે જેમને સ્થાનિક ભાષામાં ટોર્નેડો કહેવામાં આવે છે તે એક સાથે ત્રાટક્યા હતા. આના કારણે નુકસાનની માત્રા વધી ગઇ હોવાનું માનવામાં આવે છે. અમેરિકામાં જો કે આવા વંટોળિયાઓ અને વાવાઝોડાઓ શિયાળામાં જ ત્રાટકે છે તેવું નથી પણ શિયાળાની શરૂઆતમાં જ આ તોફાનો ત્રાટક્યા છે તે સૂચક છે અને શિયાળામાં તો ત્યાં બરફના તોફાનો સર્જાય જ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તો અમેરિકામાં શિયાળામાં બરફના ભયંકર તોફાનો સર્જાયા છે.

ઉત્તર-પશ્ચિમ ગોળાર્ધમાં આવેલા યુરોપિયન દેશો, યુનાઇટેડ સ્ટેટ્સ(અમેરિકા) અને કેનેડા જેવા દેશો સમૃદ્ધ છે પરંતુ તેમણે શિયાળામાં ઘણી સખત સ્થિતિઓનો સામનો ઘણી વખત કરવો પડે છે. પાંચેક મહિનાનો સખત શિયાળો શરૂ થતા જ ત્યાં જાત જાતની સખત હવામાનની ઘટનાઓ શરૂ થઇ જાય છે. સખત શિયાળાઓ એ આ પશ્ચિમી દેશોની કઠણાઇ છે. આમ તો સદીઓથી ત્યાંની પ્રજા આવા સખત શિયાળાઓ સહન કરતી આવી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હવામાન પરિવર્તનને કારણે ત્યાં શિયાળામાં સખત હવામાનની ઘટનાઓ વધી ગઇ છે અને તેણે આ દેશોના લોકોની કઠણાઇઓમાં ઓર વધારો કર્યો છે.

Most Popular

To Top