છેલ્લા એક વર્ષથી દેશની સરકારનું અને પ્રજાનું ધ્યાન ચીનની ઘુસણખોરી અને કોરોનાની વિશ્વ વ્યાપી મહામારી એ રોકી રાખ્યું છે. ત્રીજી તરફ લાખ્ખો ખેડૂત આંદોલનકારીઓનો દિલ્હી બોર્ડરે થયેલ જમાવડો પ્રજાને ઉચ્ચક જીવે રાખી રહયો છે.
પરંતુ છેલ્લા એક વર્ષમાં જીવન જરૂરી ખાદ્ય વસ્તુઓના ભાવોમાં જંગી વધારો થયો છે તે તરફ મોદી સરકારનું લગીરેય ધ્યાન નથી. આ ભાવ વધારો બહુમતી પ્રજાને ભુખમરા તરફ ધકેલશે જેમકે કપાસિયા ખાદ્ય તેલના ડબ્બા ઉપર માત્ર છ મહિનામાં 400 રૂા.થી વધુનો ભાવ વધારો થયો છે.
સુકી ચાના ભાવમાં 1 વર્ષમાં રૂા. 200નો વધારો જયારે 25/30 રૂા. કિલોનો ગોળ રૂા. 55 થી 60 થયો છે. શાકભાજીના ભાવમાંયે એવું જ છે. સરકાર જણાવે છે કે મગફળ અને કપાસીયાનો બમ્પર પાક થયો છે. છતાંયે આ જંગી ભાવવધારા કેમ થાય છે? કોરોનાનો હાંઉ બતાવી માત્ર સ્પેશ્યલ ટ્રેનો દોડાવાય છે જેના ભાડા નાના માણસને ભારે પડે છે.
એજ રીતે પેટ્રોલ ડીઝલના ભાવ લગભગ ડબલ થઇ ગયા છે. ગેસ સિલીંડરોની સબસીડી ગુમ થઇ ગઇ છે! કોંગ્રેસના રાજ વખતે ગેસના બાટલા અને થાળી વેલણ લઇ દેખાવો કરનારા સ્મૃતિ ઇરાની મંત્રી બની ગયા એટલે પ્રજા માટે ચુંકેચા યે નથી કરતા. એમની બોલતી બંધ થઇ ગઇ છે! હવે સ્થાનિક ચુંટણીઓ પતશે એટલે વેરા વધારા આવશે. પ્રજા પિસાઇ રહી છે એના તરફે બોલનારૂં કોઇ દેખાતું નથી. સામાન્ય માનવીને મોંઘવારી ભથ્થા મળતા નથી એ તો વિચારો.
સુરત – જીતેન્દ્ર પાનવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.