National

દેશના આ રાજ્યોમાં 4 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની આગાહી, પારો માઈનસમાં જશે

નવી દિલ્હી: (New Delhi) રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડી પડી રહી છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીએ (Severe Cold in North India) જનજીવન અસ્ત વ્યસ્ત કર્યું છે. દિલ્હીમાં પારો ગગડીને 5 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયો છે. જ્યારે દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પારો શૂન્ય અથવા તેનાથી પણ નીચે ગયો છે. સોમવારે સવારે દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા, બિહારના મોટાભાગના વિસ્તારોમાં શીત લહેર પ્રવર્તી હતી અને ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી (Visibility) ઘટીને 50 મીટર થઈ ગઈ હતી. કેટલીક જગ્યાએ તો તે 20 મીટરની નજીક પણ પહોંચી ગઈ હતી. બીજી તરફ હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં 4 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી રહેવાની આગાહી કરી છે. અનેક જગ્યાએ તાપમાન 5 ડિગ્રીથી નીચું જઈ શકે છે. 31 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી કેટલાક શહેરોમાં તાપમાન માઈનસ સુધી જવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર ભૂમધ્યસાગરથી ઉઠેલા પશ્ચિમી પવનો હિમાલયનાં ક્ષેત્રોમાં સક્રિય હશે. આના કારણે 29 ડિસેમ્બર પછી પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. જેના કારણે 31 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધીના પાંચ દિવસ સિઝનના સૌથી ઠંડા દિવસો હશે. રાજસ્થાન, પંજાબ, હરિયાણાના કેટલાક શહેરોમાં રાતનું તાપમાન માઇનસ સુધી જઇ શકે છે. બીજી તરફ દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં રાતનું તાપમાન 1થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. રાજસ્થાનમાં માઉન્ટ આબુમાં પારો માઇનસ 0.5 ડિગ્રી પહોંચ્યો હતો. જ્યારે જયપુરના જોબનેરમાં તાપમાન માઇનસ એક ડિગ્રી રહ્યું હતું.

ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી અને ધુમ્મસને કારણે રોડ અને રેલવે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ઘણી ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે. બીજી તરફ વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે સ્કૂલોનો સમય પણ બદલી દેવાયો છે. દિલ્હી સહિત સમગ્ર NCRમાં કડકડતી ઠંડી વચ્ચે ગાઝિયાબાદમાં શાળાનો સમય બદલાયો છે. વધતી ઠંડીને કારણે ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટે હવે જિલ્લામાં આઠમા ધોરણ સુધીની શાળાઓ ખોલવાનો સમય લંબાવ્યો છે જે હવે સવારે 10 વાગ્યાથી ખુલશે.

બીજી તરફ હવામાન વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ચંડીગઢ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં કડકડતી ઠંડીનું એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં તાપમાન 3થી 7 ડિગ્રી સુધી ઘટ્યું છે. બીજી તરફ રાજસ્થાનનાં ચૂરુમાં સોમવારે સવારે તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે અહીં જનજીવન પ્રભાવિત થયું હતું.

Most Popular

To Top