સંતરામપુર: ચારુતર વિદ્યામંડળ યુનિવર્સીટીની એન.વી.પટેલ સાયન્સ કોલેજના બાયોલોજીકલ એન્ડ એન્વાયર્મેન્ટ વિભાગ દ્વારા ઉર્જાના સંરક્ષણ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું .
એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના સ્થાપક અને આઈ આઈ ટી બોમ્બેના પ્રોફેસર ડૉ. ચેતનસિંહ સોલંકીને પ્રવક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જે સોલર મેન તરીકે પણ જાણીતા છે. તેમણે એનર્જી સ્વરાજ યાત્રા અંતર્ગત કોલેજની મુલાકાત લીધી હતી અને સેમિનારમાં વિદ્યાર્થીઓને પૃથ્વીના વધતા તાપમાન અને તેને લીધે કલાઇમેટ ચેન્જ ની પ્રવર્તમાન અસરો સમજાવી હતી.
UN રિપોર્ટ પ્રમાણે આગામી 10 વર્ષોમાં જો તાપમાનને નિયંત્રિતના કરવામાં આવે તો જે અસરો થશે તે નિવારી ના શકાય તેવી હશે. માટે અગમચેતીના પગલાં રૂપે ઉર્જાનો બુદ્ધિપૂર્વકનો વપરાશ સૂચવ્યો હતો. પ્રો. ડૉ. ચેતનસિંહ સોલંકીએ તેમના વક્તવ્યમાં એનર્જી સ્વરાજ યાત્રા વિશે જણાવ્યું હતું. તેમની આ યાત્રા નવેમ્બર, ૨૦૨૦ થી શરૂ કરી ડિસેમ્બર,૨૦૩૦ સુધી દેશભરમાં ફરનાર છે .
આ યાત્રા ૧૦૦ % ઉર્જાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે શિસ્તબદ્ધ રીતે સૌર ઊર્જાના વપરાશ માટે, સમાજમાં સમજણ અને વ્યવહારિક સ્વીકૃતિ લાવવા માટે પ્રયત્ન કરે છે. તેઓ તેમની સાથે સૌર ઊર્જા સંચાલિત ખાસ ડિઝાઇન કરેલ બસ લઈને યાત્રા કરે છે
કાર્યક્રમ ની શરૂઆત રિસર્ચ સ્ટુડન્ટ કુ. શેફાલી અને તૃતીય વર્ષની વિદ્યાર્થીનીઓની પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ બાયોલોજિકલ એન્ડ એન્વારોન્મેન્ટલ સાયન્સ વિભાગના વડા ડો. રીટા કુમારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો અને સ્વરાજ યાત્રા વિષે વિસ્તૃત માહિતી આપી હતી. મુખ્ય મહેમાન ડો ચેતન સિંઘ ચૌધરીનો પરિચય ડો સુસ્મિતા સાહુએ આપ્યો હતો.
ડો ચેતન સિંઘે પોતાના વક્તવ્યમાં પર્યાવરણની સમસ્યાઓ અને ક્લાઈમેટ ચેન્જ વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બિન જરૂરી ઉર્જાના વપરાશ પર કાપ મુકવાનું દરેક વ્યક્તિ શીખે તો ત્રીજા ભાગની ઉર્જાની બચત થઇ શકે. વળી જ્યાં ઉર્જાની ફરજીયાત જરૂરિયાત હોય ત્યાં એલ ઈ ડી ની પ્રોડક્ટ અને ફાઈવ સ્ટાર વાળા સાધનોનો ઉપયોગ ઉર્જાના વપરાશને ઘટાડશે. ઉર્જાના વિકલ્પ તરીકે પુનઃ પ્રાપ્ય એવી સૌર ઉર્જાનો ઉપયોગ કરીને કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાની વાત પર ભાર મુક્યો હતો.
આ કાર્યક્રમમાં એન.વી.પટેલ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો બાસુદેબ બક્ષીએ ડો.ચેતન સિંઘના સૂચનોને સ્વીકારીને વિદ્યાર્થીઓને ઉર્જા વપરાશને ઘટાડવા અને સૌર ઊર્જાનો વપરાશ વધારવાની હિમાયત કરી હતી. ત્યારબાદ કોલેજની મધ્યસ્થ સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. ભાઇલાલ પટેલે વિદ્યાર્થીઓ પાસે કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીને, વીજળી બચાવવા અને સૌર ઊર્જાનો વપરાશ વધારવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. ફેકલ્ટી મિસ રશ્મિ ઠક્કરે આભારવિધિ કરી હતી .