વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે રાજકારણીઓ સામે નતમસ્તક થઈ ગયેલી વડોદરા શહેર પોલીસ ચૂંટણી પુરી થતાં જ એક્શનમાં આવી છે. માસ્ક દંડ તેમજ ટ્રાફિક નિયમનના ભંગ બદલ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરતા લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થઈ છે. ચૂંટણી વખતે હજારોન સંખ્યામાં રાજકીય કાર્યકરો માસ્ક વિના રસ્તા પર ફરતા હતા ત્યારે કાંઈ નહી ઉખાડી શકેલી શહેર પોલીસે ફરી એકવખત માસ્ક વિના નીકળતા વાહનચાલકો , વેપારીઓ તેમજ માર્ગ પર બેસતા પથારાવાલાઓ અને ફેરિયાઓ સામે માસ્ક નહીં પહેરવા બદલ રૂપિયા 1 હજાર ના દંડ વસુલાતની કાર્યવાહી શરૂ કરતાં લોકોમાં નારાજગી ફેલાઈ ગઈ છે.
સામાન્ય માણસ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હોઈ રૂપિયા 1 હજારનો દંડ કેવી રીતે આપી શકે? જેથી માસ્ક નહીં પહેરવા બદલ ઉઘરાવતા રૂપિયા 1 હજારના દંડ સામે કેટલાક વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટી મોટી સભાઓ યોજાઈ ,રેલીઓ નીકળી તેમાં કેટલાય શહેરના રાજકીય હોદ્દેદારો ,કાર્યકરો માસ્ક વિના નજરે પડ્યા હતા તેમજ જાહેરમાં સોશ્યલ ડિસ્ટન્ટના ધજાગરા ઉડ્યા હતા.ત્યારે કોરોનાં નડ્યો નહીં.
હવે જ્યારે ચૂંટણીઓ પુરી થઈ ત્યારે ફરીથી પ્રજા પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસુલ કરવામાં આવી રહ્યો જણાવી લોકોએ નારાજગી દર્શાવી હતી.