કેટરીના કૈફ પાસે અભિનય પ્રતિભા નહોતી પણ બ્યુટી હતી, કામ કરવાની લગન હતી અને સારા ડાન્સ કરી શકતી. આજે પણ તે આ તાકાતને કારણે જ ઊભી છે. એવું નોરા ફતેહી વિશે બને તો કહેવાય નહી. લોકો તેના સૌંદર્યની વાત બહુ કરે છે. હમણાં તે ‘ભૂજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ના પ્રમોશનમાં અજય દેવગણ સાથે આવી હતી. એની સાથે જ બીજા સમાચાર એ છે કે ઋતિક રોશન સાથે તે ‘ક્રિશ-4’માં આવી રહી છે. રાકેશ રોશન અને ઋતિક કાંઇ એમને ય પસંદ ન કરે. નોરાએ પોતાની વેલ્યુ વધારી છે. આમ તો તે ફિલ્મોમાં ડાન્સર હોય યા વિડીયો ગીતમાં હોય. સમજો કે તે અત્યારના સમયની મલાઇકા અરોરા છે. પણ તમે માનો ન માનો. ફિલ્મો અને વિડીયો થઇ તેના નામે ત્રીસ કામ ચડી ચુક્યા છે. ‘ઓ સાકી સાકી’, દિલબર જેવા ગીતો પછી ભુષણકુમારની દા-સિરીઝના છોડ દેંગે, ગીતને ય ખૂબ લાઇક મળ્યા છે.
ઘણા વિડીયો સોંગ તેના કારણે ચાલુ છે એટલે પંજાબમાં તે ફુલ ડિમાન્ડમાં રહે છે. તે ટી.વી. શોમા પણ ભાગ લેતી રહે છે. પહેલા બિગ બોસ-9, ઝલક દિલખા જા-9માં સ્પર્ધક હતી ને પછી બીજા શોમા ગેસ્ટ બનવાનું અને પછી હોસ્ટ અને જજ તરીકેનું પ્રમોશન મળ્યુ. તે જે ફિલ્મમાં કામ કરે તેના પ્રમોશનમાં હાજર રહે છે કારણ કે તેની હાજરીથી ફરક પડે છે. હમણાં તેની પાસે સત્યમેવ જયતે-2 છે જેમાં તે ખાસ ભૂમિકા પૂરતી જ છે પરંતુ હિન્દીની સાથે જ તે તેલુગુ ફિલ્મોમાં પણ ઘણું કામ કરી ચુકી છે. તેને સ્પેશીયલ અપિરિઅન્સનો વાંધો નથી. બલ્કે અત્યારે એજ તેની ખાસ જગ્યા છે. કેનેડામાં જન્મેલી ને ઉછરેલી નોરા પોતાને દિલથી ભારતીય માને છે અને ભારત આવ્યા પછી ફિલ્મો ટી.વી.ને વિડીયો સોંગ મળતા જ રહ્યાં છે. તે ગાયિકા પણ છે અને નિર્માત્રી પણ છે. નોરા પર નજર રાખજો. આવનારા વર્ષોમાં તે વધારે કામ કરી દેખાડશે.