Editorial

બિન-વ્યવસાયિક વાહનચાલકોને વાર્ષિક પાસ નહીં, કાયમી ધોરણે ટોલટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ

દાયકાઓથી જે લૂંટ ચાલી રહી હતી તે હાઈવે પરના ટોલનાકાની સિસ્ટમમાં છેક હવે સુધારો આવવા માંડ્યો છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં નેશનલ હાઈવેના ટોલ માટે વાર્ષિક પાસની સ્કીમ જાહેર કરી છે. આ સ્કીમમાં એક જ વખત નાણાં ભર્યા બાદ તેને નિયત સમય સુધીની ટ્રિપ ફ્રી મળશે. અત્યાર સુધી એવું થતું હતું કે, વાહનચાલકો ટોલનાકા પર લૂંટાતા જ હતા.

સરકાર દ્વારા હાઈવે બનાવવા માટે અબજો રૂપિયા ખર્ચવામાં આવતા હતા અને બાદમાં કંપનીઓ દ્વારા વસૂલીના નામે ટોલ લેવામાં આવતો હતો. હાઈવેનો ખર્ચ વસૂલ થઈ ગયા બાદ પણ ટોલ વસૂલવાનો ચાલુ જ રહેતો હતો. તેમાં પણ થોડા-થોડા સમયે ટોલટેક્સમાં વધારો પણ કરવામાં આવતો હતો. જેને કારણે ઘણી વખત જેટલો ખર્ચ બળતણનો થાય તેની સામે ટોલનો ખર્ચ પણ મોટો રહેતો હતો. તેમાં પણ છેલ્લે છેલ્લે તો હદ થઈ જવા પામી હતી. વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને સાથે સાથે અનેક ઠેકાણે આંદોલનો પણ થયા હતા. જોકે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાતે વાહનચાલકોને મોટી રાહત આપી છે.

આગામી તા.15મી ઓગષ્ટથી આ સ્કીમ શરૂ થઈ જશે. માસિક પાસની કિંમત 3000 રૂપિયા હશે અને તે બિન વ્યવસાયિક વાહનો માટે જ રહેશે. રૂપિયા 3000ના પાસમાં વાહનચાલકો 200 ટ્રિપ કરી શકશે. એટલે કે એક ટાલનાકું પાસ થશે તો તેને એક ટ્રિપ ગણવામાં આવશે. જેથી નવી સિસ્ટમમાં એક ટોલનાકાનો ખર્ચ માત્ર 15 રૂપિયા જ રહેશે. આ વાર્ષિક પાસ એક્ટિવ થયાના એક વર્ષ સુધી ચાલશે. આ પાસને વિવિધ વેબસાઈટ તેમજ મોબાઈલ એપ્લિકેશનથી એક્ટિવ કરી શકાશે.

આ સિસ્ટમને કારણે ટોલ પ્લાઝા પર પ્રતિક્ષા સમય ઘટવાની સાથે સાથે સમય પણ ઓછો થશે. જોકે, એવી વ્યવસ્થા કરવાની વાત હતી કે ટોલનાકા પર વાહનચાલકોએ ઊભા જ નહીં રહેવું પડે, પરંતુ હજુ સુધી તેનો અમલ કરવાની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. ખરેખર તો સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે બિન વ્યવસાયિક વાહનો પાસેથી ટોલ જ લેવામાં નહીં આવે. આ દેશનો નાગરિક દરેક સ્તરે ટેક્સ ભરે છે. ચાહે તે ઈન્કમટેક્સ હોય કે પછી પ્રોફેશન ટેક્સ કે પછી જીએસટી. સરકાર નાગરિકો પાસેથી એટલા મોટા પ્રમાણમાં ટેક્સ ઉઘરાવે છે કે જેની કોઈ હદ નથી. સામે સરકાર દ્વારા બનાવવામાં આવેલા હાઈવેનો વધુ ઉપયોગ સામાન્ય નાગરિક કરતાં વ્યવસાયિક લોકો જ વધુ કરતાં હોય છે.

વ્યવસાયિક વાહનો જ રોડને ખરાબ કરતાં હોય છે. આ સંજોગોમાં બિન-વ્યવસાયિક વાહનચાલકો પાસેથી ટોલટેક્સ લેવાને બદલે એટલો જ ટેક્સ વ્યવસાયિક વાહનચાલકો પાસેથી વધુ વસૂલી લેવો જોઈએ. બિન-વ્યવસાયિક વાહનચાલક ક્યારેક જ હાઈવેનો ઉપયોગ કરતો હોય છે. આ સંજોગોમાં તેની પાસેથી ટેક્સની વસૂલાત કરવી તે નૈતિક રીતે યોગ્ય નથી જ. 2019માં ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના અહેવાલ મુજબ, NHAI રસ્તાના બાંધકામ અને જાળવણીના તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયું છે, અને માર્ચ 2019 સુધીમાં તેના પર 2.74 લાખ કરોડ રૂપિયાનું મોટું દેવું જમા થયું છે.

અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે NHAIએ ટોલ કોન્ટ્રાક્ટ આપવા અને દેખરેખ રાખવા માટે નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કર્યું નથી, અને ટોલ રોડની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરી નથી. અહેવાલમાં ટોલ વસૂલાત પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ, ખામીયુક્ત ટોલ પ્લાઝા, વધુ પડતો ચાર્જ અને લાંબી કતારોને કારણે માર્ગ વપરાશકર્તાઓ દ્વારા થતી હેરાનગતિ અને અસુવિધા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

ભારતમાં ટોલ ટેક્સ સિસ્ટમની અર્થતંત્ર અને સમાજ પર પણ નકારાત્મક અસર પડે છે.  ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (TCI) અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કલકત્તા (IIMC) દ્વારા 2018 માં કરાયેલા એક અભ્યાસ મુજબ, ભારતમાં ટોલ પ્લાઝા પર વિલંબ અને ઈંધણના બગાડને કારણે વાર્ષિક આર્થિક નુકસાન રૂ. 1.5 લાખ કરોડ હોવાનો અંદાજ છે. આ ભારતના GDP ના 1% જેટલું છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે હાઇવે પર માલવાહક વાહનોની સરેરાશ ગતિ પ્રતિ કલાક માત્ર 25 કિમી છે, અને તેઓ તેમના મુસાફરીના સમયનો 10% ટોલ પ્લાઝા પર વિતાવે છે. આ લોજિસ્ટિક્સ ક્ષેત્રની કાર્યક્ષમતા અને સ્પર્ધાત્મકતાને અસર કરે છે,

આ વાત થઈ વ્યવસાયિક વાહનોની પરંતુ બિન-વ્યવસાયિક વાહનોને મુદ્દે ભૂતકાળમાં આવી જ સમસ્યા ગુજરાતમાં ઉદ્દભવતા જે તે સમયે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે સ્ટેટ હાઈવે પર બિન-વ્યવસાયિક વાહનચાલકો પાસેથી ટોલની વસૂલાત કરવી નહીં. આ નિર્ણયને પગલે ગુજરાતના લાખો બિન-વ્યવસાયિક વાહનચાલકોને મોટો ફાયદો થયો છે. જે કામ ગુજરાત સરકાર કરી શકી છે તે કામ કેન્દ્ર સરકાર પણ કરી શકે છે. જો ખરેખર સરકારે સામાન્ય નાગરિકને ટોલટેક્સમાંથી ફાયદો કરાવવો હોય તો આવો નિર્ણય લેવો જરૂરી છે.

Most Popular

To Top