આ વર્ષે ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થશે તેવી હવામાન ખાતાની આગાહી હતી. પરંતુ જુલાઇ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો અને તેણે પછી તો ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અત્યાર સુધીમાં તો અનેક રાજ્યોમાં ભારે તરખાટ મચાવી દીધો છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં શનિવારથી ભારે વરસાદ શરૂ થઇ ગયો અને રવિવારે તો તેણે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું. રાજધાની દિલ્હીમાં તો રવિવારે જુલાઇના એક દિવસના વરસાદનો ૪૧ દિવસનો વિક્રમ તૂટ્યો.
અને તે પછી પણ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં એકધારો વરસાદ ચાલુ રહ્યો અને રાહત તથા બચાવ કાર્યને સઘન બનાવવા માટે લશ્કર અને એનડીઆરએફની ટીમો સોમવારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉતારવામાં આવી. હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી, ઉત્તરાખંડ વગેરે ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હીની યમુના સહિત ઉત્તર ભારતની અનેક નદીઓ રમણે ચડી છે અને આ સમગ્ર પ્રદેશના અનેક શહેરો અને નગરો, ઘણા માર્ગો અને રહેણાક વિસ્તારો ઘૂટણડૂબ પાણીમાં ડૂબેલા છે.
ખાસ કરીને રવિવારે પડેલા વિક્રમી વરસાદને કારણે શહેરી સંસ્થાઓ સ્થિતિ સાથે કામ પાર પાડવામાં અક્ષમ બની ગઇ હતી. એનડીઆરએફની કુલ ૩૦ ટીમો ઉત્તર ભારતના ચાર રાજ્યોમાં તૈનાત કરવામાં આવી છે જેમાંથી ૧૪ ટીમો પંજાબમાં, એક ડઝન હિમાચલ પ્રદેશમાં, આઠ ઉત્તરાખંડમાં અને પાંચ હરિયાણામાં કામે લગાડાઇ છે. આ ઉપરાંત ભૂમિદળના વેસ્ટર્ન કમાન્ડની ફ્લડ રીલીફ કોલમોને પણ બચાવ કાર્ય માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે.
ઉત્તર ભારતના ભારે વરસાદથી સૌથી ખરાબ સ્થિતિ હિમાચલ પ્રદેશમાં સર્જાઇ છે. આ પહાડી રાજ્યમાં વરસાદને લગતી ઘટનાઓથી સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ નિપજ્યા છે. ત્યાં માલ મિલકતને પણ ભારે નુકસાન થયું હોવાનો અંદાજ છે જ્યાં અનેક મકાનો ક્ષતિગ્રસ્ત થયા હોવાનું તથા અનેક વાહનો તણાઇ ગયા હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રી સુખવિંદર સુખુએ કહ્યું હતું કે આ રાજ્યે છેલ્લા પ૦ વર્ષમાં આટલો વ્યાપક વરસાદ જોયો નથી.
ત્યાં અનેક પર્યટકો પણ ફસાઇ ગયા હોવાના અહેવાલ છે. આમ પણ આ રાજ્ય મોટા પ્રમાણમાં પર્યટકોને આકર્ષે છે અને આ ઋતુમાં પણ અનેક પર્યટકો ત્યાં જતા હોય છે તેવા સંજોગોમાં આવી સ્થિતિમાં પર્યટકો ફસાઇ જાય તે સ્વાભાવિક છે. પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદ પડ્યો છે. પંજાબમાં એક ખાનગી યુનવર્સિટીના પરિસરમાં પાણી ભરાઇ જતા ફસાયેલા ૯૧૦ વિદ્યાર્થીઓ અને અન્યોને લશ્કરે બહાર કાઢ્યા હતા. જ્યાં મોહાલી, પટિયાલા, પંચકુલા, અંબાલા જેવા જિલ્લાઓને વધુ અસર થઇ છે. અન્ય પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ભેખડો ધસી પડવાની ઘટનાઓને લઇને બદ્રીનાથ નેશનલ હાઇવે તથા અન્ય ઘણા માર્ગો અવરોધાઇ ગયા હતા.
હાઇવે કેટલાક કલાકો પછી ચાલુ કરાયો હતો પરંતુ અન્ય માર્ગો હજી બંધ છે. રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ અને દેશની રાજધાનીનું આ શહેર જેના કિનારે વસેલું છે તે યમુના નદીમાં વધતી જતી જળ સપાટીને કારણે દિલ્હીમાં વર્ષો પછી ફરી એકવાર પૂર આવે તેવો ભય સર્જાયો છે. હરિયાણાના હાથીકુંડ બેરેજમાંથી સતત છોડવામાં આવતા પાણીને કારણે યમુનાની જળ સપાટી ખૂબ વધે છે. અત્યારે પૂર આવે તેવો ભય નથી તેવા નિષ્ણાતોના અભિપ્રાય વચ્ચે સોમવારે સાંજે તો દિલ્હીમાં યમુના કાંઠેના નીચાણવાળા વિસ્તારોમાંથી આઠ હજાર કરતા વધુ લોકોનું તો સ્થળાંતર કરાવી પણ દેવાયું હતું.
ઉત્તર ભારત જે અણધારી રીતે મેઘતાંડવની સ્થિતિમાં સપડાયું તે એક આશ્ચર્યની બાબત તો છે જ, સ્વાભાવિક રીતે આ મેઘતાંડવને ઘણા લોકો હવામાન પરિવર્તન સાથે સંકળાયેલી ઘટના તરીકે પણ જુએ છે પરંતુ હવામાન ખાતાએ જણાવ્યું છે કે આ ભારે વરસાદને હવામાન પરિવર્તન સાથે સંબંધ નથી. એક વિશિષ્ટ પ્રકારની હવામાન સ્થિતિ સર્જાય છે, જે આવી રીતે, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ લાવે છે.
આ સ્થિતિ બહુ જવલ્લે જ સર્જાય છે. ૨૦૧૩માં ઉત્તરાખંડમાં થયેલા ભયંકર વરસાદ વખતે જે હવામાન સ્થિતિ હતી તેવા જ ઘણા લક્ષણો હાલની સ્થિતિના છે. ૨૦૧૩માં ઉત્તરાખંડમાં થયેલ વરસાદી હાહાકારમાં મોટા પ્રમાણમાં કેદારનાથ યાત્રાળુઓ માર્યા ગયા હતા ત્યારે જે પ્રકારની હવામાનની સ્થિતિ હતી તે પ્રકારની જ સ્થિતિ હાલમાં ઉત્તર ભારતના વિસ્તારોમાં જણાય છે અને ઘણાને ૨૦૧૩ના તે મેઘતાંડવની ભયંકર યાદો પણ આનાથી તાજી થઇ ગઇ છે. ઉત્તર ભારતમાં સર્જાયેલ આ મેઘતાંડવથી જાનહાનિ અને નુકસાનીના સ્પષ્ટ આંકડાઓ આવતા હજી વાર લાગશે, આશા રાખીએ કે તે બહુ ભયંકર નહીં હોય.